જેમ આપણે ત્યાં દિવાળીની રોનક બજારમાં દેખાય છે તેમ યુકેમાં નાતાલની તૈયારી જોવા મળે છે. અત્યારે હજી તો આપણે નવેમ્બરની મધ્યમાં છીએ પણ લંડનની બધી જ શેરીઓમાં અને દુકાનોમાં ક્રિસમસનો શણગાર થઇ ચુક્યો છે. રસ્તાઓ પર રંગબેરંગી લાઈટ લગાવાઈ છે. સાંજ પડતા તો આખું શહેર ઝગમગાર કરવા માંડે છે. અને અહીં તો દિવસ પણ જલ્દી આઠમે છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો અંધારું થઇ જાય છે અને એટલે ત્યારથી વીજળીના ઝગમગારે લંડન દીપી ઉઠે છે.

લગભગ દોઢ મહિના પહેલાથી આ તહેવારની આટલી રોનક જામી ગઈ છે તેનું કારણ એ છે કે યુકેનો સૌથી મુખ્ય તહેવાર જ નાતાલ છે. આપણે ભારતમાં અનેક ઉત્સવો આવતા હોવાથી તેની ઉજવણી પણ વર્ષભર વહેંચાયેલી રહે છે. કોઈ એક તહેવાર ધામધૂમથી ઉજવે તો કોઈ બીજો. પરંતુ અહીં તો આખા દેશ માટે નાતાલ એટલે સૌથી મોટો તહેવાર. આ સમયે જ ડિસ્કાઉન્ટ આવે અને એટલે લોકો ખરીદી કરવા ઉમટી પડે. એક સમય તો એવો હતો કે બ્લેક ફ્રાઈડે અને બોક્સિંગ ડે ના ડિસ્કાઉન્ટ માટે લોકો મોડી રાતથી જ , સવાર પડતા પહેલા જ દુકાનો બહાર લાઈન લગાવીને ઉભા રહેતા. હવે ઓનલાઇન શોપિંગ આવતા આ ટ્રેન્ડ થોડો ઘટ્યો છે. પરંતુ લોકો સારા ડિસ્કાઉન્ટની રાહ તો જરૂર જુએ છે અને તેમને વળતર પણ મળી રહે છે તેમાં કોઈ શંકા નથી. સારા પ્રમાણમાં મળતા ડિસ્કાઉન્ટથી લોકોની ઘણી બચત થઇ જાય છે. અને તે બચતના પૈસાથી લોકો બીજું કૈક ખરીદી લે છે!

કેટલાય સ્પેશિઅલ કાર્યક્રમોનું આયોજન થાય છે. અનેક જગ્યાએ મેળા લાગે છે. હાઇડ પાર્કમાં વિન્ટર વન્ડરલેન્ડ નામે એક આખો મેળો લગાવાયો છે જે ૨૧ નવેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં દુનિયાભરની રાઇડ્સ, ગેમ્સ અને મનોરંજનના કાર્યક્રમો આવશે. કરોડો રૂપિયાના ખર્ચે આ હંગામી માળખું ઉભું થઇ રહ્યું છે. મોટા મોટા ચકડોળ અને બીજા માળખાઓ ખડકાઈ ગયા છે. સારા સારા કલાકારો આ સમયે પોતાના પરફોર્મન્સ આપશે અને લોકો તેનો આનંદ માણશે.

નવા વર્ષ સુધી આ બધું ચાલશે અને ત્યારબાદ સૌ પોતપોતાના કામે લાગશે. લગભગ ડિસેમ્બરના બીજા સપ્તાહથી આ તહેવારનો માહોલ જામશે અને લોકો રજા પર જવા માંડશે. પરંતુ આ નાતાલ અને નવું વર્ષ રાજકીય ક્ષેત્રે કોની નાતાલ સુધારશે અને કોને નવા વર્ષમાં નવી સરકાર બનાવવાની તક આપશે તે તો ૧૨મી ડિસેમ્બરે યોજાનારી યુકેની ચૂંટણીના પરિણામો જ બતાવશે.

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *