બધાના જીવનમાં કોઈને કોઈ ક્ષણ એવી હોય છે કે જેમાં તેમણે જાણે ભવિષ્ય જોઈ લીધું હોય તેવા આનંદનો અતિરેક અનુભવ્યો હોય. એક એવી ક્ષણે જયારે આપણા મોંમાંથી નીકળ્યું હોય ‘WOW’. આવી WOW EFFECT જયારે પણ થઇ હોય તેવી ક્ષણોને યાદ કરવાનો પ્રયત્ન કરી જુઓ. ભાગ્યે જ તેનાથી વધારે સંતોષકારક, આનંદદાયક ઉમળકો મનમાં બીજે ક્યારેય આવ્યો હશે. આવી આહ્કારાની, હાશ! વાળી ઘડીઓને ક્યારેય ભૂલવી ન જોઈએ. આ આપણા જીવનને હંમેશા આનંદમય અને સફળ બનાવવા માટે જે પ્રકાશની, ઉજાશની જરૂર છે તેનો જ એક ઝબકારો છે.

ક્યારેક આ બાબતને યુરેકા મોમેન્ટ સાથે સરખાવી શકાય. ઈ.સ. ૧૯૨૨માં એક વ્યાખ્યાન દરમિયાન આઈન્સ્ટાઈનને પોતાને થયેલા આવા ચમકારા વિષે વાત કરેલી, પોતાની યુરેકા મોમેન્ટ અંગે ખુલાશો કરેલો. માણસ જો હવામાં પડતો હોય તો તેને પોતાનું વજન ન લાગે, તેવા વિચારથી જ આઇન્સ્ટાઇને સાપેક્ષ ગુરુત્વાકર્ષણની વાત સમજાવી. આ વિચારનો એક ચમકારો જ તેને આધુનિક વિજ્ઞાનની એક મહત્ત્વપૂર્ણ થીઅરી સાબિત કરવા સુધી લઇ ગયો. તેમની પહેલા ન્યુટને પણ ઝાડ પરથી પડતા સફરજનને જોઈને જ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપેલો ને?

એક વાત સ્પષ્ટ છે કે ક્યારેય આવા ઝબકારા લાંબા હોતા નથી. એકાદ ક્ષણમાં ઓલવાઈ જતા ધૂમકેતુની જેમ મનમાં આવેલા આવા વિચારોમાં જ, તેના ચમકારામાં જ ઘણીવાર સફળતાની ચાવી છુપાયેલી હોય છે જે આપણા હાથ લાગી જાય તો લાગી જાય. એટલે પોતાના મનમાં આવતા ખ્યાલોને એકદમ અવગણવા કરતા તેમના અંગે થોડો વિચાર કરવો અને જો ક્ષમતા જણાય તો તેમાં વધારે ઊંડા ઉતરીને કઈંક આગળ વધવાની કોશિશ કરી શકાય.

એક ક્ષણમાં લીધેલા નિર્ણયથી ઘણીવાર સાચી દિશા મળી જતી હોય છે. હા, જે નિર્ણય લઈએ તેને તર્કની એરણ પર જરૂર ચકાસવો જોઈએ પરંતુ મુશ્કેલીઓ કે ચુનૌતીઓને કારણે તેને છોડવો ન જોઈએ. દમદાર આઈડિયા મહેનત અને સમર્પણ માંગી લેતા હોય છે. કે. આસિફે મુઘલે આઝમ ફિલ્મ બનાવી તેમાં તેને કેટલી મહેનત કરવી પડેલી? બાર વર્ષે આ ફિલ્મ પુરી થઇ અને તેમાં અનેક આર્થિક તકલીફો પણ આસિફ કરીમે ઉઠાવી.

આ ચમકારાની ક્ષણ, વાવ ઈફેક્ટ વાળી ક્ષણ એવી હોય છે કે જેમાં આપણાં મનમાં રહેલા ડરની સામે હિમ્મત જીતી જાય છે અને સફળતા મળશે કે નહિ તેનો ભય છોડીને એક દિશામાં ચાલવાની શરુઆત થાય છે. આ હિમ્મત અને જુસ્સો જેટલો લાંબો જળવાઈ રહે તેટલી સફળતાની સંભાવના વધી જાય છે. ક્યારેક આવા પ્રોત્સાહન કે પ્રેરણાને કારણે આપણે કોઈ દિશામાં આગળ તો વધી જઈએ છીએ પરંતુ ત્યારબાદ આવતી ચેલેન્જથી ડરીને રોકાઈ જઈએ છીએ. આવું ખાસ કરીને ત્યારે થાય છે જયારે આપણી પાસે પામવા કરતા ગુમાવવા જેવું વધારે હોય. ખાસ કરીને જયારે આપણા મનમાં નિષ્ફળતાનો ડર વધારે હોય. પરંતુ તે ડરની સામે વિજય મેળવીને જો શરૂઆત કરી દઈએ અને તે વિચારને વળગી રહીએ તો આપણને જરૂર એ ચમકારામાંથી સૂર્યના પ્રકાશ જેટલું અજવાળું મળી શકે. માત્ર એક ક્ષણ જ નહિ આખું જીવન પ્રજ્વલિત થઇ શકે.

જેમ ખજાનો શોધવા જંગલોમાંથી પસાર થઈને અંધારી ગુફામાં પ્રવેશ્યા બાદ કઈંજ દેખાતું ન હોય અને ત્યારે જો એક ક્ષણભર માટે ચમકારો થઇ જાય અને તેનાથી ગુફાના એક ખૂણામાં પડેલ હીરા, ઝવેરાત અને સોનાનો ખજાનો ઝળહળી ઉઠે અને આખો ખજાનો હાથ લાગી જાય તેવી જ રીતે આપણા જીવનમાં પણ જયારે આનંદ, સિદ્ધિ અને સફળતાની ખોજમાં આકરી મહેનત કરી હોય, દુઃખો વેઠ્યા હોય અને સતત પ્રયત્નો કર્યા હોય તેમ છતાં પણ આનંદ કે સફળતા પ્રાપ્ત થતી ન હોય ત્યારે એક ઝબકારો જ કામ લાગી શકે. આ ઝબકારો કેટલીય વાર થઇ ચુક્યો હોય છે પણ આપણે તેની નોંધ લીધી હોતી નથી. તેને યાદ કરવાથી, એકવાર બેસીને તેના અંગે વિચાર કરવાથી આપણે કદાચ WOW EFFECT, હાશકારાની ક્ષણને ઓળખી શકીએ અને તેના દ્વારા ઉત્તમ ખજાનો આપણને હાથ લાગી શકે. તમારા મનમાં પણ જો આવો કોઈ ચમકારો થયો હોય, કોઈ પ્રેરણાનો પ્રકાશ ચમક્યો હોય તો તેને ઈશ્વરીય માર્ગદર્શન માનીને આગળ વધવાનો પ્રયત્ન જરુર કરશો.

લાસ્ટ જમ્પ:

ક્યારેક આખું જીવન શરૂઆત કરવા માટેની સાચી ક્ષણની રાહ જોવામાં નીકળી જતું હોય છે. – પાઓલો કોએલ્હો