કેન્યામાં એથ્લેટિક્સનું ઘણું મહત્ત્વ છે. અહીં સારા સારા દોડવીરો તૈયાર થાય છે જેઓ વિશ્વસ્તરે પોતાનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. બે મહિના પહેલા એલ્યુડ કિપચોગેએ જર્મનીના બર્લિન ખાતે પોતાનો જ મેરેથોન વર્લ્ડ રેકોર્ટ તોડીને ૨:૦૧:૦૯ના સમયનો નવો વિક્રમ સ્થાપ્યો. આ પહેલા તેણે સપ્ટેમ્બર ૨૦૧૮માં બર્લિંગ મેરેથોન ૨:૦૧:૩૯માં પુરી કરીને જૂનો વિશ્વવિક્રમ ૧ મિનિટ અને ૧૮ સેકંડથી તોડેલો. તે વખત સુધીમાં કિપચોગે ચાર વખત લંડન મેરેથોન પણ જીતી ચુકેલો. ૨૦૧૬ અને ૨૦૨૦ના ઓલમ્પિકમાં પણ તે મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલ છે. અત્યાર સુધીમાં વિશ્વની પાંચ સૌથી ઝડપી મેરેથોનના રેકોર્ડમાં ચાર કિપચોગેએ દોડી છે.

૩૮ વર્ષીય કિપચોગેનો જન્મ ૫મી નવેમ્બર ૧૯૮૪ના રોજ થયેલો. પાંચ ફૂટ છ ઇંચની ઊંચાઈ ધરાવતો આ રમતવીર ૫૨ કિલોનું વજન ધરાવે છે. અગાઉ ૫૦૦૦ મીટરની રેસમાં ખુબ સાર પ્રદર્શન કરી રહેલ કિપચોગેએ ૨૦૦૩માં ૫૦૦૦ મીટરની વિશ્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતેલું. ૫૦૦૦ મીટરની ઓલમ્પિક રેસમાં વર્ષ ૨૦૦૪માં એથેન્સમાં બ્રોન્ઝ, ૨૦૦૮માં બીજિંગમાં સિલ્વર જીતેલા. વર્ષ ૨૦૧૩થી કિપચોગેએ ૫૦૦૦ મીટર જેવા ટ્રેક રનિંગને બદલે મેરેથોન જેવી રોડ રનિંગ એથ્લેટિકમાં જંપલાવ્યું. ત્યારબાદ તેણે ૫૦૦૦ને બદલે ઓલમ્પિકમાં મેરેથોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરુ કર્યું અને ૨૦૧૬માં રિયો ડી જાનેરોમાં ગોલ્ડ અને ૨૦૨૦માં ટોક્યો ઓલમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા.

કિપચોગેની માતા શિક્ષિકા છે અને તેણીએ એકલા હાથે ચાર બાળકોને ઉછેર્યા છે જે પૈકી ઇલ્યુડ સૌથી નાનો છે. તે પોતાના પિતાને માત્ર ફોટોથી જ ઓળખે છે. તે બાળપણમાં રોજ બે માઈલનું અંતર દોડીને શાળાએ જતો. વર્ષ ૨૦૦૧માં સોળ વર્ષની વયે તે કોચ પેટ્રિક સંગને મળ્યો ત્યાર પછીથી તેની ઝીંદગી બદલાઈ ગઈ. પેટ્રિક સંગ પોતે પણ ઓલમ્પિકમાં વિઘ્નદોડ એટલે કે સ્ટિપલચેટ્સમાં મેડલ જીતી ચુક્યા છે. અત્યારે કિપચોગે કેન્યામાં જ એડોરેટ નામના શહેરની પાસે રહે છે અને ત્યાં ટ્રેઇનિંગ કરે છે. કિપચોગેને યુનાઇટેડ નેશન્સ દ્વારા કેન્યા પર્સન ઓફ ધ યરનો પુરસ્કાર ૨૦૧૮માં, બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી વર્લ્ડ સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર ૨૦૧૯માં, બેસ્ટ મેલ એથ્લીટ ઓફ ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં અને વર્લ્ડ એથ્લેટીક્સ એવોર્ડ ૨૦૧૮ અને ૨૦૧૯માં મળી ચુક્યા છે. આ ઉપરાંત કેટલાય રમતગમત ક્ષેત્રના એવોર્ડ જીતીને કિપચોગે વિશ્વનો અત્યારનો જ નહિ પરંતુ સર્વકાલીન સૌથી વધારે સફળ અને ઝડપી મેરેથોન રનર મનાય છે.

કોને ખબર હતી કે ઓસ્ટ્રિયાના વિએનામાં ૧૨મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે કૈંક એવું થવાનું હતું કે તે દિવસ વિશ્વભરમાં માનવજાત માટે પ્રેરણાદાયક દિવસ બનવાનો હતો. આ દિવસે કેન્યાના એલ્યુડ કિપચોગેએ ૧:૫૯ કલાકમાં મેરેથોન પુરી કરીને માનવજાત સમક્ષ રહેલી ૨ કલાકની માનસિક મર્યાદાને તોડીને સમગ્ર માનવજાતને પ્રયત્ન કરીએ તો કઈ જ અશક્ય નથી તે વાતનો અહેસાસ કરાવી દીધો. એણેઓસ ૧:૫૯ ચેલેન્જ અંતર્ગત કિપચોગેની ક્ષમતાને ધ્યાનમાં લઈને આ દોડનું આયોજન કરાયું હતું. તે ઓપન કોમ્પિટિશન નહોતું. તે કોઈ રેસ પણ નહોતી. તે માત્ર માનવજાતની ક્ષમતા ચકાસવાનો પ્રયોગ હતો જેમાં કિપચોગેએ એક મેરેથોન જેટલું અંતર બે કલાકથી ઓછા સમયમાં દોડીને પૂરું કર્યું હતું. આ સ્પર્ધા ન હોવાથી અને દોડ દરમિયાન તેને પાણી વગેરેની વ્યવસ્થા બીજા લોકો દ્વારા અપાઈ રહી હોવાથી આ દોડને વિશ્વ રેકોર્ડમાં તો સ્થાન નથી અપાતું પરંતુ તેનું માનવ ઇતિહાસમાં મહત્ત્વ ખુબ વધારે છે.

કિપચોગે કેન્યામાં તો હીરો છે જ પરંતુ વિશ્વભરમાં એથ્લેટિક્સમાં તે એક ઉદાહરણ બની ગયેલ વ્યક્તિ છે. તેનાથી ન માત્ર કેન્યન અને આફ્રિકન લોકો પ્રભાવિત થાય છે પરંતુ વિશ્વના બધા જ રમતવીરો અને યુવાનો માટે તે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. કેન્યાની ધરતીએ કેટલાય એથ્લીટ અને દોડવીર આપ્યા છે અને તે પૈકી સૌથી મોટું અને સફળ નામ છે ઇલ્યુડ કિપચોગેનું જે આજે જ નહિ પરંતુ આવનારા કેટલાય દાયકાઓ સુધી આપણને સૌને યાદ તો રહેશે જ પરંતુ પ્રેરણાદાયી પણ બની રહેશે.