દરેક ઘરમાં નાના મોટા કિસ્સાઓ બનતા હોય છે અને તેમાં મનમોટાવ પણ થાય. પરંતુ ઘરની વાતો બહારની વ્યક્તિ પાસે કરવા કરતા અને બીજા કોઈને તેમાં શામેલ કરવા કરતા ઘરના સભ્યો અંદર અંદર જ સુલઝાવી લે તે ઉત્તમ છે. પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થયો હોય, તેમની વાતચીત ઓછી થતી હોય તેવા સમયે કોઈ મિત્ર ઘરે આવે અને તેમની સામે પતિ કે પત્ની આ વાત છેડી દે તો બાંધી મુઠ્ઠી ખુલી જાય. એ મિત્ર તો સદ્ભાવથી અથવા તો પરિસ્થિતિનો આનંદ ઉઠાવવા માટે તે વાતને વધારે ખોદવાની કોશિશ જરૂર કરશે પરંતુ પોતાની અંગત અને પારિવારિક વાતો બહારવાળાની સામે ન કરવાની કાળજી રાખવી એ પતિ-પત્ની બંનેની ફરજ છે. જો એકવાર ત્રીજી વ્યક્તિને પેસારો કરવાનો મોકો મળે તો તે વાત ક્યારેક તો ચોથી અને પછી ચારસોમી વ્યક્તિ સુધી જરૂર પહોંચે છે. યાદ રાખવું જોઈએ કે ઘર એ માત્ર ઘરમાં સાથે રહેતા લોકોથી જ બને છે.
આ વાત પતિ-પત્ની જ નહિ પરંતુ સંતાનો અને માતા-પિતા વચ્ચેની પણ હોઈ શકે. કોઈ ત્રીજી વ્યક્તિની સામે પોતાના સંતાનના પ્રશ્નો ચર્ચવા જોઈએ નહિ. કોઈ બહારના માણસને પોતાના બાળકોને સલાહ આપવાનું કહેવું જોઈએ નહિ. આવેલા મહેમાનોના બાળકોની સાથે સરખામણી કરીને પોતાના બાળકોને વધતા-ઓછા બતાવવાનો કોઈ અર્થ નથી. દરેક વ્યક્તિ અને પરિવારના પોતપોતાના સદ્ગુણો અને અવગુણો હોય છે. આપણે પોતાના પરિવારને બહારના લોકો સામે છતો ન કરવો જોઈએ. કોઈને આપણી અંગત વાતોમાં માથું મારવાની તક ન આપવી જોઈએ. ભલે તે લોકો આપણા હિતેચ્છુ હોય પરંતુ અંગત વાતો અંગત જ કહેવાય.
પ્રશ્ન એ થાય કે શું કોઈ બાબત અંગે કોઈની સલાહ ન લઇ શકાય? પતિ-પત્ની વચ્ચે અણબણ થઇ હોય તો કોઈ મિત્ર કે સગું-વહાલું તેનો નિકાલ લાવવામાં મદદરૂપ થાય તો ખોટું શું? બાળકને કોઈ નજીકના મિત્રોનું માર્ગદર્શન મળી રહે તો તેમાં આખરે તો ફાયદો જ છે ને? વાત સાચી. આપણી મુશ્કેલીમાં કોઈ રાહ ચીંધે, આપણી મૂંઝવણ દૂર કરવામાં મદદ કરે તે સારી વાત કહેવાય. પરંતુ અહીં પ્રશ્ન છે આપણા ઘરની પ્રાઇવેસીનો, આપણી અંગત વાતોનો. આજે આપણા ઘરમાં કોઈ સમસ્યા છે તેની વાત આપણે બીજા કોઈને કરી. આવતી કાલે તેની નિકાલ આવી જશે. પરંતુ શક્ય છે કે તે વ્યક્તિ હંમેશા જ આપણા ઘરમાં પગપેસારો કરવાની કોશિશ કરે. અથવા તો તેણે આપણા ઘરને તૂટતું બચાવ્યું છે તેવી વાતો આખા ગામમાં કરે. એવું પણ બને કે કાલે આપણા સંબંધ તે મિત્ર સાથે કોઈ કારણથી ખરાબ થાય. ત્યારે આપણી આ ખાનગી વાતનું તે શું કરશે? કહેવાનો અર્થ એ નથી કે દરેક મિત્ર કે સગાસંબંધી આપણો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે, આપણી વાતો બહાર ફેલાવે – પરંતુ વાત એ છે કે તેની શક્યતા તો છે જ. વળી કોઈની સામે કરેલી વાત આજે તો આપણને સામાન્ય લાગે પરંતુ ભવિષ્યમાં તે આપણા માટે શરમજનક સ્થિતિ ઉભી કરી શકે છે. એવા કિસ્સાઓ પણ જોયા છે કે જે વ્યક્તિએ મદદ કરી હોય તેની સાથે જ લોકો સંબંધ તોડી નાખતા હોય છે. કારણ કે તેમને તેમાં પોતાની નાનપ દેખાતી હોય છે. આ રીતે સંબંધ બનાવી રાખવાનો અને બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે તેને મર્યાદામાં રાખવા.
તમારા ઘરમાં પણ અનેક પ્રશ્નો અનેકવાર ઉભા થતા હશે. તેનું નિરાકરણ લાવવા માટે જો તમારે મદદની જરુર હોય તેવું લાગતું હોય તો પહેલા પરિવારના બધા લોકોએ મળીને નક્કી કરવું જોઈએ કે આ વાત માટે કોઈની સલાહ લેવી કે કેમ? અને જો લેવી હોય તો કોઈ આપણને સારી રીતે માર્ગદર્શન આપવા લાયક છે? તેનામાં એટલી પરિપક્વતા છે કે આપણી ગંભીરતાને સમજે અને તેને યોગ્ય તેવી ગોપનીયતા પણ આપે? આ વાતને લઈને તે આપણું મૂલ્યાંકન તો નહિ કરે ને? આવતી કાલે તે બીજા લોકોમાં આ વાત તો નહિ ફેલાવે ને? અને જો એવું કોઈ ન મળતું હોય તો પ્રોફેશનલ કાઉન્સેલિંગ કરવામાં કઈ ખોટું નથી.