ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે તમે કોઈ હાઇવે પર ડ્રાઈવ કરતા હો અને કોઈ ખોટા રસ્તે આગળ નીકળી જાઓ પછી ખબર પડે કે બીજો રસ્તો લેવાનો હતો. આવા સમયે હાઇવે પર એક્ઝીટ લેવા માટે કેટલાય કિલોમીટર આગળ જવું પડે અને એટલું જ લાબું અંતર કાપીને પાછા આવ્યા પછી જે ખરા રસ્તે ચડી શકાય છે. મોટા હાઇવે પર એક્ઝીટ દૂર હોય છે અને તેના પર ચડ્યા પછી સરળતાથી પાછું વળી શકાતું નથી. આ ઉદાહરણ એટલા માટે લીધું છે કે જીવનમાં પણ કોઈ મહત્ત્વના નિર્ણય લેવામાં જો ભૂલ થઇ જાય તો તેમાંથી પાછા વળવામાં ઘણો સમય જાય છે અને મુશ્કેલી પણ બહુ પડે છે. ખોટા રસ્તે ચડેલા લોકોને સુધરવાના માર્ગ બહુ ઓછા મળે છે.
ઘણીવાર બોલીવુડની ફિલ્મોમાં પણ તમે ગુંડાગર્દી અને અંડરવર્લ્ડ સાથે સંકળયેલો આ ડાઈલોગ સાંભળ્યો હશે કે ‘યહાં આને કે રસ્તા તો હૈ મગર વાપસ જાને કે કોઈ રસ્તા નહિ’. જે લોકો આવી ગેંગ સાથે જોડાઈ જાય છે કે ખોટા કામ કરનારા લોકોની સંગતમાં આવી જાય છે તેમના માટે સુધરવાનો માર્ગ ભાગ્યે જ હોય છે. ક્યારેક તો લોકોને જીવ પણ ગુમાવવો પડે છે કેમ કે જો ગેંગનો માણસ બહાર જાય તો બીજા લોકોને માટે પણ જોખમ ઉભું કરી શકે છે.
આવા કેટલાય કારણોથી આપણે જીવનમાં જયારે પણ કોઈ મહત્ત્વનો નિર્ણય કરીએ ત્યારે બહુ સાવચેત રહેવું પડે છે. જો થોડીઘણી પણ ચૂક થઇ જાય અને ખોટો માર્ગ લેવાય જાય તો જીવનભર માટે સજા ભોગવવા જેવી સ્થિતિ થાય છે. તેનું પરિણામ માત્ર આપણે જ નહિ પરંતુ પરિવારના લોકોને અને આપણા મિત્રોને પણ ભોગવવું પડે છે. જેમ હાઇવે પર ગાડી પુરપાટ ઝડપે દોડશે તેવી લાલચમાં ક્યારેક આપણે માર્ગ ભૂલી જઇયે છીએ તેમ ખોટા રસ્તે ચાલીને જલ્દીથી ધનવાન થઇ જાવશે કે પછી દબંગ બની શકાશે તેવી લાલચમાં કેટલીકવાર લોકો ઘાતક નિર્ણય કરી લેતા હોય છે. શરૂઆતમાં તો આ બધું જ મળે છે પરંતુ આખરે પરિણામે શું આવે છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ.
હવે પછી જીવનમાં ક્યારેય પણ મહત્ત્વના પડાવ પર ઉભા હોય, ત્યાંથી ભવિષ્યની દિશા નક્કી થવાની હોય ત્યારે નિર્ણય લેવાની ઘડીએ એક ક્ષણ થોભી જવું સારું. જે રીતે સાચો માર્ગ શોધવા માટે બોર્ડ વાંચીને કે નકશો જોઈને કે પછી કોઈને પૂછપરછ કરીને આગળ વધી શકાય છે તેવી જ રીતે જરૂર પડે તો જીવનમાં પણ સાહિત્ય અને સારા ગ્રંથોનો અભ્યાસ કરીને કે શાણા માણસની સલાહ લઈને આગળ વધવું જરૂરી છે. જ્યાં જવાનું ન હોય તેવા હાઇવે પર ચડવાથી તો માત્ર થોડા સમય અને પેટ્રોલનું જ નુકસાન થાય છે પરંતુ જીવનમાં આવી રીતે જ્યાં જવું યોગ્ય ન હોય ત્યાં પગ મૂકી દેવાથી પણ આખા જીવન પર કલંક લાગી શકે છે.
ગાંધીજીની આત્મકથામાં તેઓ ખુબ અફસોસ સાથે કહે છે કે તેમણે ખોટી સંગતે ચડીને માંસાહાર કરેલો અને પછી બહુ પશ્ચાતાપ કરવો પડેલો. તેમના જીવનમાં આ ખોટો નિર્ણય તેઓ પ્રૌઢ વયે પણ દુઃખ સાથે યાદ કરે છે અને પોતાની આત્મકથામાં લખે છે તેનું કારણ એ જ છે કે એકવાર કરી હોય કે અનેકવાર, ભૂલ તો ભૂલ જ છે. બીજું કોઈ જુએ કે ન જુએ પરંતુ આપણે તો તેનાથી વાકેફ છીએ જ. તેનાથી અન્ય કોઈ જાનમાલનું નુકશાન થાય કે ન થાય પરંતુ ચારિત્ર્ય પર જે ઘાવ લાગે છે, અંદરથી અફસોસની લાગણી ઉદ્ભવે છે તે ક્યારેય ભૂંસી શકાતી નથી. તેને જેટલી સાફ કરવાની કોશિશ કરો તેટલી જ વધારે મલિન બને છે. આવી સ્થિતિમાં પોતાની જાતને ન મુકવી હોય તો ક્યારેય લાલચમાં આવીને ખોટા હાઇવે પર ન ચડવું કેમ કે યુ ટર્ન લઈને પાછા આવવામાં ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે.