ક્યારેય એવું બન્યું છે કે અમુક પ્રકારની લાગણીઓ કે સંવેદનાઓથી ગભરાઈને તમે તેમનો સામનો કરતા અચકાતા હો? આવી સંવેદનાઓનો સામનો કરવાને બદલે આપણે તેમનાથી બચવાની કોશિશ કરીએ છીએ. જેમ કે એક યુવાનને એવો ડર હોય કે તે જે યુવતીને ચાહે છે તેની સામે પોતાની લાગણીનો પ્રસ્તાવ મુકશે તો યુવતી તેને નકારી દેશે. આવું વિચારીને તે ક્યારેય યુવતીને પોતાના મનની વાત જણાવે જ નહિ. કોઈ અધિકારીને પોતાના ઉપરીથી ડર લાગતો હોય એટલા માટે તે ક્યારેય પોતાના વિચાર વ્યક્ત કરે જ નહિ અને પરિણામે ઉપરી અધિકારી એવું માને કે તે વ્યક્તિ સ્વતંત્ર રીતે વિચારતો જ નથી.

આ રીતે પોતાની ભયયુક્ત લાગણી કે સંવેદનાઓને દબાવી રાખવી, તેમને વ્યક્ત ન કરવી આપણો સ્વભાવ હોય છે. ક્યારેક આપણું અપમાન થશે તેવા ડરથી તો ક્યારેક તેનો સ્વીકાર નહિ થાય તેવા ડરથી આપણે પોતાના વિચારોને વ્યક્ત કરતા અચકાતા હોઈએ છીએ. પરંતુ મનોવૈજ્ઞાનિકો કહે છે કે દબાવેલી ઈચ્છાઓ અને લાગણીઓ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર બુરી અસર પાડે છે જેને પરિણામે આપણી વિચારશક્તિ પૂરી રીતે ખીલતી નથી, આપણું વ્યક્તિત્વ નિખરતું નથી. આવું એકવખત થાય તો તેની અસર બીજા પ્રસંગો પર પણ થઇ શકે છે અને પરિણામે આપણે દરેક વખતે આ રીતની લઘુતાગ્રંથિ લઈને જીવીએ છીએ.

ઘણીવાર આવી લાગણી કે વિચારોને દબાવવાની વૃત્તિ વ્યક્તિમાં બાળપણથી જ વિકસે છે જેનું એક કારણ એ હોય છે કે બાળકના માતાપિતા કે પરિવારજનો તેને પોતાના વિચારો વ્યક્ત કરતા રોકે છે, તેની વાતને સાંભળતા નથી, તેને પોતાની લાગણી વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરતા નથી. બાળક ભલે સાચા કે ખોટા પ્રસ્તાવો મૂકે તેને ડામવાને બદલે જો તેમને સાંભળવામાં આવે, અને જરૂર હોય તો તેને સમજાવવામાં આવે, તો ધીમે ધીમે તેની વિચારશક્તિ ખુલે છે, તેને સાચા ખોટાનું અને તાર્કિક-બિનતાર્કિક બાબતોનું ભાન થાય છે. તે ડરવાને બદલે મુક્ત મને પોતાની વાત કરતા શીખે છે. આવી વ્યક્તિનો જ વિકાસ તેમની ક્ષમતા અનુસાર થાય છે.

પોતાના પરિવારમાં કે મિત્રો સાથે વાતચીત કરતી વખતે પણ બીજા લોકોની વાતને ક્યારેય કાપવી જોઈએ નહિ. તેમને લાગણી વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. ભલે તે સામાન્ય વાત હોય કે પછી કોઈ ગહન જ્ઞાનની વાત, પરંતુ અભિવ્યક્તિનું પ્રોત્સાહન આવશ્યક છે. જે વ્યક્તિ અભિવ્યક્તિથી ડરે છે તે અંદરને અંદર ગૂંગળાયા કરે છે. પોતાના મનમાં હજારો વિચારોનો પહાડ ખડકીને બેસેલી વ્યક્તિ કેટલા ભાર નીચે જીવતી હશે તેનો વિચાર તો કરો.

વળી આપણે પોતે પણ જો અભિવ્યક્તિને દબાવીએ તો પોતાના વિચારોને લોકોના અભિગમ કે તર્કથી ચકાસી શકીએ નહિ. કોઈ આપણા પ્રસ્તાવ વિષે શું વિચારશે તે આપણે ત્યારે જ જાણી શકીએ જયારે એ પ્રસ્તાવ મૂકીએ. માટે યુવાને પોતાને ગમતી યુવતી સામે પ્રસ્તાવ મૂક્યા વિના જ એવું ધારી લેવું કે તેનો અસ્વીકાર થશે તે યોગ્ય નથી. અધીનસ્થ કર્મચારીનું એવું માની લેવું કે પોતાના ઉપરી અધિકારીને પ્રસ્તાવ નહિ ગમે તે પણ પોતાના અને સંસ્થાના વિકાસ સાથે ચેડાં કરવા જેવું જ ગણાય. શા માટે આપણે પહેલાથી જ અનુમાન લગાવી લઈએ કે સામેવાળી વ્યક્તિનો પ્રતિભાવ નકારાત્મક જ હશે? તેવું કરવામાં કોઈનેય ફાયદો નહિ થાય. માટે લાગણીઓને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવી આવકાર્ય છે.

Don’t miss new articles