મર્યાદા અને સ્વતંત્રતા વચ્ચે એક ઘમાસાણ યુદ્ધ ચાલતું હોય છે. માનવીના મનમાં, પરિવારમાં, સમાજમાં – એમ બધે જ મર્યાદા અને સ્વતંત્રતાને લઈને દ્વંદ્વ રહે છે. જેમ કે વ્યક્તિ પોતે સ્વતંત્ર બનીને પોતાના વિચારો વ્યક્ત કરવા ઈચ્છે પરંતુ સામાજિક કે પારિવારિક મર્યાદા તેને રોકે તેવું બને. એટલી સામાન્ય વાત કે આપણે કોઈને ચાહિયે તો પણ તેને કહી ન શકીએ તેવું બને. કારણ કે તેમાં કેટલીય મર્યાદા નડતી હોય છે. એવું શક્ય છે કે તમે જેને પણ પસંદ કરો તેમને બધાને જઈને કહી દો? તેવી જ રીતે કોઈ આપણને પસંદ ન હોય, તેમની આદતોથી આપણને ચીડ ચડતી હોય તો પણ આપણે થોડા તેને સ્પષ્ટ કહી શકવાના છીએ? થોડી મર્યાદા તો રાખવી પડે ને? વડીલોના વિચારોથી સહમત ન હોય તો પણ ઘણીવાર આપણે તેમના આદર ખાતર તેમની વાત સાંભળી લેતા હોઈએ છીએ.
આજના જમાનામાં તો આ યુદ્ધ વધારે વકર્યું છે કેમ કે પહેલા તો મર્યાદાનો પ્રભાવ ઘણો વધારે હતો અને તે સ્વતંત્રતાની સામે જીતી જતી પરંતુ હવે ઉલટું થઇ રહ્યું છે. સ્વતંત્રતા એટલી પ્રભાવી બની છે કે મર્યાદા સંઘર્ષમાં છે. જ્યાં સમાજમાં એવા લોકો પણ છે જે માને છે કે પરિવારના કપડાં બહાર સુકાતા હોય તો અન્ડરવેરને બીજા કપડાંની નીચે દબાવીને રાખવા જોઈએ જેથી તે લોકોની નજરમાં ન આવે. આવી મર્યાદાની સામે અન્ડરવેરને પણ શરમાવે તેવા કપડાં પહેરીને નીકળવાની પોતાની સ્વતંત્રતા વ્યક્ત કરતા લોકો પણ સમાજમાં છે જ.
કિશોરીઓને પોતાની યુવાન હોવાની સ્વતંત્રતા ભોગવવી છે તો માતા-પિતાને તેના પર સભ્યતાની મર્યાદા થોપવી છે. યુવાનને રાત્રે મોડે સુધી બહાર ફરવાની આઝાદી જોઈએ છે તો ઘરના લોકો તેને સમયસર પાછા આવી જવાની સલાહ આપે છે. લોકો પોતાના ધર્મ અંગે, નોકરી અને અભ્યાસની પસંદગી અંગે, જીવન સાથી અંગે, પોતાને લગ્ન કરવા કે ન કરવા, કોની સાથે કરવા અને ક્યારે કરવા તેના અંગે, બાળક જોઈએ છે કે નહિ અને જોઈએ છે તો કેટલા તેના અંગે, કેવા કપડાં પહેરવા અને કેવા નહિ, સંયુક્ત પરિવારમાં રહેવું કે વિભક્ત કુટુંબમાં જીવવું તેના અંગે – આવી તો અનેક અનેક પ્રકારની સ્વતંત્રતાઓ અને મર્યાદાઓનો ઝગડો રોજ થતો હોય છે. તે પૈકી એક જીતે છે અને એક હારે છે.
એવું નથી કે સ્વતંત્રતા ઉપર મર્યાદા માત્ર બીજા લોકો જ મૂકે છે. ઘણીવાર તો મર્યાદાના આવરણો આપણા પોતાના વિચારોથી, સંસ્કારોથી, સામાજિક રીતરિવાજોથી આપણે પોતે પણ મૂકીએ છીએ. ભલે તેની સામે આપણી અંદર રહેલ આઝાદ માણસ બંડ પોકારે, પરંતુ મનમાં રહેલા આવા નિયંત્રિત કરનારા વિચારો અંગે આપણે પોતે પણ સજાગ હોઈએ છીએ અને દરેક વખતે તેમના અંકુશમાંથી, પ્રભાવમાંથી બહાર નીકળી શકતા નથી. અને નીકળવાનું યોગ્ય માનતા પણ નથી. કારણ કે આપણે પોતે પણ એ વાતથી વાકેફ હોઈએ છીએ કે અતિશય સ્વતંત્રતા પણ ઘણીવાર સ્વચ્છંદતા અને અશિસ્ત ભણી લઇ જાય છે. માટે મર્યાદાને આપણે શિસ્ત, નિયમિતતા અને સંયમ સાથે સરખાવીને સ્વીકારીએ છીએ. તેને કોઈ બંધનકારી નહિ પરંતુ કલ્યાણકારી પરિમાણ તરીકે સ્વીકારીએ છીએ.
આવી મર્યાદા અને સ્વતંત્રતાની એકબીજા સાથે ચાલતી દોરડાંખેંચની સ્પર્ધામાં ક્યારે કોણ જીતશે, કઈ બાજુ ખેંચાણ વધશે તે તો દરેક કિસ્સામાં અલગ અલગ કારણો પર આધાર રાખે છે અને એ કહેવું મુશ્કેલ છે કે હંમેશા કોઈ એકનો વિજય થશે. કારણ કે તેવું બની શકતું નથી. હંમેશા વ્યક્તિ મર્યાદામાં રહી શકતો નથી, નિયંત્રણ સ્વીકારી શકતો નથી. તેવી જ રીતે દર વખતે તે પોતાના મનનું ધાર્યું પણ કરી શકતો નથી. પરંતુ તેમ છતાંય સ્વતંત્ર માનસ વિકસાવવું જરૂરી છે કેમ કે નહિ તો મર્યાદાને નામે આપણે એટલી બઁદિશોંમાં રહી જઈએ છીએ કે આપણી સર્જનાત્મકતા ગૂંગળાઈ મારે છે. આવી બંદિશ ધર્મ, સમાજ કે રાજકીય નિયમોના આધારે આપણા પર થોપવામાં આવે છે. તેમાં ઘણીવાર સમાજ પોતાનું ભલું જુએ છે પરંતુ વાસ્તવમાં તે આપણા વિકાસને રોકનાર સાબિત થઇ શકે છે.આ કારણથી જ વ્યક્તિએ હંમેશા પોતાના મનમાં મર્યાદા અને સ્વતંત્રતા વચ્ચે સંઘર્ષ ચાલવા દેવો જોઈએ અને સમય અને સંજોગો અનુસાર બેમાંથી કોને જીતવા દેવી છે તે નક્કી કરવું જોઈએ.