આજે ૨૦૧૯નો છેલ્લો રવિવાર. વીતેલા વર્ષનો હિસાબ કરવા માટે થોડી મોકળાશ આજે કરી લેવી જોઈએ. દિવસ ઉગીને આથમી જાય, આપણે સવારે ઉઠીને રાત્રે ઊંઘી જઈએ અને જિંદગી વીતતી જાય તેવો ક્રમ ચાલ્યા કરે. પરંતુ જીવનને સર્વાંગી બનાવવા જે ચાર સ્તંભોની વાત આપણે કરી છે: ૧. આરોગ્ય, ૨. કારકિર્દી, ૩. પરિવાર-સમાજ તથા ૪. આધ્યાત્મ-મનોરંજન. તેમને વધારે મજબૂત બનાવવા આ વર્ષ દરમિયાન કેટલા પ્રયત્નો કર્યા? કેટલા સાચી દિશામાં થયા?, ક્યાં ભૂલ થઇ? કેટલી કચાસ રહી ગઈ? અને હવે આવતા વર્ષે શું કરવાનું છે જેથી જીવનના ચારેય સ્તંભોની સમાન વિકાસ થાય? – આ બધી બાબતોનું સરવૈયું તૈયાર કરવાનો આજે છેલ્લો દિવસ છે.
વળી વર્ષ ૨૦૨૦થી જ નવો દશકો શરુ થાય તેવું મનાય છે. ૨૦૦૦ના વર્ષમાં જ મિલેનિયમ આવી ગયું હતું. એટલે કે ૨૦૦૧થી નવી સદી શરુ થાય તેવી આપણી સામાન્ય ધારણાને પશ્ચિમી જગતે બદલી નાખી. તેમના મતે ૨૦૦૦ની જાન્યુઆરીથી જ નવી સદીની શરૂઆત. તેવી જ રીતે ૨૦૨૦ની જાન્યુઆરીથી જ નવા દશકની શરૂઆત ઘણા લોકો માને છે. તેનું કારણ છે કે -ટીન (સેવન્ટિન, એઈટીન, નાઇન્ટીન)નો દશક પૂરો થયો અને હવે ટવેન્ટી આવી ગયું.
તો આ નવા શરુ થતા દશકની શરૂઆતમાં તો ખરેખર આપણે માત્ર એક વર્ષ પૂરતું જ નહિ, પુરા દશકનું આયોજન બનાવવું જોઈએ. આવનારા વર્ષ અને આવનારા દશક માટે શું નવા ગોલ સેટ કરવાના છે, શું નવી ઉપલબ્ધીઓ હાંસલ કરવી છે, કેટલા નવા પ્રોજેક્ટ શરુ કરવા છે અને કેવી રીતે ૧. આરોગ્ય, ૨. કારકિર્દી-ફાઇનાન્સ, ૩. પરિવાર-સમાજ તથા ૪. આધ્યાત્મ-મનોરંજન ક્ષેત્રે સમતુલા જાળવીને જીવનને સર્વાંગી બનાવવું છે તેના અંગે આયોજન કરી શકાય.
જે લોકોએ શરૂઆતના લેખ ન વાંચ્યા હોય અને આ ચારેય સ્તંભો વિષે માહિતી ન હોય તેમના માટે અને નિયમિત વાંચકોના પુનરાવર્ત માટે ફરીથી વાત કરી લઈએ. જીવનને સંપૂર્ણ બનાવવા માટે સૌથી મહત્વની જરૂરિયાત છે તંદુરસ્તી – આરોગ્ય. શારીરિક અને માનસિક બંને આરોગ્ય સારા હોય તો જ આપણે જીવનનો આનંદ લઇ શકીએ અને તેને સાર્થક કરી શકીએ. અભ્યાસ પૂરો કરીને પગભર થઈએ ત્યારે સારી કારકિર્દી બનાવવી જરૂરી છે. તેના વિના પોતાને અને પરિવારને માટે જરૂરી સવલતો અને સમ્માન પ્રાપ્ત કેવી રીતે કરી શકીએ? પોતાના પરિવારનું ધ્યાન ન રાખીએ, તેને પૂરતો સમય ન આપીએ, તેની જરૂરિયાત પુરી ન કરીએ ત્યાં સુધી આપણે સંતોષ અને આનંદથી વંચિત રહીએ છીએ. પ્રેમાળ પરિવાર વિના ધનોર્પાર્જન મિથ્યા છે. પરિવાર ઉપરાંત સમાજ પણ આપણને જીવન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. અને ક્યારેક આપણે આ બધી સ્થૂળ વાતોમાં સૌથી મહત્વનું પાસું – માનસ – ભૂલી જઈએ છીએ. સોના ચાંદીના પ્યાલામાં દૂધપાક પીવડાવતી અપ્સરા પણ સાથે હોય ને તોય જો માનસિક રીતે શાંતિ ન હોય, મનમાં આનંદ ન હોય, તો બધું જ નકામું. એટલે માનસિક શાંતિ, વિકાસ અને સંતોષ તરફ ધ્યાન આપવું પણ આવશ્યક છે. તેના માટે મનોરંજન મેળવવું, જ્ઞાન મેળવવું અને અધ્યાત્મ (ધર્મ કોઈ પણ હોય)ને સમજવા જરૂરી છે.
આ ચારેય સ્તંભ પૈકી એકેય નબળો હોય તો ઇમારત જ ડગમગી જાય અને જેથી કરીને બીજા ત્રણેય સ્તંભોને પણ ડગમગાવી દે. એટલા માટે જરૂરી છે કે માત્ર પૈસા કમાવાને જ સફળતા ન માની લઈએ અને બીજા સ્તંભો પર પણ ધ્યાન આપીએ. આવનારા વર્ષ અને દશકાનું આયોજન એવી રીતે કરીએ, પોતાની પ્રવૃત્તિઓને એવી રીતે આચરીએ કે ચારેય સ્તંભો મજબૂત બને. ક્યાંક એવું ન થાય કે કરોડપતિ તો બની જઈએ પરંતુ તબિયતનું ધ્યાન ન રાખવાથી બીમારી લાગુ પડી જાય, કે પછી કામમાં એટલા રચ્યા પચ્યા રહીએ કે પરિવારનું ધ્યાન જ ન રહે, અથવા તો મનોરંજન માટે કઈ જ ન કરીએ, પોતાના આધ્યાત્મિક વિકાસ માટે બેદરકાર રહી જઈએ.
તો પછી આ રવિવારે થોડો સમય કાઢીને ૨૦૧૯નું સરવૈયું પણ તૈયાર થઇ જાય તથા આવનારા વર્ષ માટે ગોલ સેટિંગ પણ થઇ જાય તો ખુબ સારું. સાથે સાથે જો આવતા દશક માટેની મહેચ્છાઓ પણ નોંધાઈ જાય અને મનમાં અંકિત થઇ જાય તો તો અતિ ઉત્તમ. અને યાદ રાખવું કે ‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન.’ માટે જે કઈ પણ આયોજન કરો, જે કઈ ગોલ સેટ કરો, તે ઊંચા રાખવા. તેના માટે જે મહેનત કરવી પડે તે જોયું જશે. બાયો ચડાવી લઈશું અને સવારે વહેલા ઉઠીને લાગી પડીશું. શક્ય છે સમય પહેલા જ ટાર્ગેટને પહોંચી વળીએ. આ સાથે સૌ વાંચકોને આવનારું વર્ષ ખુબ સફળતા, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી શુભેચ્છા સાથે હેપી ન્યુ યર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *