પારસીઓના ધર્મગ્રંથ અવેસ્તામાં પાયારૂપ મુખ્ય ત્રણ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે: સારા વિચાર, સારી વાણી અને સારા કૃત્યો. વિચાર સારા હોય, શબ્દો સારા વાપરીએ અને કર્મો સારા કરીએ તો પોતાનું જ નહિ પરંતુ સમગ્ર સમાજનું ભલું થાય એ વિભાવના પર પારસી ધર્મનો ભાર છે. એકરીતે જોઈએ તો દરેક ધર્મોમાં લગભગ આવા જ વિચારો પર ભાર મુકવામાં આવે છે. માનસિક વિશુદ્ધિ, શાબ્દિક શુદ્ધિ અને વર્તનની શુદ્ધિ પર ગાંધીજી પણ ભાર મૂકતા અને આપણો કાયદો અને સામાજિક પરંપરા પણ આવા નૈતિક મૂલ્યોને ખુબ મહત્ત્વ આપે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે શું આપણે આટલી સરળ બાબત પર પણ અમલ કરી શકીએ છીએ?
કોઈ વ્યક્તિ હંમેશા જ સારા વિચાર કરે તેવું બની શકે? ક્યારેય તે કોઈનું બૂરું ન વિચારે, પોતાના ફાયદા માટે પણ બીજાનું નુકશાન ન કરે તેવા લોકો આ સમાજમાં હોય? હોઈ પણ શકે. કેટલાય લોકો આ બાબત અંગે દાવો કરીને કહી શકે. પરંતુ ત્યાર પછી સારા શબ્દો અને વાણીનો પ્રયોગ કરવા અંગેની વાત છે તેને કેટલા લોકો અનુસરી શકે? સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જેના વિચારો પ્રામાણિક હોય, નિયમ અને નીતિમતાને જેઓ પ્રાધાન્ય આપતા હોય તેઓ બોલવામાં સખત હોય છે. કોઈની ભૂલ અંગે, કોઈની ખામી અંગે જો તેઓ કઠોર શબ્દોમાં નિંદા કરે, સખત ઠપકો આપે અને અપ્રિય વચનો કહે તો બીજો નિયમ તો તૂટ્યો ગણાય. આ બંને નિયમોના આધારે ચકાસણી કરવામાં આવે તો કેટલાય લોકો પોતાની જાતે જ બાકાત રહી જાય. કેમ કે લોકોનું માનવું હોય છે કે સાચા લોકો તો કડવું બોલે, એટલા માટે જ તો આપણે ત્યાં કહેવત પણ છે કે સત્ય હંમેશા કડવું જ હોય છે. પરંતુ આવા કડવા સત્યને પણ પચાવી લેવું – સમુદ્રમંથન બાદ જેમ શિવજીએ ઝેર પી લીધેલું તેમ કરવું આસાન નથી. સત્યની લડાઈ લડવી ઐતિહાસિક કાળથી સામાન્ય વાત ગણાય છે પરંતુ સત્ય માટે થઈને પણ કોઈનું મન ન દુભાવવું મુશ્કેલ કાર્ય છે. ગાંધીજી કહેતા કે શબ્દથી પણ કોઈનું હૈયું દુભાય તો હિંસા ગણાય. આવી સૂક્ષ્મ હિંસાથી પણ બચીને રહેવું અઘરું છે.
ત્રીજો પાયો સારા કૃત્યોનો છે પરંતુ તેનો અર્થ એ નથી કે સારા કાર્યો કરવા પૂરતું ગણાય. આવશ્યક એ છે કે ખરાબ કામ ન કરવા. તેમાં નૈતિક, ધાર્મિક, સામાજિક કે કાયદાકીય રીતે અયોગ્ય ગણાય તેવા કોઈપણ કાર્યથી દૂર રહેવું એવો નિર્દેશ છે. શું એવું બની શકે કે જે ધાર્મિક દ્રષ્ટિકોણથી સારા કાર્યો ગણાય તે કાયદાકીય રીતે સ્વીકાર્ય ન હોય? વાત શક્ય છે – એક સમય એવો હતો કે જયારે યજ્ઞ, હવન માટે પશુની બલી આપવામાં આવતી, હવે કેટલીય જગ્યાએ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલે તે કાયદાકીય રીતે ગુનો ગણાય. તો શું વ્યક્તિએ ધાર્મિક કાર્ય માટે થઈને ગુનો કરવો યોગ્ય ગણાય? આવા વિરોધાભાષ સમાજમાં ત્યારે સર્જાય છે જયારે સમય સાથે લોકો પોતાની પરંપરાને ન બદલે, પોતાની પ્રથાઓ અંગે પુનઃવિચાર ન કરે. કેમ કે કાયદો જે તે સમાજની તત્કાલીન જરૂરિયાતોને, કલ્યાણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે જયારે ધર્મના સિદ્ધાંતો ઘણા સમય પહેલા આપવામાં આવેલા હોવાથી તે ઘણીવાર તત્કાલીન સ્થિતિ સાથે વિષમ બની જાય છે. આવી સ્થિતિને કારણે જ ઘણીવાર નવા ધર્મો અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવતા હોય છે. ભારતમાં જ બૌદ્ધ, જૈન, શીખ વગેરે ધર્મોનો ઉદ્ભવ આ વાતનો પૂરક છે.
આખરે વાત એ છે કે આપણે સારા વિચાર, સારી વાણી અને સારા કર્મો કરીને જો સાંપ્રત સમય અનુસાર ધાર્મિક, નૈતિક અને કાયદાકીય રીતે યોગ્ય કહી શકાય તેવું જીવન જીવીએ તો સ્વયંનું તેમજ સમાજનું કલ્યાણ કરી શકીએ. આજથી લગભગ ૩૦૦૦-૩૫૦૦ હજાર વર્ષો પહેલા કહેવામાં આવેલા આ ધર્મ ગ્રંથ અવેસ્તામાં આપવામાં સિદ્ધાંતો આજે પણ ઉપયોગી છે, માર્ગદર્શક છે.