બાળપણથી આપણે સૌ માતાપિતા અને ભાઈબહેન સાથે સ્નેહસંબંધથી જોડાઈ જઇયે. ઘણું કરીને તેમના પર અવલંબન પણ ધરાવીએ. તેમની ગેરહાજરીમાં બાળક બેચેન બની જાય કે રડવા લાગે છે તેવું સામાન્ય રીતે બને. કોઈ કોઈ બાળક થોડું ઓછું અવલંબન ધરાવે અને સ્વતંત્ર રીતે વર્તન કરે તેવું પણ બને. જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આવું વર્તન આપણે બીજા સંબંધોમાં પણ શરુ કરીએ. કેટલાક લોકો મિત્રો, પતિ/પત્ની પર ખુબ ડિપેન્ડન્ટ હોય જયારે કોઈ કોઈ તો તદ્દન અળગા. આપણે સંબંધોમાં કેવું તાદાત્મ્ય અને અવલંબન ધરાવીએ છીએ તે અભ્યાસનો ખુબ રસપ્રદ વિષય છે. આપણા આવા સંબંધ – એટેચમેન્ટનો અભ્યાસ કરીને બ્રિટિશ મનોવૈજ્ઞાનિક જ્હોન બોલબીએ એટેચમેન્ટ થીઅરી વિકસાવી જેમાં આપણા તાદાત્યમયને ચાર પ્રકારના એટેચમેન્ટમાં વર્ગીકૃત કર્યા છે.

જ્હોન બોલબી અનુસાર એટેચમેન્ટ ચાર પ્રકારના છે: સેકયુર – સુરક્ષિત એટેચમેન્ટ, ઈંસેકયુર – અસુરક્ષિત એટેચમેન્ટ, ડિસમિસિવ – બરતરફી એટેચમેન્ટ અને પ્રિઓક્યુપાઈડ – પૂર્વવ્યસ્ત એટેચમેન્ટ. આ ચારેય પ્રકારના તાદાત્મ્યનો અભ્યાસ વધારે વિસ્તૃત રીતે કરીને, સુંદર પ્રયોગો સહીત સમજાવવાનું કામ મનોવૈજ્ઞાનિક મેરી ઐનસ્વર્થે કર્યું છે. તેણીએ એક રૂમમાં કેટલાક બાળકો અને તેમના માતાપિતાને બોલાવ્યા. તેમાં કેટલાય રમકડાં અને અન્ય વસ્તુઓ હતી જેમાં બાળકોને રસ પડે. પછી તેણીએ બાળકોના માતાપિતાને થોડીવાર માટે બહાર મોકલી દીધા અને થોડીવાર પછી પાછા બોલાવ્યા. આ દરમિયાન તેણે માતાપિતાની હાજરીમાં, ગેરહાજરીમાં અને તેમના પરત આવ્યા પછી બાળકોના વર્તનમાં થતા ફેરફારો નોંધ્યા.

કેટલાક બાળકો માતાપિતાની હાજરીમાં આનંદથી આખા ઓરડામાં રમતા હતા પરંતુ જેવા તેમના માતાપિતા બહાર ગયા કે તેઓ ઉદાસ થયા, કેટલાક તો રડવા લાગ્યા. આ પૈકી થોડા બાળકો પાંચેક મિનિટ પછી ફરીથી રમતમાં પરોવાઈ ગયા અને માતાપિતાની ગેરહાજરીને વિસરી ગયા. અમુક બાળકો જ્યાં સુધી તેમના માતાપિતા પાછા ન આવ્યા ત્યાં સુધી બેચેન જ રહ્યા. પરંતુ કેટલાક બાળકો એવા હતા કે જેમને માતાપિતાના જવાનો કોઈ ફરક ન પડ્યો. તેઓ પહેલાથી જ રમકડામાં મસ્ત હતા અને માતાપિતાના આવવા જવાની ઘટનાથી જરા પણ અસરગ્રસ્ત થયા વિના તેમની રમતમાં મશગુલ રહ્યા. આ વર્તનને ચાર પ્રકારના તાદાત્મ્ય અનુસાર મેરીએ સમજાવવાની કોશિશ કરી. આપણું વર્તન પણ બાળપણમાં આ પૈકી એક પ્રકારે થતું હોય છે. જયારે આપણે મોટા થઈએ ત્યારે પણ આપણી એટેચમેન્ટ સ્ટાઇલ આ ચાર પૈકી એક હોય તેવી શક્યતા છે.

વ્યક્તિ પોતાના કોઈ સંબંધને લઈને, પછી તે માતા કે પિતા કે પતિ/પત્ની કે પછી કોઈ નજીકના મિત્ર માટે એવું તાદાત્મ્ય ધરાવતો હોય છે કે તેની હાજરીમાં સુરક્ષિત મહેસુસ કરે અને તેની ગેરહાજરીમાં અસુરક્ષિત. ઘણા લોકો અમુક સમય પછી એ સ્નેહીની ગેરહાજરી સાથે જીવતા શીખી જાય છે અને પોતાના જીવનને રાબેતા મુજબ જીવી લે છે પરંતુ થોડા લોકો એવા પણ હોય છે કે જેઓ આ ગેરહાજરી સહેવાને ક્યારેય તૈયાર થઇ શકતા નથી અને પરિણામે એ વિરહમાં ઝૂર્યા કરે છે. અમુક લોકોને તો પોતાની આસપાસ કોઈના હોવાનો ફરક જ પડતો નથી. કોઈ હોય કે ન હોય તેમનું જીવન સામાન્ય રીતે ચાલ્યા કરે છે. તેનું કારણ એ હોઈ શકે કે તેઓ હંમેશા સ્વતંત્ર રીતે જીવતા શીખ્યા છે, માતા-પિતા પ્રત્યે આધીન રહ્યા નથી. કોઈ કોઈ વ્યક્તિ એવી હોય છે કે તે અન્યની ગેરહાજરીમાં જ વધારે સક્રિય રહે છે. તેને બાળપણથી જ માતાપિતાનો ડર રહ્યો હોય છે અને તેમની હાજરીમાં કોઈ કામ કરવામાં તેઓ આત્મવિશ્વાસ અનુભવતા નથી. આ ભયની અસર મોટા થયા બાદ પણ આવે છે અને તેને કારણે અન્ય લોકોની ઉપસ્થિતિમાં તેમનો આત્મવિશ્વાસ ખીલતો નથી.

આપણે પણ જો પિતાના સ્નેહસંબંધોમાં કેવી રીતે તાદાત્મ્ય ધરાવીએ છીએ, કોઈના પર આધીન છીએ કે સ્વતંત્ર, કોઈની હાજરીથી સુરક્ષિત અનુભવીએ છીએ કે કેમ, વગેરે જેવા પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ તો આપણા સંબંધો વધારે સારી રીતે સાચવી શકીએ અને તેમનું મહત્ત્વ સમજી શકીએ. તેનાથી આપણા નિર્ણય લેવાની શક્તિ પણ વધારે કાર્યક્ષમ બની શકે.

Don’t miss new articles