યુરો ૨૦૨૦માં ઇંગ્લેન્ડ એન્ડ ઇટાલી વચ્ચેના ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ પેનલ્ટી રાઉન્ડમાં ૨-૩ થી ઇટાલી સામે હારી ગયું અને યુરો કપ ઇટાલી ગયો. ‘ઇટ્સ કમિંગ હોમ’ ને બદલે ‘ઇટ્સ કમિંગ રોમ’ સાચું પડ્યું. રોમ ઇટાલીની રાજધાની છે એટલે ઈટાલીના સપોર્ટર્સે ‘ઇટ્સ કમિંગ રોમ’ના સૂત્રોચ્ચારો કરેલા. આખો મેચ ખુબ રોમાંચક રહ્યો. મેચની શરૂઆત થતા જ ઇંગ્લેન્ડે એક ગોલ મારી દીધો અને ત્યારબાદ ફર્સ્ટ હાફમાં ઈંગ્લેન્ડનું પલડું ભારે જ રહ્યું. ઇટાલી કઈ ખાસ પ્રભાવ દેખાડી શક્યું નહિ. પરંતુ બ્રેક પછી સેકન્ડ હાફમાં ઇટાલીએ ખુબ જોરદાર કમબેક કર્યું અને ત્યારબાદ ખુબ અગ્રેસિવે રીતે રમત રમી. સેકન્ડ હાફમાં ઇટાલીએ એક ગોલ માર્યો. રમત બરાબરીમાં ચાલતી રહી પરંતુ બોલનો કબઝો ઇટાલી પાસે વધારે રહ્યો. એક્સટ્રા ટાઈમ બે વખત મળ્યા પરંતુ બંને ટિમ ૧-૧ ગોલથી બરાબરી પર રહી.

મેચનો નિર્ણય કરવા પેનલ્ટી કિકનો રાઉન્ડ કરવો પડ્યો. જે લોકો ફૂટબોલ ન જોતા હોય તેમને માટે ખુલાસો કરીએ કે ૪૫-૪૫ મિનિટના બે ભાગમાં ફૂટબોલનો મેચ રમાય છે. ત્યારબાદ જો બરાબરી રહે તો બંને ટીમને ૫-૫ પેનલ્ટી કિક મળે છે. જેમ ક્રિકેટમાં ફ્રી હિટ દ્વારા ડ્રો જઈ રહેલા મેચનો નિર્ણય થાય છે તેમ પેનલ્ટી કિક દ્વારા ફૂટબોલના ડ્રો જઈ રહેલા મેચનો નિર્ણય કરવામાં આવે છે. અહીં બંને ટિમમાંથી એક એક ખેલાડી વારાફરતી આવીને ડાઇરેક્ટ ગોલ માટે કિક મારે છે. તેની અને નેટની વચ્ચે માત્ર ગોલકીપર હોય છે. એક-એક કિક બંને ટીમના ખેલાડી પેનલ્ટી કોર્નર પરથી મારે છે અને તેમનો સામેની ટીમનો ગોલ કીપર તેને રોકવાની કોશિશ કરે છે. આ પાંચ કિકના રાઉન્ડમાં ઇટાલીએ ત્રણ ગોલ માર્યા પર ઇંગ્લેન્ડ બે જ ગોલ મારી શક્યું અને એટલે ઇટાલી યુરો કપ જીતી ગયું.

આ મેચ ઇંગ્લેન્ડ માટે જાણે ઈજ્જતનો ખેલ હોય તેવો હતો. બ્રેક્ઝિટ થયા પછી યુકે યુરોપથી બહાર નીકળી ગયું છે અને એટલે કેટલાક લોકોએ સોશ્યિલ મીડિયા પર મીમ બનાવ્યા કે ‘યુરો ડઝ બ્રેક્ઝિટ’ એટલે કે ‘યુરોએ પણ બ્રેક્ઝિટ કરી લીધી!’ મેચ હારવાથી ઈંગ્લેન્ડમાં જ નહિ પરંતુ પુરા યુકેમાં જાણે નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. મેચ પછી કેટલાક એવા સમાચારો પણ સામે આવ્યા કે ઇંગ્લેન્ડના સપોર્ટર્સ ધીંગાણે ચડેલા અને ટોળાવૃત્તિ તેમના પર હાવી બનેલી. કેટલાક તોડફોડ અને મારપીટના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

ફૂટબોલ ફાઇનલ પહેલા રવિવારે બપોરે વિમ્બલડન મેન ટેનિસ ફાઇનલ મેચ પણ હતી જેમાં નોવાક જોકોવિકે માટીઓ બેરેટોનીને હરાવીને ૨૦મુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને રોજર ફેડરર અને રાફેલ નાદાલના જેવવા દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરેલી. જોકોવિક સર્બિયાનો ખેલાડી છે. વિમ્બલડન પણ લંડનમાં જ રમાય છે એટલે બપોરે કેટલાય દર્શકો ટેનિસ મેચનો આનંદ લઇને સાંજે યુરો કપના ફાઇનલનો આનંદ માણી રહ્યા હતા. રાજપરિવારના પ્રિન્સ અને ડચેસ પણ વેમ્બ્લીમાં અને વિમ્બલડનના મેચ જોવા ગયેલા. ટોમ ક્રુઝ પણ વેમ્બલી અને વિમ્બલડન બંને સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલો. કુલ મળીને ગયો રવિવાર યુકે માટે રસપ્રદ રહ્યો.

આ ઉપરાંત સપ્તાહ દરમિયાન સરકારે લોકડાઉનના પ્રતિબંધો ૧૯મી જુલાઈથી સંપૂર્ણપણે હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. હવેથી થીએટર, રેસ્ટોરન્ટ કે કોઈ કાર્યક્રમો પર સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ કે માસ્કના નિયમો પણ નહિ લાગે. જે લોકો પોઝિટિવ આવે તેમને ઘરમાં ક્વોરેન્ટાઇન કરવું પડશે અને બીજા લોકોએ પોતે ટેસ્ટ કરીને મોનીટરીંગ કરવાનું રહેશે. પરંતુ કોઈ પ્રકારના પ્રતિબંધો હવે ઇંગ્લેન્ડ કે વેલ્સમાં અમલી રહેશે નહિ. સ્કોટલેન્ડ પોતાના નિયમો થોડા સમયમાં જાહેર કરશે પરંતુ તે ઓછી છૂટછાટ આપશે તેવું લાગી રહ્યું છે.

થોડા સમય બાદ યુકે વિદેશ પ્રવાસ અંગેના નિયમોની પણ સમીક્ષા કરવાનું છે. ભારત હજી રેડ લિસ્ટમાં છે તેને કદાચ અમ્બર લિસ્ટમાં લાવવાવમાં આવે છે કે નહિ તેના અંગે લોકોમાં અટકળો ચાલી રહી છે. જો કે ઉનાળો આવતા અને ધીમે ધીમે કોરોનાની રિસ્ટ્રિક્શન્સ ઓછી થતા અહીં ઘણા ભારતીય મુસાફરો દેખાઈ રહ્યા છે. જે લોકો પાસે અહીં રહેવા માટે પરમીટ હોય પરંતુ સામાન્ય રીતે ભારતમાં રહેતા હોય તેવા લોકો જેમ કે ફિલ્મ સ્ટાર્સ, મોટા ઉદ્યોગપતિઓ વગેરે ઉનાળામાં અહીં આવતા હોય છે. તેમનું આગમન હોટેલ ક્વોરેન્ટાઇન છતાં શરુ થઇ ગયું જણાય છે. અહીં પણ કોરોનાના કેસોની સંખ્યા તો વધી રહી છે પરંતુ વેક્સિનેશન ખુબ ઝડપી હોવાથી અને મોટા ભાગના લોકોને વેક્સીન મળી ગઈ હોવાને કારણે સરકાર અને પ્રજામાં ભય ઓછો છે.