આ વર્ષનો છેલ્લો રવિવાર. આવનારા વર્ષમાં ફરીથી નવી સફર શરુ થશે. વર્ષ આખું આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ કે જીવનના ચારેય સ્તંભનો સામણરીતે વિકાસ થાય, તેઓ મજબૂત બને અને જીવન સર્વાંગી બની જાય. આ ચાર સ્તંભ એટલે આરોગ્ય, કારકિર્દી, પરિવાર-સમાજ અને આધ્યાત્મ-મનોરંજન. એક જ વાતને વારે વારે યાદ કરવાથી તેના પર અમલ કરવાની ક્ષમતા વધે છે, તેના પ્રત્યે શ્રદ્ધા જાગે છે અને આખરે તે આપણા જીવનમાં એક આદતની જેમ શામેલ થઇ જાય છે. એટલા માટે જ જીવનના સર્વાંગી વિકાસ માટેના આ ચાર સ્તંભો વિષે આપણે સમયે સમયે વાત કરતા રહીએ છીએ અને ઊર્ધ્વગમન માટે પ્રયત્નરત રહીએ છીએ.
આ વર્ષ દરમિયાન તમે આરોગ્ય, તંદુરસ્તી – શારીરિક અને માનસિક બંને – પ્રત્યે કેટલા સજાગ રહ્યા, કેટલા પ્રયત્નો કર્યા તે તમારી એક સફળતા. જો તેમાં કચાસ રહી તો ચાર પૈકીના અન્ય કોઈ જ સ્તંભ પ્રત્યે ગમે તેટલા વધારે વફાદાર રહ્યા તેનો કોઈ અર્થ નથી. એક સ્તંભ તૂટ્યો તો પુરી ઇમારત તૂટવાની, યાદ રાખજો. પહેલું સુખ તે જાતે નર્યા અને જો તેમાં કાચા પડ્યા તો ક્યાંયના ન રહ્યા! સારી તંદુરસ્તી એટલે નિરોગી તથા સ્વસ્થ શરીર અને સમતાપૂર્ણ મન. શરીરમાં કોઈ રોગ હોય તો પહેલા તેનો ઈલાજ થાય તેના પ્રયત્નો અને ત્યારબાદ શરીરમાં સ્વસ્થતા જળવાય જેથી નવા રોગ ન પ્રવેશે. શારીરિક તંદુરસ્તી ત્યારે જ અકબંધ રહેવાની જયારે આપણે માનસિક રીતે સ્થિર હોઈએ. નાહકની નકારાત્મકતાને પોષણ ન આપીએ, શુદ્ધ માનસિકતા વિકસાવીએ અને જીવનને સંતુલિત રીતે જીવવાના વિચાર રાખીએ ત્યારે આપણે આગળના અન્ય કોઈપણ પડાવ પર પહોંચવાની ક્ષમતા કેળવી શકીએ.
કારકિર્દીનું મહત્વ એટલા માટે છે કેમ કે જો આર્થિક રીતે સધ્ધર ન હોઈએ અને પોતાને તેમજ કુટુંબને નિભાવવા માટે પૂરતા સંસાધનનું ઉપાર્જન ન કરી શકીએ તો પોતાને અને પરિવારનાં લોકોને સમ્માનથી જીવવામાં મુશ્કેલી પડે છે. કહેવાનો અર્થ એ નથી કે આપણે માત્ર ધન પ્રાપ્તિ માટે જ બધું ધ્યાન કેન્દ્રિત કરી દઈએ પરંતુ જેમ સંત કબીર પોતાના દુહામાં કહે છે:
साँई इतना दीजिए, जामे कुटुम समाय।
मैं भी भूखा ना रहूँ, साधु न भूखा जाय।।
આર્થિક સફળતા ઉપરાંત સ્વીકાર્ય વ્યાપાર કે કારકિર્દી પણ અનિવાર્ય છે. ખોટા કામ કરીને અઢળક ધન કમાયેલા વ્યક્તિ કે તેમના પરિવારનો આદર સમાજમાં હોતો નથી એટલા માટે સન્માનજનક પ્રવૃત્તિઓ દ્વારા તેનો ધન ઉપાર્જન કરવું આવશ્યક છે.
ત્રીજો સ્તંભ કે જેમાં પરિવાર અને સમાજનો સમાવેશ થાય છે તે મજબૂત અને સુવિકસિત હોય એ પણ અવશ્યક છે. માણસ સામાજિક પ્રાણી છે એ વાત સૌ જાણે છે. એકાંકી જીવન જીવવાથી વ્યક્તિ હતાશા કે વિકૃતિનો ભોગ બને છે. વ્યક્તિ પોતાનું મનોબળ, પ્રેરણા અને જીવન જીવવાના મૂલ્યો પરિવાર, મિત્રો તેમજ સમાજ પાસેથી મેળવતી હોય છે. પોતાના પરિવાર, મિત્રો અને સમાજનું ધ્યાન રાખવું અને તેમના ઉત્કર્ષ માટે પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે. પોતાના સમય અને ઉપલબ્ધિનો એક હિસ્સો આ સ્તંભને મજબૂત કરવા માટે પણ જરૂર સમર્પિત કરવો જોઈએ કેમ કે જીવનના સર્વાંગી વિકાસમાં આ સ્તંભનું પણ એટલું જ મહત્વ છે જેટલું અન્યનું.
જીવનનો ચોથો સ્તંભ છે માનસિકતા, આધ્યાત્મક, મનોરંજન વગેરે. મનની અંદર ચાલતી બધી ગતિવિધિઓને આ સ્તંભમાં સમાવિષ્ટ કરી શકાય. સારું શિક્ષણ, સારા વિચારો, સારી માનસિકતા, મજબૂત વ્યક્તિત્વ વગેરે આ સ્તંભ દ્વારા પ્રાપ્ત થાય છે અને તેને મજબૂત કરવા માટે સારા પુસ્તકોનું વાંચન, પોતાને અનુકૂળ આવે તેવા આધ્યાત્મિક વિચારોનું સેવન, સદાચારી અને જ્ઞાની લોકોનું શ્રવણ મદદરૂપ થાય છે. માત્ર જ્ઞાનની ગંભીર વાતો જ નહીં પરંતુ મનને પ્રફુલિત રાખવા માટે મનોરંજન આપવું પણ જરૂરી છે અને તેના માટે જે કાર્યોથી તમારું મન ખુશ થતું હોય તેવા કાર્યોને પણ જીવનમાં યોગ્ય સ્થાન આપવું જોઈએ. સારી ફિલ્મો જોવી, સારા પુસ્તકો વાંચવા, સારા મિત્રોને મળવું કે પ્રવાસ કરવા જેવી પ્રવૃત્તિઓ તમારા શોખ અનુસાર કરી શકાય.
આવનારા વર્ષમાં જીવનના આ ચાર સ્તંભોને સમાન રીતે વિકસિત કરી, મજબૂત બનાવી અને જીવનનો સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન કરીએ.