હાશ, હવે છુટકારો થયો! આવા ઉદગાર નીકળે ત્યારે કેવી અનુભૂતિ થાય છે તે યાદ છે? આવી છુટકારો થવાની, મુક્તિ મળ્યાની, કપરી કે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યાની લાગણી થાય ત્યારે આપણે હાશકારો અનુભવીએ છીએ. આવો હાશકારો ક્યારે ખરેખર દુઃખદ અવસ્થામાંથી બહાર આવતા અથવા તો કંટાળાજનક સ્થિતિમાંથી બહાર આવતા પણ થાય છે.

આપણા પરિવારમાં એકાદ કાકા કે માસી એવા હોય છે જે ઘરે આવે અને પોતાની વાતો ચાલુ કરે પછી બીજા કોઈને બોલવાનો વારો જ ન આવે. તેઓ એ શ્રેણીના લોકો હોય છે જેમને બધું જ જ્ઞાન હોય છે અને ક્યારેક ક્યારેક તો તેઓ નિષ્ણાતોને પણ સલાહ આપી દે છે. આ લોકો માટે પ્રમાણ, તથ્ય કે આંકડા નહિ પરંતુ પોતાનું મંતવ્ય અને માન્યતા એટલા મજબૂત હોય છે કે તેઓ બીજા કોઈનું સાંભળવા તૈયાર જ હોતા નથી. આવા લોકો જયારે પણ ઘરે આવે ત્યારે આપણને કોઈને કોઈ વાત અંગે સલાહ આપે છે. આપણા બાળકે સાયન્સ લીધું હોય તો શા માટે આર્ટસ લેવું જોઈએ તેના અંગે લેક્ચર આપીને બાળકને દુવિધામાં મૂકી દે છે. આપણે લાકડાનું ફર્નિચર બનાવ્યું હોય તો શા માટે સ્ટીલનું બનાવવું જોઈએ અને આપણે કેવી મૂર્ખાઈ કરી છે તેનો અહેસાસ તેઓ કરાવે છે. આવા લોકો જયારે જાય ત્યારે જરૂર આપણને હાશ, હવે છુટકારો થયો! તેવી લાગણી થાય છે.

ક્યારેક આપણે સંબંધોમાં એવા ગુચવાઈએ છીએ કે તેમાંથી છૂટવું એ પણ હાશકારા જેવું થઇ પડે છે. જેની સાથે રહેતા હોઈએ તે કચકચિયા સ્વભાવના હોય અને વાતવાતમાં ટોકટોક કરે તો આપણે અંદરથી ચિડાઈ જઈએ છીએ. તેવા લોકોને લડાઈ કરવામાં કઈ વિચારવું પડતું નથી. તેઓ બોલ્યા કરે તો ચાલે પણ જો આપણે સામે કઈ કહી દઈએ તો તરત જ આભ માથે ઉઠાવી લે છે. આવા લોકોના સંબંધમાંથી છૂટવામાં પણ એક હાશકારો અનુભવાય છે. આ સંબંધ પતિ-પત્નીનો હોય, પ્રેમી-પ્રેમિકાનો હોય કે પછી ક્યારેક કચકચ કરતી દાદી-નાનીનો હોઈ શકે. મુશ્કેલી એ હોય છે કે આવા સંબંધો તોડી શકતા નથી એટલે લોકો તેવા કચકચિયા લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. કચકચ કરતી પત્નીથી કંટાળીને પતિ ઓવરટાઈમ કરે, ઘરે આવીને બીજા રૂમમાં બેસીને છાપું વાંચે કે પછી મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો રહે તેવું તો ઘણીવાર થાય છે.

પરંતુ સૌથી ખરાબ સ્થિતિ ત્યારે આવે છે જયારે કોઈ અત્યાચારી વ્યક્તિ સાથે પનારો પડે. જેમ કે વગર ગુને કોઈ ગુંડા કે માથાભારે વ્યક્તિના કુંડાળામાં પગ આવી ગયો હોય અને તે પરેશાન કર્યા કરતો હોય તો તેના ચુંગાલમાંથી છૂટતા જ હાશ, હવે છૂટ્યાની લાગણી થાય છે. અત્યાચારી પતિના હાથે માર ખાતી પત્ની પણ જયારે પતિ એક મહિનાની ટ્રીપ માટે બહાર જાય ત્યારે હાશકારો અનુભવે છે. કોઈ પોલીસ કે વકીલના ચક્કરમાં ફસાયો હોય તો તેને પણ આવો હાશકારો થતા નિરાંત થાય છે. કોઈ નિર્દોષ જેલમાં પડ્યો હોય તો તેને સજા પુરી થતા હાશકારો થાય છે.

આવી ગંભીર પરિસ્થિતિ ઉપરાંત ક્યારેક તો રમુજી અવસ્થામાં પણ આપણે એવા ભરાઇયે છીએ કે જલ્દી તેમાંથી બહાર નીકળીએ તો સારું. કોઈ એવી મિટિંગમાં બેઠા હોઈએ કે જ્યાંથી ઉઠી ન શકાય અને બહુ જોરથી બાથરૂમ જવું પડે તેવી સ્થિતિ તો લગભગ બધા લોકો સાથે થાય છે. ટ્રેઇનનો ટાઈમ થઇ ગયો હોય અને બોસની ઓફિસમાં ફસાયા હોઈએ, બોસ પોતાના કિસ્સા કહ્યે જતા હોય અને આપણે વારેવારે ઘડિયાળ તરફ જોતા હોઈએ તેવું પણ અવારનવાર બને છે. આવી રમુજી પળોમાં પણ આપણે જલ્દીથી છુટકારો મેળવવા મથતા હોઈએ છીએ અને જેવા બહાર નીકળીએ કે તરત મનમાં એક હાશકારો થાય છે.

આવા કેટલાય ઉદાહરણો આપી શકાય જ્યાં આપણે સુખદ, આહલાદક હાશકારો અનુભવીએ છીએ અને કષ્ટદાયક સ્થિતિમાંથી બહાર આવીએ છીએ. તમારા જીવનમાં પણ આવો કોઈ પ્રસંગ બન્યો છે જ્યાં તમે છુટકારો મેળવવા મથ્યા હોય અને આખરે હાશકારો અનુભવ્યો હોય?

Don’t miss new articles