યુરેકા મોમેન્ટ એટલે એવી ક્ષણ જયારે વર્ષોથી જે કોયડાનો ઉકેલ શોધતા હોઈએ તે તરત મગજમાં એક ઝબકારાની જેમ મળી જાય. કોઈ લાંબી ગુન્ચની ગાંઠ ખુલી જાય અને બધા જટિલ પ્રશ્નોના ઉત્તર મળી જાય. આવી યુરેકા મોમેન્ટનું વૈજ્ઞાનિક શોધખોળમાં ઘણું મહત્ત્વ છે. કેટલીય અગત્યની ઘટનાઓ સાથે આવા ઝબકારા જેવા પ્રસંગો જોડાયેલા છે.
આવો એક રસપ્રદ પ્રસંગ છે ગ્રીક ગણિતશાસ્ત્રી આર્કીમીડીઝનો. તેમને કિંગ હેરીઓ દ્વિતીય દ્વારા એક કામ આપવામાં આવ્યું. રાજાએ સોનુ આપીને કોઈ સુવર્ણકાર પાસે રાજમુગટ બનાવડાવેલો. જયારે તાજ તૈયાર થઇ ગયો ત્યારે અચાનક રાજાના મગજમાં એક વિચાર આવ્યો કે ક્યાંક સોનીએ પોતે આપેલું સોનુ કાઢીને તેની બદલે ચાંદી તો નથી ઉમેરી દીધું ને? હવે આ વાતની પૂરતી કેવી રીતે કરવી? અને તે પણ મુગટને તોડ્યા વિના? રાજાએ આ કામ આર્કીમીડીઝને સોંપ્યું.
આ કોયડો ઉકેલવાના વિચારોમાં આર્કીમીડીઝ ગૂંચવાયેલા હતા અને ઘણા સમય સુધી કોઈ ઉપાય ન સુજ્યો ત્યારે તેઓ પાણીના કુંડમાં નાહવા ઉતાર્યા. તેમના પાણીમાં ઉતારવાથી છલોછલ ભરેલા કુંડનું કેટલુંક પાણી બહાર વહ્યું. આ જોતા જ આર્કીમીડીઝના મનમાં ઉપાય સૂઝી ગયો. તેમની યુરેકા મોમેન્ટ આવી ગઈ. તેમને સમજાઈ ગયું કે મુગટને પાણીમાં મુકવાથી જેટલું પાણી સ્થળાંતરિત થાય તેટલા પાણી જેટલા કદનું ચાંદી અને સોનુ બંને અલગ અલગ વજન ધરાવતા હોય જો સોનામાં ચાંદી મિશ્રિત કર્યું હશે તો પકડાઈ જશે. આ રીતે તેમણે દળ અને કદનો સંબંધ શોધી કાઢ્યો તેવું કહેવાય છે. કોઈ કોઈ દંતકથામાં તો એવું પણ કહેવાય છે કે આર્કીમીડીઝને આ ખ્યાલ આવતા જ તેઓ યુરેકા યુરેકા બોલતા આખા શહેરમાં નગ્ન અવસ્થામાં દોડેલા.
આવી યુરેકા મોમેન્ટ કેટલીયવાર આપણે જે કોયડાનો ઉકેલ ઘણા સમયથી શોધવા મથતા હોઈએ તેનો હલ લાવી આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આર્કીમીડીઝને બદલે બીજા કોઈ પાણીમાં ઉતર્યા હોત તો શું આ કોયડો ઉકેલાયો હોત?
તેવી જ રીતે ન્યુટનના મિત્ર અને તેમની પ્રથમ જીવકથા લખનાર વિલિયમ સ્ટોકલી લખે છે તેમ સર આઇઝેક ન્યુટનને એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે ઉપરથી સફરજન તેમના માથા પર પડતા ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો ખ્યાલ આવેલો. તેમના માટે પણ આ યુરેકા મોમેન્ટ જ હતી. પરંતુ ફરીથી પ્રશ્ન એ જ છે કે કેટલાય લોકોને માથે સફરજન પડ્યું હશે અને આ પહેલા પણ ન્યુટને સફરજનને પડતા જ જોયું જ હશે. તો પછી માત્ર તેમણે અને તે વખતે જ કેમ યુરેકા મોમેન્ટનો ભેંટો થઇ આવ્યો?
આ બાબતનું વિશ્લેષણ કેટલાય લોકોએ કર્યું છે અને તેમાં મનોવૈજ્ઞાનિકો તેમજ વૈજ્ઞાનિકો શામેલ છે. કેટલાય લોકોનું કહેવું એવું છે અને તે વ્યાજબી પણ જણાય છે કે એ યુરેકા મોમેન્ટની ક્ષણ ઈન્વેનશન માટે એક મહત્ત્વની કડી જરૂર બની રહે છે પરંતુ વાસ્તવમાં શંશોધન અને નવપ્રયોગની પ્રક્રિયા કઈ એ એક જ ક્ષણથી શરુ થઈને પુરી થઇ જતી નથી. તેના માટે પહેલા કેટલાય પ્રયત્નો પાયારૂપ બન્યા હોય છે અને આ એક વિશ્વનો ઝબકારો થયા બાદ તેના પર અનેક પ્રયોગો અને અભ્યાસ થયા પછી જ એ વિચાર કે સંકલ્પનાનું પ્રતિપાદન થાય છે. એટલા માટે વૈજ્ઞાનિક સંશોધનના પાયારૂપ અભ્યાસ અને પ્રયોગો દ્વારા થયેલ મહેનતનું યોગદાન સંપૂર્ણ ખોજમાં અતિશય મહત્ત્વ ધરાવે છે.
જેમ દરેક ક્ષેત્રમાં બનતું હોય છે તેવી જ રીતે વિજ્ઞાનમાં પણ આપણને વાર્તા દ્વારા અને રસપ્રદ લાગે તે રીતે વાત રજુ કરવી ગમે છે અને લોકોને સાંભળવી તેમજ સમજવી પણ સરળ રહે છે એટલા માટે આવી કોઈ યુરેકા મોમેન્ટ જો કોઈ સંશોધન સાથે સંકળાઈ જાય તો લોકોની જીભે આ વાત સરળતાથી બેસી જાય તેવું થતું હોય છે. આવા પ્રયોગો અને પરિણામો માત્ર વૈજ્ઞાનિક શોધખોળમાં જ નહિ પરંતુ સામાજિક અને રાજકીય બાબતમાં પણ ઉપયોગમાં આવતા હોય છે. એવી પરિવર્તનકારી ઘટનાઓ લોકોને સરળતાથી યાદ રહી જાય છે.
ટૂંકમાં, જીવનમાં અને વિજ્ઞાનમાં વિચારોના ઝબકારા દ્વારા ઉકેલ અને ઉપાય મળે તેવું બનતું હોય છે પરંતુ તેની સાથે સાથે જે પાયારૂપ મહેનત અને પુરુષાર્થ રહેલો હોય છે તેનું મહત્ત્વ સાચી સફળતાથી અળગું કરી શકાય તેમ નથી.