ફરીથી એકવાર ગાંધી જયંતિ આવી ને જતી રહી. આપણે સૌ બાપુના ક્વોટ સોશ્યિલ મીડિયામાં શેર કરીને, ગાંધીની ઇમેજ શેર કરીને, તેની ફિલ્મ જોઈને કે તેના ગીતો સાંભળીને આ દિવસ ઉજવી ચુક્યા છીએ. સરકારે પોતાના કાર્યક્રમો યોજ્યા અને સંસ્થાઓએ પોતાની પ્રથા નિભાવી. આ દીવસે રાષ્ટ્રીય સ્વચ્છતા મિશન શરુ થયેલું એટલે ક્યાંક ક્યાંક સફાઈ કાર્યક્રમો યોજાયા. કેટલીક સંસ્થાઓ અને જૂથોએ ગાંધી પર સંમેલનો, સભાઓ અને વ્યાખ્યાનો યોજ્યા. કેટલીય ઓનલાઇન અને ઓફલાઈન પ્રવૃતિઓથી ગાંધી જયંતિ મનાવાઇ.

આ વર્ષે આપણે ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતિ ઉજવી. આ સંદર્ભે કેટલાય લોકોના પ્રશ્ન હોય છે કે આજના સમયમાં ગાંધીનું તાત્પર્ય શું એટલે કે સમકાલીનતા શું છે? ખરેખર તો આ સવાલ જ અસ્થાને છે કેમ કે ગાંધી પહેલા પણ સત્ય અને અહિંસા અસ્તિત્વ ધરાવતા હતા અને તે દરેક સ્થળ અને સમયે કોઈને કોઈ સ્વરૂપે પ્રચારિત થતા હતા. ભગવાન મહાવીરનું જીવન જ સત્ય અને અહિંસાનું પ્રતીક છે અને જૈન ધર્મમાં જે હદે સૂક્ષ્મ અહિંસા પર પણ ભાર મુકાયો છે અને તેને જે રીતે જેનો અનુસરતા આવ્યા છે તેની તુલના તો ક્યારેય થાય જ નહિ. પરંતુ રાજકીય ક્ષેત્રે અહિંસાને હથિયાર બનાવીને જે રીતે ગાંધીજીએ ભારતની અને તેની પ્રેરણાથી અન્ય કેટલાય દેશોની સ્વતંત્રતામાં ભાગ ભજવ્યો છે તે આજના જીવન માટે, તેના જન્મના દોઢસો વર્ષ પછી પણ, સમકાલીન છે કારણ કે રાજકીય ક્ષેત્રે હિંસા વધી રહી છે.

ગાંધીને સમજવા આસાન નથી કેમ કે તેમનું જીવન અને કવન આપણા રોજબરોજના જીવનની સાથે આસાનીથી મેળ ખાતું નથી. વળી તેમની આત્મકથામાં વર્ણવેલા કેટલાય પ્રસંગોને કારણે તેઓ વિવાદનો વિષય પણ બન્યા છે. બાળપણમાં કરેલું માંસનું સેવન, એકવખત કરેલી ચોરી, વેશ્યાગમન અને ત્યારબાદ બ્રહ્મચર્યના પ્રયોગોને લઈને ઘણીવાર લોકો તેમની ટીકા કરે છે. પરંતુ તેમને વાંચ્યા વિના આ ઘટનાઓને સમજવી અને સ્વીકારવી ખરેખર જ અઘરી છે. તેને સમજાવી શકાય તેમ નથી. ખરેખર તો ગાંધી હાડ-માંસનો બનેલો જીવતો જાગતો માનવી જ હતો ને? તેમ છતાંય તેની સત્યનિષ્ઠા અને અહિંસાવાદને વરેલું જીવન તથા છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને વિચારવાની આવડતને કારણે તેઓ દેશભરમાં જ નહિ વિશ્વભરમાં એક લોહીવિહોણી ક્રાંતિ લાવી શક્યા. તેનાથી કેટલીય જગ્યાએ લોહીની નદીઓ વહેતી અટકી છે.

વિશ્વમાં હંમેશા જ કટ્ટર અને ઉદાર વિચારસરણીઓ એકસાથે અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે. ઇતિહાસમાં પણ કટ્ટર વિચારો વાળો સમય અને ઉદારમતવાદીઓના પ્રભાવના તબક્કા આવતા હોય છે. ગાંધીના સમયે પણ એવું જ હતું. બે બે વખત તો તેમના સમયમાં વિશ્વયુદ્ધ થયા અને બંને વિશ્વયુદ્ધ વખતે ગાંધી પોતાના વિચારોના આધારે ભારતના રાજકીય અને સામાજિક જીવનમાં સક્રિય રહ્યા હતા. આ બંને વિશ્વયુદ્ધમાં અસંખ્ય લોકોનો સંહાર જોયા પછી, કેટલીયે વિચારસરણીઓની ચડતી-ઉતરતી જોયા પછી પણ તેમના મત અને પદ્ધતિ બદલાયા નહિ તેનું કારણ સત્ય અને અહિંસામાં તેમની અપ્રતિમ શ્રદ્ધા જ હશે. માત્ર ભારતીય રાજકારણમાં જ નહિ પરંતુ દક્ષિણ આફ્રિકાના એકવીસ વર્ષના રહેવાસ દરમિયાન જ તેમણે દ્રઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા દાખવી હતી. બહાદુરી અને શક્તિ શારીરિક નહિ પરંતુ માનસિક અને આંતરિક હોય છે તે વાત જાહેરજીવનમાં ગાંધીએ પ્રયોગની જેમ સાબિત કરી આપી અને તે પ્રયોગ એટલો તો સફળ રહ્યો કે કેટલાય લોકોનો જીવ આ માર્ગ અપનાવીને બચ્યો છે, કેટલીય લડાઈઓ વિના હથિયારે લડાઈ અને જીતાઈ છે.

ગાંધીદર્શન આપણા જીવનના અનેક પાસાઓમાં માર્ગદર્શક બની શકે છે પરંતુ તેના માટે ગાંધીનું લખાણ વાંચવું અને સમજવું જરૂરી છે. કઈ બીજું નહિ તો તેની આત્મકથા તો જરૂર વાંચી જવી. ગાંધીજીના સત્યના પ્રયોગો તેમની હિમ્મત અને પારદર્શિતાની સાક્ષી પુરે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે પ્રતિષ્ઠાની ટોંચે પહોંચ્યા પછી આત્મકથામાં એવી વાતો લખે જે ગાંધીએ લખી છે.

Don’t miss new articles