કોઈ કારીગરને કામ કરવા માટે ઓજારની જરૂર પડે છે. કડિયા કામ કરનાર તગારું, પાવડો, સિમેન્ટ પ્લાસ્ટર કરવા માટેના ઓજારની આવશ્યકતા રહે છે. તેવી જ રીતે સુથારને રંધો, કરવત, આરી, હથોડી જેવા ઓજારો જોઈએ છે. કહેવાનો અર્થ એ છે કે દરેક ધંધાદારીના પોતાના અલગ અને અલાયદા ઓજાર હોય છે જેનાથી તેમને કામ કરવામાં સરળતા રહે છે. તેમના વિના કામ થઇ શકતું નથી. શું આપણે જીવન જીવવા માટે પણ કોઈ ઓજારની આવશ્યકતા ન પડે?
જીવનને સરળ બનાવવા, વધારે સક્રિય અને ઉપયોગી બનાવવા માટે પણ કેટલાક ઓજાર – ટૂલ હોવા જોઈએ અને તેમનો સારી રીતે ઉપયોગ કરતા દરેક વ્યક્તિએ શીખવું જોઈએ. જીવનના ક્યાં પાસાં માટે આપણે ક્યાં ઓજારોનો ઉપયોગ કરીએ છીએ? આ ઓજારોને ઓળખવા અને તેમનું જતન કરવું આવશ્યક છે.
આપણું શરીર સૌથી મુખ્ય અને સર્વોત્તમ ઓજાર છે જે ન હોય તો આ જીવન જ ખતમ થઇ જાય. એટલા માટે શરીરનું યોગ્ય જતન કરવું, તેને સાચવવું અને તેનો સારી રીતે ઉપયોગ કરવો જરૂરી છે. શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેના માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ.
બીજું ઓજાર છે આપણું મગજ, બ્રેઈન. જો વ્યક્તિનું મગજ યોગ્ય રીતે કામ ન કરે તો સાચા નિર્ણયો લઇ શકતા નથી અને પરિણામે જીવનની દિશા તથા દશા ભટકી જવાના ચાન્સ રહે છે. આપણા મગજને યોગ્ય ખોરાક આપવો અને તેને યોગ્ય ટ્રેઇનિંગ આપવી આવશ્યક છે. જેનું મગજ તેજ હોય તેઓ જીવનમાં ખુબ આગળ વધે છે તે આપણે જોયું છે. એટલા માટે મગજને તીક્ષ્ણ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. અહીં મગજ એટલે શરીરના અંગની વાત છે.
ત્રીજું ઓજાર છે આપણું જ્ઞાન. મગજ શરીરનું એક અંગ છે પરંતુ જ્ઞાન એટલે સૂક્ષ્મ જાણકારી કે જે મગજમાં સંગ્રહિત થાય છે. વ્યક્તિ પાસે જેટલું વધારે ઉપયોગી જ્ઞાન હોય તેટલો જ તે જીવનને વધારે સફળ બનાવી શકે છે. કપરી પરિસ્થિતિને પાર પાડવા માટે નિર્ણયો કરવા માટે તેનું જ્ઞાન ઉપયોગી બને છે. તે પોતાનું અને અન્યનું ભલું થાય તેવું વિચારી શકે છે અને પોતાનાં જ્ઞાનથી સૌને લાભ આપી શકે છે. આ ઓજાર એવું છે કે જેનો ઉપયોગ ખુબ સાંભળીને કરવો આવશ્યક છે. વ્યક્તિ પાસે જ્ઞાન હોય પરંતુ જો તેનો ઉપયોગ ખોટી રીતે કરે તો રાવણ જેવી વિકૃતિ પણ આવી શકે છે.
ચોથું ઓજાર છે વાણી. જે વ્યક્તિની વાણી સચોટ અને ધારદાર હોય તે વ્યક્તિને જીવનમાં આગળ વધતા કોઈ ન રોકી શકે. સારું બોલી જાણે તે સારું જીવી જાણે. આ કલા સૌએ શીખવા જેવી છે. બોલતા તો બધાને આવડે છે, સૌની પાસે જીભ છે પરંતુ તે જીભ પરથી ક્યાં શબ્દો સરે છે તે વ્યક્તિની ક્ષમતા નક્કી કરે છે. ભાષા પર પ્રભુત્વ કેળવવું અને યોગ્ય સમયે યોગ્ય શબ્દનો ઉપયોગ કરતા શીખવું અનિવાર્ય છે.
પાંચમું ઓજાર છે સારા વ્યક્તિઓનો સાથ. આપણા પરિવારના લોકો હોય કે પછી મિત્રો. જો સારા વ્યક્તિઓનો સાથ કરતા શીખીએ તો જીવનની સારી નરસી દરેક સ્થિતિમાં આપણે એકબીજાની મદદથી આગળ વધી જઈએ છે. કહેવાય છે કે આપણે જેવા હોઈએ તેવા જ મિત્રો આપણને મળે છે. આપણા માનસિક તરંગો એવા વ્યક્તિઓને જ આપણી પાસે આકર્ષે છે જેમના તરંગો પણ આપણને મળતાં હોય. જો સારો સંગાથ કરવો હોય તો પોતાના વિચારો, માનસિક તરંગો સારા રાખવા જોઈએ.
આ પાંચ ઓજારોનો ઉપયોગ કરીને અન્ય નાના મોટા ઓજારો તૈયાર કરી શકાય છે. જેમ કે શરીરનો ઉપયોગ કરીને વ્યક્તિ ઘર બનાવી શકે. બુદ્ધિનો ઉપયોગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને તેનાથી ભાષા શીખી શકે. આ દરેક ઓજાર આપણને ખુબ સરળ, સફળ અને સર્વાંગી જીવન જીવવામાં મદદરૂપ બની શકે છે. આ ઓજારોનો યોગ્ય ઉપયોગ કરતા શીખવું એ આપણી ફરજ છે.