આ સપ્તાહ દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓના પરિણામો આવ્યા. આશરે ૧૪૫ જેટલી સ્થાનિક કાઉન્સિલની ૫૦૦૦ જેટલી બેઠકો તથા ૧૩ મેયરની સીટ માટે પ્રયત્ક્ષ ચૂંટણીઓ અને ૩૯ જેટલી પોલીસ અને ગુના કમિશ્નરની ઇંગ્લેન્ડ અને વેલ્સની પોસ્ટ માટે ચૂંટણીઓ યોજાઈ હતી. આ ઉપરાંત, સ્કોટિશ સંસદ (૧૨ બેઠકો), સેનેડ (વેલ્શ સંસદ) (૬૦ બેઠકો) અને લંડન વિધાનસભા (૨ બેઠકો) ની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. લંડન વિધાનસભાની ચૂંટણીઓ લંડન મેયરની ચૂંટણી સાથે સંબંધિત છે.
યુનાઇટેડ કિંગડમમાં પાંચ પ્રકારની ચૂંટણીઓ થાય છે: હાઉસ ઓફ કોમન્સ (જેને સામાન્ય રીતે ‘સામાન્ય ચૂંટણીઓ’ કહેવામાં આવે છે) ની ચૂંટણીઓ – ભારતની લોકસભા જેવું ગૃહ, સંસદસભાની અને વિધાનસભાઓની ચૂંટણી, સ્થાનિક ચૂંટણી, મેયરની ચૂંટણીઓ અને પોલીસ અને ગુના કમિશનરની ચૂંટણીઓ.
સામાન્ય ચૂંટણીઓ માટે ફિક્સ-ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટ ૨૦૧૧ પસાર થયા પછી, પાંચેય પ્રકારની ચૂંટણીઓ નિયત સમયગાળા પછી કરવામાં આવે છે. જોકે વિધાનસભાઓ અને સંસદની ચૂંટણીઓ નિયત સમય કરતાં પહેલાં કે પછી અમુક પરિસ્થિતિઓમાં થઈ શકે છે. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી કાઉન્સિલની ચૂંટણી દર ચાર વર્ષે કરવામાં આવે છે, જેની છેલ્લી ચૂંટણી ૨૦૧૭માં થઈ હતી. (કાઉન્ટી કાઉન્સિલ સ્થાનિક સરકારની બે-સ્તરની સિસ્ટમનો ઉચ્ચ ભાગ છે.) તેવી જ રીતે બ્રેક્ષિટને કારણે સામાન્ય ચુંટણીઓ વહેલી થયેલી પરંતુ કોવિડને કારણે લંડન મેયરની ચૂંટણી એક વર્ષ માટે પાછળ ધકેલાઈ હતી. સામાન્યરીતે લંડનના મેયર માટે દર ચાર વર્ષે ચૂંટણી થાય છે પરંતુ કોવિંડને કારણે એક વર્ષ ચૂંટણી પાછળ ધકેલાઈ હોવાથી આ વખતની ચૂંટણી બાદ મેયરની મુદત ૩ વર્ષની થશે. પાકિસ્તાની મૂળના સાદિક ખાન ફરીથી લંડનના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.
આ ચૂંટણીઓમાં જે તે વિસ્તારમાં વસતા ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને બ્રિટીશ અથવા આઇરિશ નાગરિક, અમુક કોમનવેલ્થ નાગરિક અથવા યુરોપિયન યુનિયનના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળે છે. યુનાઇટેડ કિંગડમના ૧ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ પ્રકાશિત ઈલેક્ટોરલ રજીસ્ટરમાં જાહેર થયેલ કુલ મતદારોની સંખ્યા ૪૫,૮૪૪,૬૯૧ હતી. હવે નવા સેન્સસ આધારે નવી સંખ્યા સામે આવશે.
યુકેમાં ચૂંટણી માટે અલગ અલગ પાંચ ચૂંટણી પ્રણાલીઓ ઉપયોગમાં લેવાય છે: એક સદસ્ય બહુવચન સિસ્ટમ (પ્રથમ-ભૂતકાળની પોસ્ટ), મલ્ટી-સભ્ય બહુમતી સિસ્ટમ, એકલ સ્થાનાંતરિત મત, વધારાની સભ્ય સિસ્ટમ અને પૂરક મત.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સ્થાનિક સરકારી કાઉન્સિલરોની પસંદગી ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તમે તમારા સ્થાનિક ક્ષેત્રમાં એક ઉમેદવારને મત આપો છો અને સૌથી વધુ મત મેળવનારા ઉમેદવારને ચૂંટાયેલ ગણાય.
સ્કોટલેન્ડ અને નોર્થ આયર્લેન્ડમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમનો ઉપયોગ કરીને કાઉન્સિલરની પસંદગી કરવામાં આવે છે. તમે પસંદગીના ક્રમમાં ઉમેદવારોને ક્રમ આપો અને જેને પ્રથમ ક્રમ પર સૌથી વધારે માટે મળે તે ચૂંટાયેલ ગણાય. અહીં મતદાર દરેક ઉમેદવારને ક્રમમાં મૂકે છે.
આધુનિક યુકેની રાજકીય પ્રણાલીમાં રાજકીય પક્ષો પ્રબળ સંગઠનો છે. બહુમતી ચૂંટણી ઉમેદવારો વિવિધ કદના રાજકીય પક્ષો વતી ઉભા રહે છે. તમામ પક્ષો ચૂંટણી પંચમાં નોંધાયેલા હોવા જોઈએ. યુકેમાં મુખ્યત્વે બે રાજકીય પક્ષો છે. એક તો સત્તાધારી પક્ષ એટલે કે કન્ઝર્વેટિવ અને બીજો મુખ્ય વિરોધ પક્ષ એટલે કે લેબર પાર્ટી. આ બંને ઉપરાંત કેટલીક સ્થાનિક પાર્ટીઓ અને નાની-નાની પાર્ટીઓ પણ ઇલેક્શનમાં ભાગ લે છે. કન્ઝર્વેટિવ પાર્ટી, લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ, ત્રણ મોટા પક્ષો પાસે ઉમેદવારોની કેન્દ્રિય રીતે માન્યતા પ્રાપ્ત સૂચિ છે. લિબરલ ડેમોક્રેટ અને ગ્રીન પાર્ટી આજકાલ નવી ઉભરાઇ આવેલી રાજકીય શક્તિઓ છે. સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનલ પાર્ટી ખુબ મજબૂત છે અને અત્યારે સરકારમાં છે.
સીધા ચૂંટાયેલા મેયર બનાવવાની સત્તા સ્થાનિક સરકાર અધિનિયમ ૨૦૦૦ દ્વારા ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દાખલ કરવામાં આવી હતી. આ પદ્ધતિ દ્વારા મેયરને લોકો પ્રત્યક્ષ રીતે ચુંટે છે, જેમ અમેરિકામાં લોકો પ્રમુખને ચૂંટે તેમ. મેયરની નીચે અલગ અલગ વિસ્તારોમાં કાઉન્સિલરની ચૂંટણી પણ થાય છે. યુકેમાં કુલ વસ્તી ૬.૬ કરોડ જેટલી છે અને તેથી દરેક મતક્ષેત્રમાં બહુ વધારે મત હોતા નથી. એટલે થોડા થોડા મતોના અંતરથી હારજીત નક્કી થાય છે. મોટા ભાગે ચુંટણીઓ શાંત રહે છે અને ક્યાંય હિંસાના બનાવો બનતા નથી કે ચુંટણીમાં ધાંધલ થયાના પ્રસંગો પણ બનતા નથી.
તાજેતરમાં યોજાયેલી આખી ચૂંટણીમા અલગ-અલગ પ્રકારના સમિકરણો સામે આવ્યા છે. એકંદરે જોઈએ તો સતાપરમાં રહેલ કન્ઝર્વેટિવ પાર્ટીની કાઉન્સિલરની બેઠકોમાં વધારો થયો છે અને તેમને એકંદરે ફાયદો થયો છે. આ ફાયદો લેબર પાર્ટીના ભોગે થયો છે તે સાફ જણાઈ આવે છે. લેબર પાર્ટીની પરંપરાગત માનતી બેઠકો પર પણ ક્યાંક ક્યાંક કન્ઝર્વેટિવ આવી ગઈ છે પરંતુ તેની સામે મેયરની પ્રત્યક્ષ ચૂંટણીઓમાં બે કન્ઝર્વેટિવ મેયરની સીટ લેબરને મળી ગઈ જે ખુબ મહત્ત્વનું છે. યુકેના ચાર પ્રદેશો પૈકીનો એક વેલ્સ છે જ્યાં લેબરની સરકાર ફરીથી બની છે. કુલ ૬૦માંથી ૩૦ બેઠકો લેબરને ફરીથી મળી છે. સ્કોટલેન્ડમાં એસ.એન.પી.ને ઐતિહાસિક ચોથી ટર્મ માટે સત્તા મળી છે. જો કે કુલ બહુમતી કરતા તેને એક બેઠક ઓછી મળી છે.
આ ઉપરાંત, રેફરેન્ડમ એટલે કે જનમત એક મુદ્દા પર થતું મતદાન છે. તેમાં કોણ મત આપી શકે તેના પર દરેક લોકમતના જુદા જુદા નિયમો હોય છે. બ્રેક્ઝિટ અને સ્કોટલેન્ડ ફ્રીડમ માટે રેફરેન્ડમ થયેલા.