આફ્રિકાના વિવિધ પ્રદેશોમાં પોતપોતાની ખાણીપીણી વિકસી છે. ત્યાંની સ્થાનિક આબોહવા, પશુસંપત્તિ અને વનરાજી તથા ખેતી અનુસાર લોકો પોતાનો ખોરાક નક્કી કરે છે. ઘણા વિસ્તારોમાં ફળ-ફૂલનો ખાવામાં ખુબ ઉપયોગ થાય છે તો ક્યાંક પશુ-ઉત્પાદનો વધારે ઉપયોગમાં આવે છે. અમુક વિસ્તારમાં માંસ-મચ્છી મુખ્ય ખોરાક તરીકે પ્રવર્તે છે. આફ્રિકાનો ઘણો વિસ્તાર ગાઢ જંગલો ધરાવે છે તો અમુક વિસ્તાર સહારાનું રણ રોકે છે.

મધ્ય આફ્રિકામાં વનસ્પતિ અને કંદમૂળનો ઉપયોગ વધારે થાય છે. કસાવા – એક પ્રકારનું બટાટાના કૂલનું કંદમૂળ જે સ્વાદમાં થોડી મીઠાશ ધરાવે છે – ત્યાંનો મુખ્ય ખોરાક છે જેમાંથી ફુફુ બનાવવામાં આવે છે. ફુફુ કસાવાના લોટને આથીને – ફર્મેન્ટ કરીને – બનાવે છે જેમાં મુખ્યત્વે સ્ટાર્ચ હોય છે. તે મુઠીયાની જેમ લંબગોળ આકારમાં બનાવાય છે. ફુફુને રાંધેલા માંસ કે રસા જેવા સોસ સાથે ખાય છે. તેની સાથે પાલક, ટામેટા, ડુંગળી, મરચાં, મગફળીનું બટર વગેરે પણ ઉપયોગમાં લેવાય છે. મગફળીનું સૂપ પણ બનાવાય છે જેમાં ચિકન, ભીંડા, આદુ અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. ક્યારેક કસાવાને બાફીને પણ ખવાય છે. અહીંની બીજી એક ખુબ ખવાતી વાનગી છે બમ્બરા જે ચોખા, મગફળીનું માખણ અને ખાંડથી બને છે. ગાયનું માંસ અને ચિકન આ લોકોના મનપસંદ ખોરાક છે, પરંતુ ક્યારેક શિકાર કરીને મગરમચ્છ, બંદર, કાળીયાર કે આફ્રિકાના જંગલી ડુક્કરનું માસ પણ બનાવવામાં આવે છે. આમ તો ભોજનને કોઈ સરહદ હોતી નથી પરંતુ મધ્ય આફ્રિકાના મુખ્યત્વે કેમેરૂન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ, રિપબ્લિક ઓફ કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈકવેટર ગીની અને ગેબોનમાં આ ફુફુ, બમ્બરા જેવી વાનગીઓ વધારે ખવાય છે.

આફ્રિકાના મોટા સરોવરોનો વિસ્તાર કે જેમાં લેક વિક્ટોરિયા, લેક ટાન્ગાન્યીકા અને લેક માલાવીનો સમાવેશ થાય છે તે પૂર્વ આફ્રિકા અને રિફ્ટ વેલીનો મોટો વિસ્તાર રોકે છે. આ વિસ્તારમાં કોંગો, ઇથોપિયા, કેન્યા, માલાવી, મોઝામ્બિક રવાન્ડા, ઝામ્બિયા, તાન્ઝાનિયા અને યુગાન્ડા જેવા દેશો આવેલા છે. આ મોટા સરોવરના વિસ્તારમાં વરસાદ પાણી સારા હોવાથી તેમજ તળાવોનો આશરો હોવાથી લોકો પશુપાલન અને ખેતી કરી જાણે છે. તેને કારણે તેઓ પ્રાણીઓના માણસનો ઉપયોગ ખાવામાં ઓછો કરે છે. તેઓ ગાય, ઘેટાં, બકરી વગેરે પાળે છે પરંતુ તે તેમનું ધન મનાય છે એટલે તેમને ભાગ્યે જ મારીને ખાય છે. કેટલાક વિસ્તારોમાં પ્રાણીઓનું દૂધ અને લોહી પીવાય છે. (લોહી પીવા માટે તેઓ જાનવરને મારતાં નથી પરંતુ તેની ચામડીમાં નાનો કાપ કરીને થોડું લોહી કાઢે છે જેથી પ્રાણી પણ જીવે અને પોતાને પણ પોષણ મળી રહે.) જો કે આ ચલણ હવે માત્ર જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં વસ્તી જાતિઓમાં જ અને તે પણ બહુ ઓછા પ્રમાણમાં બચ્યું છે. આ વિસ્તારના લોકો મકાઈનું ખુબ ઉપયોગ કરે છે. જેમ મધ્ય આફ્રિકામાં ફુફુ ખવાય છે તેવી જ રીતે અહીંના વિસ્તારમાં ઉગાલીને મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે. ઉંગલી મકાઈના લોટને પાણી ઉમેરતા ઉમેરતા સેકીને બનાવાય છે. એક રીતે તે પાપડ માટે બનાવવામાં આવતી ખીચી જેવો ખોરાક છે પરંતુ તે મકાઇથી બને છે અને તેમાં મીઠું મરચું નાખવામાં આવતું નથી તેથી થોડો ફિક્કો લાગે છે. તેને માંસ, પાલક કે અન્ય શાક સાથે ખવાય છે. યુગાન્ડામાં કાચા કેળાને મટોકે કહે છે જેને બાફીને ખાવામાં આવે છે. ઉગાલી અને મટોકે બંને સ્ટાર્ચના મુખ્ય સ્ત્રોત બની રહે છે. તેનાથી પેટ ભરાયેલું રહે છે અને દિવસ દરમિયાન મહેનત કરવા માટે પોષણ પૂરું પાડે છે.

આફ્રિકાના અલગ અલગ દેશોની વાનગીઓ ઉપરાંત અહીં પણ બ્રેડ, દૂધ, ચા, ફળ વગેરે ખવાય છે. સ્થાનિક વિસ્તારોમાં થતા ફળોનો ઉપયોગ પણ ખોરાકમાં થાય છે. વિદેશથી અને પછીથી ઉગાડીને ચોખાનો પણ ખોરાકમાં ઉપયોગ વધી રહ્યો છે. કેન્યામાં તો સ્થાનિક લોકો પણ ચપાતી – ઘઉંની રોટલી રોજ ખાય છે.