આપણી દરેક હા માં અનેક ના છુપાયેલી હોય છે. જ્યારે આપણે કોઈ એક કામ માટે હા કહીએ છીએ ત્યારે બીજા કેટલાય કામોને ના કહેવાય જતી હોય છે. જેમ કે કોઈ એક વ્યક્તિને લગ્ન માટે તમે હા કરો ત્યારે બીજી કેટલી વ્યક્તિને ના કહેવાય જાય છે. માર્યાદિત સમય, સંસાધન અને અવકાશને કારણે આપણે ઉપલબ્ધ અવસરોમાંથી કોઈ એકને પસંદ કરવો પડે છે. એક ચાન્સ લેવો પડે છે, અને બાકીના ચાન્સ છોડવા પડે છે. વાંદરાને મટકીમાંથી હાથ બહાર કાઢવા માટે મુઠ્ઠી ખોલવી પડે તો તેમાં ચણા ન કાઢી શકાય તેવી સ્થિતિ આપણી અનેક વખત થતી હોય છે. માટે, આપણી દરેક હા પાછળ કેટલીય ના છુપાયેલી હોય છે.

જયારે આપણે એક વિકલ્પ પસંદ કરીએ ત્યારે બીજા ઉપલબ્ધ વિકલ્પોને નકારીએ છીએ. કોલેજમાં એડમિશન લેવાનું હોય ત્યારે પાંચ જગ્યાએથી ઓફર આવી હોય તો એક સિવાયની બીજી ચારને આપણે નકારવી પડે છે. નોકરીમાં ત્રણ ચાર જગ્યાએથી એપોઇન્ટમેન્ટ લેટર આવ્યો હોય તો આપણે એકને પસંદ કરીને બાકીના ઓપ્શન્સ છોડવા પડે છે. આ રીતે દરેક સ્વિકારાયેલા ઓપશન પાછળ અનેક નકારાયેલા ઓપશન્સ પણ હોય છે.

આ હકીકત સમજાય ત્યારે આપણને દરેક વિકલ્પનું મૂલ્ય પણ સમજાય છે. ખુબ આસાનીથી કોઈપણ ઉપલબ્ધ વિકલ્પને સ્વીકારી લેતા પહેલા યાદ રાખવું જોઈએ કે થોડું ખમી જવાથી, થોડી વધારે ધીરજ રાખવાથી અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. તે વધારે સારા પણ હોઈ શકે. મેં યુપીએસસીની તૈયારી કરી ત્યારે સાથે સાથે કેટલીય બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત આવતી. પરંતુ યુપીએસસી પર ફોકસ કરવા માટે બીજી કોઈ પરીક્ષાઓના ફોર્મ ભરીને, તેની પરીક્ષાઓ આપીને પોતાનો માર્યાદિત સમય ન વેડફવાનું નક્કી કરેલું. સમય લાગ્યો પરંતુ આખરે બીજા ઓપ્શન્સને હા કહીને આ યુપીએસસીને ના કહેવાની ભૂલ કરી નહિ.

આપણા મનમાં સ્પષ્ટતા હોય તો પસ્તાવાનો વારો આવતો નથી. તમે જો મનમાં નિર્ધારિત કરી લો કે તમારે શું જોઈએ છે, અને તેના સિવાયના બીજા કોઈ ઓપશનને હા કહીને તમારા નિશ્ચયને નબળો ન બનાવો તો તમારે ક્યારેય પસ્તાવું ન પડે. ‘થોડું થોભી ગયા હોત તો જોઈતું તું એ મળી જાત’ જેવા વિધાનો જીવનમાં ક્યારેય બોલવા ન પડે. થોડી સ્ટ્રગલ, થોડો સંઘર્ષ, થોડી ધીરજ અને થોડી સહનશક્તિ કેળવીને પોતાના નિર્ધારિત વિકલ્પ માટે પ્રયત્ન કરવાથી, અને બીજા કોઈ વિકલ્પને સ્વીકારીને સંતુષ્ટ ન થઇ જવું જોઈએ.

ઓપશન્સ ખુલા રાખવા જોઈએ. જો આપણે પોતાના વિકલ્પો જ બંધ કરી દઈએ તો કેવી રીતે આપણને ચાન્સ મળે? એક વ્યક્તિ પોતાના મિત્રને વાત કરી રહ્યો હતો કે મને પાંચ લાખ રૂપિયાની જરૂર છે. કેમેય કરીને અપાવી દો. મિત્રએ સલાહ આપી કે વિકલ્પ તો ખોલ પાંચ લાખને આવવાના. ક્યાંકથી ઉધાર માંગ, કોઈ લોટરી લે, કોઈ આઇપીઓમાં ઈન્વેસ્ટ કર, કોઈક ઓપશન ખોલ તો તને પાંચ લાખ મળે ને? જો આપણે પણ જીવનમાં કોઈ ઓપશન જ ન ખોલીએ તો ઇચ્છીએ તે કેવી રીતે મળે? અને વળી કોઈ એક ઓપશન સ્વીકારીને અવકાશ ભરી દઈએ તો બીજો કોઈ ઓપશન સ્વીકારવાની તક જતી રહે. માટે જ્યાં સુધી પોતાની ઈચ્છા અનુસાર ઓપશન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધા ઓપશન ખુલા રાખવા જરૂરી છે.એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા મેનેજરને આખા ક્ષેત્રનું કામ સાંભળવાની ઓફર મળી. પગારમાં ઘણો વધારો થાય તેમ હતું અને સગવડો પણ વધી જવાની હતી. પરંતુ તેના માટે પરિવારને છોડીને પોતાને બીજા શહેરમાં જવું પડે તેવી સ્થિતિ હોવાથી બાળકોના શિક્ષણના મહત્ત્વના તબક્કે તેમની સાથે રહેવાને પ્રાથમિકતા આપીને તે વ્યક્તિએ નવી ઓફર જતી કરી. જીવનમાં આવતા અનેક વિકલ્પો પૈકી આપણે સમજીવિચારીને નિર્ણય કરવો પડતો હોય છે. તે પૈકી કોઈ એકને પસંદ કરીને બાકીનાને જતા કરવા પડે છે. આ પ્રક્રિયામાં જો આપણે સાવચેતી ન વર્તીએ તો પસ્તાવાનો વારો આવે છે. સામે આવનાર દરેક વિકલ્પ અપનાવી લેવો જરૂરી નથી. જ્યાં સુધી તેના દરેક પરિણામને આપણે ન બરાબર વિશ્લેષણ ન કરી લઈએ ત્યાં સુધી તેને હા કહીને બીજા વિકલ્પો માટે દરવાજો બંધ ન કરી દેવો જોઈએ.

“ભવિષ્ય ભાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે તેનું સર્જન કરવું.” – પીટર ડ્રકર