આપણે બજારમાં જઈએ કે ફરવા જઈએ ત્યારે જે કઈ સારું દેખાય, ડિસ્કાઉન્ટમાં મળતું હોય તે ખરીદી લેવાની વૃત્તિ હોય છે. તે વસ્તુની જરૂર છે કે નહિ તે પ્રશ્ન હવે આપણા મનમાં ઉઠતો નથી કેમ કે ધીમે ધીમે આપણી ખરીદશક્તિ વધી છે, જીવનની પાયાની જરૂરિયાતો પુરી કર્યા પછી પણ થોડાઘણા પૈસા બચતાં થયા છે અને માર્કેટિંગના મેજીકે આપણને ઉપભોગી બનાવી દીધા છે. આ બધા કારણોથી અને દેખાદેખીમાં આવીને આપણે આવી અનેક વસ્તુઓ ખરીદી તો લઇએ છીએ પરંતુ તેનો ઉપયોગ શું થશે અને તેને સાચવશું કેવી રીતે તેની ચિંતા કરતા નથી. ધીમે ધીમે આપણું ઘર એટલું ભરાઈ જાય છે, સ્ટોરરૂમ એટલા ખીચોચીચ થઇ જાય છે કે ક્યાંય જગ્યા બચતી નથી. જ્યાં પણ આંખ જાય ત્યાં કઇંકને કઈંક દેખાય છે.

આવી બધું જ ખરીદી લેવાની વૃત્તિની બે આડઅસરો આપણા જીવનમાં વર્તાય છે. એક – કોઈ જ રીતે ઉપયોગી ન હોય તેવી વસ્તુઓ એકઠી થઇ જાય છે અને બીજું – તેનાથી ન માત્ર ઘર પરંતુ મન પણ અસ્તવ્યસ્ત થઇ જાય છે. ઘર કે ઓફિસ સ્વચ્છ, સુઘડ અને વ્યવસ્થિત હોય તો આપણા મન પર પણ તેની અસર પડે છે. આપણા વિચારો અને આપણો સ્વભાવ તેનાથી પ્રભાવિત થાય છે. એટલા માટે જ તમે જોશો કે કોઈ બૌદ્ધ મંદિર કે ધ્યાનના સ્થળોએ ઓછામાં ઓછી વસ્તુઓ રાખવામાં આવે છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓ આપણી ઇન્દ્રિય મારફતે આપણા મનની અંદર પ્રવેશે છે, આપણા વિચારોને પ્રભાવિત કરે છે અને તેનાથી આપણા મનની શાંતિને અસર પહોંચે છે. કહેવાનો અર્થ એ નથી કે દરેક વસ્તુ આપણી માનસિક શાંતિ હણી લે છે પરંતુ તાત્પર્ય એ છે કે જેટલું વધારે ગીચ તમારું આસપાસનું પર્યાવરણ એટલું જ વધારે વ્યસ્ત તમારું મન. જેટલા ઉદ્વિપક તમે મનને આપશો તેટલા જ વધારે વિચારો તમારું મન પેદા કરશે અને તેમાં ગૂંચવાયેલું રહેશે.

ઘરને વ્યવસ્થિત રાખવું કે ઓફિસને સ્વચ્છ રાખવી આપણી પોતાની અંગત વ્યવસ્થાપનની આવડત સૂચવે છે. જે લોકો ઘર અને ઓફિસ ન સંભાળી શકે તેઓ વ્યક્તિગત વ્યવસ્થાપનમાં પણ નબળા હોય છે તેવું સામાન્ય રીતે જોવા મળે છે. વસ્તુઓ આમતેમ ઊડતી હોય, શોધો ત્યારે જરૂરી કાગળ મળે નહિ અને ઓરડાનો કોઈ ખૂણો ખાલી ન પડ્યો હોય તેવી સ્થિતિમાં માનવીનું મન પણ ગૂંચવાય છે. કેટલાય તારણો દર્શાવે છે કે આવો ગૂંચવાડો ઉભો કરવાથી વ્યક્તિનો સ્વભાવ ચિડચિડો બને છે, શોર્ટ ટેમ્પર બને છે. તેને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે અને તે કોઈ કામને સુઘડ રીતે અંજામ આપી શકતો નથી. જે પોતાનું બાહ્ય પર્યાવરણ વ્યવસ્થિત રાખી શકે તે પોતાનું આંતરિક પર્યાવરણ પણ ખુબ સારી રીતે સંભાળી શકે છે તેવું કેટલાય મનોવૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે. જો કે આ વાત ૧૦૦% તો કોઈને લાગુ ન જ પડે પરંતુ મોટા ભાગે એવું જોવા મળે છે તેમ કહેવામાં કોઈ સંશય નથી.

એકંદરે એવું કહી શકાય કે કોઈ વ્યક્તિ માનસિક રીતે અને વ્યક્તિગત વ્યવસ્થાપનમાં કેટલો માહેર અને વ્યવસ્થિત છે તેનું અનુમાન લગાવવું હોય તો તેનું ઘર કે ઓફિસ જોઈ લેવા. ત્યાં સુઘડતા હશે તો વ્યક્તિના જીવનમાં અને વિચારોમાં પણ વ્યવસ્થા હશે. એક મનોવૈજ્ઞાનિકે તેના હંમેશા ઉલઝેલા રહેતા, ક્યાંકને ક્યાંક ગૂંચવાયેલા રહેતા એક ક્લાયન્ટને ઘર સુવાવસ્થિત કરવાની, ઓફિસને સુઘડ રીતે ગોઠવવાની સલાહ આપી અને એવું પણ સૂચન કર્યું કે કામની ન હોય તેવી વસ્તુઓ ધીમે ધીમે હટાવી દો. ક્લાઈન્ટ જયારે પોતાની આસપાસની વસ્તુઓને વ્યવસ્થિત કરવા લાગ્યો તેમ તેમ તેની આંતરિક ગૂંચવણો પણ ઉકેલાતી ગઈ. તેના વર્તન અને વિચારોમાં સ્પષ્ટતા આવતી ગઈ. આ પ્રયોગ આપણે પણ કરવા જેવો છે. તેમાં કોઈ ખર્ચ થાય તેવું નથી. ઉલ્ટાનો તેમાં એ ફાયદો જ દેખાય છે કે ભવિષ્યમાં તમે જે કઈ ખરીદી કરશો તેમાં બે વખત વિચાર જરૂર કરશો કે તે વસ્તુની ઉપયોગીતા છે ખરી? તેનાથી પૈસા પણ બચશે અને ઘર કે ઓફિસમાં એકઠી થતી સામગ્રીની સંખ્યા પણ ઘટશે.

Don’t miss new articles