આ લેખ વાંચશો ત્યાર સુધીમાં તો યુકેની ચૂંટણીનું પરિણામ આવી ગયું હશે. રાજનીતિ વિષે ચર્ચા કરવી આપણા ગજા બહારની વાત છે એટલે તેના અંગે કોઈ ટિપ્પણી નહિ! પણ અહીં ચૂંટણી કેવી રીતે થાય છે અને તેના નિયમો શું છે તે જાણવામાં સૌને જરૂર રસ પડશે.
સંસદની કુલ ૬૫૦ બેઠકો છે. તેના માટે માટે ૧૨મી ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ. અહીં મુખ્ય બે પાર્ટી છે – કન્ઝર્વેટિવ અને લેબર. કંઝર્વેટીવના વડાપ્રધાન પદના ઉમેદવાર બોરિસ જોહન્સન અને લેબરના જેરેમી કોર્બિન વચ્ચે ચૂંટણી જંગ હતો. બીજી નાની પાર્ટીઓ પણ મેદાનમાં હતી. પરિણામ આ આર્ટિકલ વાંચતા સુધીમાં તમારી સામે હોઈ શકે.
સવારે સાતથી રાત્રે દશ વાગ્યા સુધી મતદાન ચાલશે. કુલ ૪.૬ કરોડ લોકો મતદાન કરવાને લાયક છે તેમાંથી કેટલા લોકો મતદાન કરશે તે કહેવાય નહિ. અહીં યુવાન કરતા વૃદ્ધ લોકો મતદાન કરવા વધારે આવે છે. સ્થાનિક શાળાઓ અને ચર્ચમાં બેલોટ પેપરથી મતદાન થાય છે જેમાં દરેક મતદાર પોતાના પસંદ કરેલા ઉમેદવારના નામ પર ચોકડી મારીને બેલોટબોક્સમાં નાખે છે. અહીં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી નથી.
આમ તો આપણા માટે યુકે ની ચૂંટણી સમજવી સહેલી છે કેમ કે અહીં પણ ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ વોટિંગ સિસ્ટમ છે. એટલે કે સૌથી વધારે મત મેળવનાર ઉમેદવાર જીતેલો ગણાય છે અને બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે. કુલ મત કે રાષ્ટ્રીય સ્તરે કેટલા મત કઈ પાર્ટીને મળ્યા છે તેનું કોઈ મહત્વ નથી.
૩૨૬ બેઠકો મેળવવાથી અહીંની ૬૫૦ બેઠક ધરાવતી પાર્લામેન્ટમાં સામાન્ય બહુમતી મળે છે. ઉમેદવારો કોઈ પાર્ટીના સભ્ય તરીકે અથવા નિર્પક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે. ચૂંટાયેલા ઉમેદવારો પ્રધાનમંત્રીને ચૂંટે છે અને મહારાણીના હુકમથી તે પ્રધાનમંત્રી પદ ગ્રહણ કરે છે. દ્વિગૃહીય પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયેલા સભ્યો બેસે છે જયારે હાઉસ ઓફ લોર્ડ્સ માટે ચૂંટણી થતી નથી.
આશ્ચર્યની વાત એ છે કે ૧૮ વર્ષથી વધારે વયના યુકેના નાગરિકો ઉપરાંત કોમન્વેલ્થ દેશોના એવા નાગરિકો કે જેમને યુકે માં રિસિડંસી મળી હોય તેમને પણ મતદાન કરવાનો હક મળે છે. હા, વિદેશી લોકોને પણ મતદાન કરવાનો હક છે. એટલું જ નહિ પરંતુ યુકેના નાગરિક સિવાય કોમન્વેલ્થના નાગરિક કે જેમને યુકેમાં રહેવાનો હક મળ્યો હોય – હા, નાગરિકત્વ બીજા દેશનું હોય તો પણ – તેઓ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નામાંકન કરી શકે છે. એટલે કે ભારતનો નાગરિક હોય પણ યુકેમાં રેસિડન્સ પરમીટ ધરાવતો હોય તો તેને પણ ચૂંટણીમાં મતદાન કરવાનો અને ઉમેદવારી નોંધાવવાનો હક છે. તેના માટે ૫૦૦ પાઉન્ડની ફી ભરવાની રહે છે અને જો કુલ મતના ૫%થી ઓછા મત મળે તો ઉમેદવારની ફી જપ્ત થઇ જાય છે.
પરિણામ શું આવશે તે તો ૧૩ મી ડિસેમ્બર સુધીમાં ખબર પડી જશે. હા, અહીં એકાદ દિવસમાં જ ચૂંટણીનું પરિણામ જાણવા મળી જાય છે.