ગાંધી જયંતિ એટલે ફરીથી એકવાર ગાંધીનું આહવાન કરીને સત્ય અને અહિંસાનો પથ ગ્રહણ કરવાનું પ્રણ લેવાનો સમય. પરંતુ ભાગ્યે જ કોઈ હશે જે આ પ્રણને નિભાવી શકે. એવું તે કોઈ થઇ શકે જેવા ગાંધી હતા? આ પ્રશ્ન પૂછીએ ત્યારે કેટલાય વ્યક્તિઓ ગાંધીવાદ અંગે શંકા દર્શાવતા પણ સામે આવે. અને વિરોધ પ્રગટ કરનારને પણ સમર્થન આપનાર વ્યક્તિ જેટલા જ પ્રેમથી અપનાવવાની મહાનતા એટલે ગાંધી. કોઈએ તો એવું કહ્યું કે ભગવાન બુદ્ધ પછી બીજું કોઈ હશે તો એ ગાંધી હશે જેમણે દેશ-વિદેશમાં લોકોની વિચારધારા પર આટલા બહોળા પ્રમાણમાં અસર કરી. ગાંધી વિષે જેટલા સંશોધનો થયા તેટલા ભાગ્યે જ બીજી કોઈ ઐતિહાસિક વ્યક્તિ વિષે થયા હશે. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા ૨જી ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ગાંધીને જાણવા હોય તો તેને વાંચવા પડે. તેમના વિષે વાંચી વાંચીને મંતવ્ય બનાવવું એટલે કોઈની વાતોમાં આવવા જેવું થયું. ગાંધીની ટીકા તેમણે જાતે જેટલી સચોટ રીતે કરી છે તેટલી ભાગ્યે જ બીજું કોઈ કરી શકે. ગાંધીના લેખનના ૧૦૦ થી વધારે ગ્રંથો પ્રકાશિત થઇ ચુક્યા છે. પચાસ હજારથી વધારે પાના ભરીને લખ્યું હોય તેવો બીજો કોઈ પત્રકાર કે લેખક ધ્યાનમાં આવતો નથી. હજી તો કેટલુંય અપ્રકાશિત રહ્યું હોઈ શકે. માત્ર લેખન જ નહિ, પરંતુ તેના દ્વારા વિચાર ઘડતર અને માનવની સમાનતા અને સ્વતંત્રતા માટે સબળ નૈતૃત્વ આપનાર ગાંધીને વધારે નહિ તો તેમની આત્મકથા પૂરતા વાંચવા જરૂરી છે. ખરેખર તો ગાંધીની આત્મકથાને તેના મૂળ સ્વરૂપે વાંચવી ફરજીયાત બનાવવું જોઈએ.
મહાત્માની જીવની વાંચીએ કે ન વાંચીએ પરંતુ કેટલીક હકીકતો પર ધ્યાન આપીએ તો પણ સમજમાં આવશે કે તેનું વ્યક્તિત્વ કેટલું મહાન હતું. પોરબંદરમાં જન્મેલી આ વ્યક્તિ લંડનમાં ભણવા આવી અને વકીલાત કર્યા બાદ થોડો સમય ભારતમાં કામ કર્યું. ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય અર્થે જવાનું થયું અને ત્યાં ૨૧ વર્ષ વિતાવ્યા. તેમના વસવાટ દરમિયાન તેમણે દક્ષિણ આફ્રિકામાં ચળવળ શરુ કરેલી અને તેમાં ૪ વખત જેલમાં પણ ગયા. ભારતમાં પણ તેમણે ૭ વખત જેલવાસ ભોગવ્યો છે. જો તેમની બધી જ જેલની મુદત પુરી થઇ હોત તો તેમણે કુલ ૧૧ વર્ષ અને ૧૯ દિવસ જેલમાં વિતાવ્યા હોત. તેમને ૧૩ વર્ષની વયે પરણાવી દેવામાં આવેલા અને ત્યાર બાદ જ તેઓ ભણવા જઈ શકેલા.
ભારતમાં સ્વતંત્રતા સંગ્રામમાં જોશ ભરનાર અને તેને સંગઠિત કરનાર ગાંધી ૧૭ વખત ભારતની સ્વતંત્રતા માટે ઉપવાસ પર ઉતરેલા. તેમના જીવન દરમિયાન પાંચ વખત જીવલેણ હુમલા થયાનું નોંધાયું છે. ઉપરાંત જેના અંગે વિગત ન મળી હોય તેવા હુમલા વધારે હોઈ શકે. પરંતુ આખરે ૭૮ વર્ષની વયે ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮માં તેમને ત્રણ ગોળી મારીને શાહિદ કરવામાં આવ્યા ત્યારે ત્રણેય ગોળી સાથે રામ, રામ, રામના ઉદગારો નીકળેલા. તેમને ૧૯૩૭, ૧૯૩૮, ૧૯૩૯, ૧૯૪૭ અને ૧૯૪૮માં એમ પાંચ વખત શાંતીક્ષેત્રના નોબેલ પારિતોષિક માટે નામાંકિત કરવામાં આવેલા. શાંતિપૂર્ણ માર્ગે જેના સામ્રાજ્ય પર ક્યારેય સુરજ આથમતો નહોતો તેવા બ્રિટિશ અમ્પાયર પાસેથી અહિંસક માર્ગે સ્વતંત્રતા અપાવનાર ગાંધી નોબેલ પારિતોષિક કરતા ઘણા વધારે મહાન છે તેવું મારુ માનવું છે.
ગાંધી જન્મ શતાબ્દીના ૧૫૦ વર્ષ પુરા થયા તેને દેશ-વિદેશમાં ઉજવવામાં આવ્યા છે. આજે ૧૫૦ વર્ષ પછી ગાંધીનું જેટલું સમકાલીન મહત્ત્વ છે તેટલું ભાગ્યે જ કોઈ ઐતિહાસિક કે વર્તમાન વ્યક્તિનું હોઈ શકે. સમય સાથે ગાંધી વિચારની સુસંગતતા વધી છે. તેનો ભૌગોલિક વ્યાપ વધ્યો છે અને તેની જરૂરિયાત વધારે તત્કાલીન બની છે. ગાંધીને માનનારા કે તેનો વિરોધ કરનારા દરેક વ્યક્તિ ગાંધીને વાંચે, વધારે નહિ તો તેમનું જાતે લખેલું કોઈક લખાણ વાંચે અને તેમાં જે પ્રામાણિકતા છલકાય છે તેને અનુભવે તે જરૂરી છે. અંતે, એક વાત એ પણ કહીશ કે ગાંધીને એક વ્યક્તિ તરીકે જોવા, હાડ-માંસની બનેલી ચાલતી ફરતી વ્યક્તિ તરીકે, નહિ કે અવતારી પુરુષ તરીકે. ત્યારબાદ જ અને તે પરિપ્રેક્ષયમાં જ તેમની સફળતા અને નિષ્ફળતાઓનું મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે.