થોડા મહત્ત્વાકાંક્ષી હોવું સારું. સામે દેખાતું હોય તેના કરતા થોડું વધારે વિચારવું ફાયદાકારક રહે છે. પોતાની ક્ષમતા કરતા થોડા વધારે સપના જોવા સારા. કેમ કે તેનાથી આપણે એક કલાક વધારે મહેનત કરીને તે સપનાઓને હાંસલ કરવા પ્રેરાઈયે છીએ. જેટલું હોય તેનાથી થોડું વધારે પામવા માટે તત્પર બનીએ છીએ. આળસ કરીને બેસી રહેવાને બદલે આપણે મહેનત કરીને સિદ્ધિ પામવા માનસિક રીતે તૈયાર થઈએ છીએ.

આજે બે કિલોમીટર દોડવાની ક્ષમતા ધરાવતા હોઈએ તો પાંચ કિલોમીટરનો ટાર્ગેટ સેટ કરવાથી ધીમે ધીમે ત્યાં સુધી પહોંચી શકાય છે. વજન ઘટાડવું હોય તો બે કિલોનો ટાર્ગેટ વધારે રાખીએ તો ઘણું સારું. બે બેડરૂમનો ફ્લેટ લેવા જેટલા પૈસા હોય તો ત્રણ બેડરૂમનું ટાર્ગેટ કરીને થોડા વધારે પૈસા એકઠા કરવા મથવું સારું. જે ગાડી આજે ફેરવતા હોઈએ તેનાથી એક સ્તર ઉપરનું મોડેલ મનમાં રાખવામાં શું વાંધો? આ રીતે કરવાથી જ તો માણસમાં કઈંક કરવાની ધગસ બની રહે છે અને તે પોતાની જાતને ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રેરિત કરી શકે છે. સપના જ તો આપણા જીવનનું ઇંધણ છે. તેના વિના જીવન ચાલી શકે પરંતુ દોડે નહિ.

થોડા દિવસ પહેલા સ્ત્રી જેવી સફળ ફિલ્મના એક્ટર રાજકુમાર રાવ પોતાના નવા ઘર વિષે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા હતા. તેમણે કહ્યું કે તેઓએ પોતાની ક્ષમતા કરતા ઘણા મોટા ઘરનો સોદો કરી લીધો હતો. તેનું કારણ એ હતું કે જયારે તેઓ ઘરની શોધમાં હતા ત્યારે ફિલ્મ જગતના સુપરસ્ટાર શાહરુખ ખાને તેમણે સલાહ આપેલી કે ‘અપની ઔકાત સે બડા ઘર લેના, તાકી તુમ ઉસકે પૈસે ચુકાને કે લિયે જ્યાદા મહેનત કરો, જ્યાદા પરિશ્રમ કરો.’ રાજકુમાર કહે છે કે આ સલાહને અનુસરીને તેમણે પોતાની પાસે સગવડ હતી તેના કરતા વધારે મોટું ઘર ખરીદી લીધું અને હવે તેના પૈસા ભરવા માટે તેઓ ખુશી ખુશી મહેનત કરી રહ્યા છે. આ રીતે પોતાની જાતને ક્ષમતા કરતા વધારે મોટું લક્ષ્ય નક્કી કરીને તેને હાંસલ કરવા માટે મજબુર કરવી એ પણ એક સાબિત થયેલી તરકીબ છે કે તમે સફળતાને પ્રેમ કરતા થશો.

અણધારી સફળતા મળી જાય, કે ઉડીને ભોજન થાળીમાં પડે તેવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ જાતે આયોજન કરીને, તેના માટે મહેનત કરીને, ધીરે ધીરે કરીને પોતાની ધારી સફળતા પામવી વધારે સાનુકૂળ રહે છે. અને તેની શક્યતા પણ વધારે હોય છે. પ્રારબ્ધને બદલે પુરુસાર્થ દ્વારા જ સફળતા પામવાની સંભાવના વધારે છે તે સમજવું આવશ્યક છે. માટે તેના માટે પહેલાથી માનસિકતા કેળવવી ઉપયોગી છે. મનને આગળની મંજિલ માટે તૈયાર કરવું અનિવાર્ય છે. અત્યારે જે દેખાતો હોય તે પડાવ આખરી નથી, અને તેનાથી પણ આગળ માર્ગ ખુલશે તેવું વિચારીને થોડું વધારે ચાલી લેવાની હોશ રાખવાથી જ આપણી સાચી ક્ષમતાને પામી શકાય છે.

થોડી તૈયાર કરી રાખવાથી સફળતાની સંભાવના વધી જાય છે. તેમાં થોડું આયોજન મળે તો તો સફળતા નિશ્ચિત જ થઇ જાય છે. પરંતુ બેન્જામિન ફ્રેન્કલીન લખે છે તેમ, ‘જો તમે તૈયારી કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમે નિષ્ફળતાની તૈયારી કરો છો.’ તૈયારીના વાંકે નિષ્ફળતા નોતરવા જેવી ભૂલ ન કરતા. માનસિક રીતે અને મહેનત કરવાની તૈયારી કરી લેજો જેથી તમે ધારો તેવી સફળતા તમારા કદમ ચૂમે.

તમે આજે જ પોતાનું સ્થાન જુઓ. વ્યક્તિગત જીવનમાં, કારકિર્દીમાં, સંબંધોમાં અને બીજી દરેક રીતે તમે જ્યાં પહોંચ્યા હોય તેનાથી બે કદમ વધારે જ વિચારો. પોતાના માટે થોડું મોટું ઘર જ પસંદ કરો, મોટી ગાડી પસંદ કરો, થોડી વધારે મહેનત કરવાની તૈયારી રાખો. પછી જુઓ તમે વિચાર્યું પણ નહિ હોય તેટલી સફળતા તમને પ્રાપ્ત થઇ જશે.