તમે નોંધ લીધી હશે કે ક્યારેક આપણી આસપાસ કોઈ સોગિયું મોઢું લઈને આવે તો આપણું મન પણ કાચવાય છે. પરંતુ જો કોઈ આનંદિત સ્મિત લઈને આપણી પાસે ઉભું હોય તો આપોઆપ જ આપણો મૂડ પણ સારો બને છે. હસે તે સૌને ગમે. તે પોતે તો આનંદમાં રહે પરંતુ બીજાને પણ આનંદ આપે. લાગણી – ઈમોશન્સ આસપાસના લોકોમાં ચેપની જેમ ફેલાય છે. તે સૌને અસર કરે છે. કોઈને દુઃખી જોઈને આનંદમાં હોય તે વ્યક્તિ પણ હતાશા અનુભવે છે. કોઈને નાચતા જોઈને આપણું મન પણ થનગની ઉઠે છે.

સામાન્ય રીતે જૂથના નેતા, સમાજના વડા સૌને માટે એક વલણ નક્કી કરતા હોય છે. જે જૂથનો નેતા અહંકારી હોય, ગુસ્સા વાળો હોય તેના સભ્યો પણ તેવું જ વલણ અપનાવે છે. જે દેશના નેતા શાંત સ્વભાવના હોય તેના લોકોને પણ તેવી જ પ્રેરણા મળે છે. ઓફિસમાં બોસનો મૂડ ખરાબ હોય તો તેનાથી સૌને અસર પડે છે. જો બોસ ખુશ તો સૌ શાંત રહી શકે, નહીંતર કોને ક્યારે તેમના ગુસ્સાનો શિકાર બનવું પડે તે કહેવાય નહિ. સ્વસ્થ અને શાંત સ્વભાવ વાળી વ્યક્તિ આખા જૂથને તે દિશામાં દોરી શકે. પરંતુ વિચલિત મન ધરાવનાર લોકો બીજાને પણ તેવી જ અસર કરે છે. એક વ્યક્તિ ભયભીત હોય તો બીજા નીડર લોકોના મનમાં પણ ડર ઘુસાવી શકે છે.

આવી રીતે કોઈના ભાવનાત્મક ચેપથી બીજા લોકોને પણ અસર થાય ત્યારે જૂથ ખોટા નિર્ણય કરી શકે. ક્યારેક ખોટા માર્ગે ચાલી શકે. જેમ કે ટોળામાં કોઈ એક વ્યક્તિ ઉત્તેજક ભાષણ આપે અને પથ્થરમારો શરુ કરે તો બીજા લોકો પણ કારણ જાણ્યા વિના તેમાં જોડાય જાય છે. તેને કારણે કોઈને જાનમાલનું નુકશાન પહોંચતું હોય છે. કોઈની આવી ભાવનાત્મક પ્રેરણામાં આવીને આપણે અને બીજા લોકો પણ કઈ ખોટું ન કરી બેસે, નાહકના અસરગ્રસ્ત ન થાય તે જોવું આવશ્યક છે. અને તેના માટે ઉપાયો પણ છે. જો તાર્કિક રીતે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ અને ભાવનાત્મક પરિસ્થિતિ વચ્ચે ભેદ કરી શકાય. કોઈના મૂડ કે સ્વભાવના આધારે ચાલવાને બદલે તાર્કિક રીતે પરિસ્થિતિને કેવી રીતે સાંભળવી હિતાવહ છે તે અંગે વિચાર કરી શકાય. બે ક્ષણ માટે લાગણીને બાજુ પર મૂકીને જો પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે તો આપણે આ રીતે કોઈના ઇમોશનના ચેપથી બચી શકીએ છીએ. માત્ર આપણે જ નહિ, પરંતુ બીજા લોકો પણ આ રીતે ખોટા નિર્ણય લેતા બચી જાય છે. ખોટા નિર્ણયને અનુસરતા બચી જાય છે. જૂથ પથ્થરમારો શરુ કરે તે પહેલા જ જો કોઈ શાણો માણસ એ પ્રશ્ન પૂછે કે શા માટે પથ્થર મારો કરવાની જરૂર છે અને તેનું પરિણામ શું આવશે? તો બીજા લોકો પણ હાથમાં ઉઠાવેલો પથ્થર પાછો મૂકી દે.

કેટલાક લોકો તો સ્વભાવથી જ ઉદાસ હોય છે. તેમને દરેક સ્થિતિમાં કઇંકને કઈંક ખામી દેખાય છે. કોઈ તકલીફ દેખાય છે. હંમેશા પોતાને, પોતાના નસીબને, પરિસ્થિતિને અને બીજા લોકોને વખોડ્યા કરે છે. આવા લોકોની માનસિક સ્થિતિ બદલવી શક્ય નથી. તેઓના લાંબા સહવાસથી આપણે પણ નકારાત્મક વિચારતા શીખીએ છીએ. તેમનાથી પોતાની જાતને ઇન્સ્યુલેટ કરવી આવશ્યક છે. તેની સામે જે લોકો હંમેશા જ ખુશ રહેતા હોય, કોઈ તકલીફમાં પણ ‘બધું સારું થઇ જશે’ તેવો અભિગમ રાખતા હોય તેમનો સંપર્ક આપણને પણ સકારાત્મક બનાવે છે.

આપણું માનસ પોતાની સામે રહેલી પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા સક્ષમ છે પરંતુ તેના માટે તેને થોડો સમય આપવો પડે. તેને ભાવનાત્મક આવેગથી બચાવીને તાર્કિક માર્ગે ચાલવા પ્રેરણા આપવી પડે છે. માટે, એવા લોકો સાથે રહેવું આવશ્યક છે જેઓ પોતાનો ખરાબ મૂડ આપણા પર ન થોપે અને આપણને પણ તેમની જેમ ઉદાસ ન બનાવે. કોઈનું દુઃખ સમજવું અને તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરવી સારી વાત છે. પરંતુ તેનું દુઃખ આપણા મનમાં લાવવું જરૂરી નથી. આપણે પણ દુઃખી થઇ જઈશું તો આપણું કામ કોણ કરશે? કોઈની સાથે સહાનુભૂતિ કરવામાં અને કોઈના લાગણીવેળાથી ચેપાઈ જવામાં ઘણો ફરક છે તે તાર્કિક રીતે વિચારનાર માણસ સમજી શકે છે. માટે આપણે કે તો એવા લોકોથી થોડીવાર માટે છેટા થઇ જવું જોઈએ કે જેઓ ઉદાસીનતા ફેલાવતા હોય અથવા તો સ્થિતિને તાર્કિક રીતે મૂલવતાં શીખવી જોઈએ.