નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન દ્વારા એક વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સંસ્થાના હોદેદારો ઉપરાંત લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા, લોર્ડ રામી રેન્જર વગેરે પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મંત્રી મહોદય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ પધારેલા. ભારતીય ઉચ્ચાયોગમાંથી મિનિસ્ટર કો-ઓર્ડિનેશન શ્રી મનમીત સીંગ નારંગ અને આ લેખકને પણ વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવેલા.


મંત્રી મહોદયે તેમની મિત્તભાષી શૈલીમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ ‘ગુજરાતીપણા’ ને જાળવવા, સંભાળવા અને તેમને સમૃદ્ધ બનાવવા આહવાન કર્યું. કવિ કાગની પંક્તિઓ ટાંકીને, રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા ઝવેરચંદ મેઘાણીનો દાખલો લઈને શ્રી રૂપાલાએ કહ્યું કે માતૃભાષા અને માતૃભૂમિ માટે પ્રેમ, આદર અને સમ્માનની ભાવના આવનારી યુવા પેઢીઓમાં પણ ભારોભાર સિંચાય તે માટે વડીલો, લોક્નાયાકો અને સંગઠનોએ મહેનત કરવાની જરૂર છે. ગુજરાતીઓએ ઉમદા કામ કરીને જે રીતે યુકેના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ફાળો આપ્યો છે તેને બિરદાવ્યો અને એમની પાસેથી ભારત અને ગુજરાતને પણ ઘણું શીખવા મળે છે તેના માટે આભાર વ્યક્ત કર્યો. દેશદાઝ અને સ્વભૂમિ વિકાસ માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ કેવી રીતે મદદરૂપ થઇ શકે તેના અંગે પણ ટૂંકમાં ચર્ચા થઇ. 
ગુજરાતીઓ એ માત્ર ભારત અને યુકેમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં ખુબ સારી નામના કાઢી છે. તેમની કીર્તિ, સમ્માન અને સમૃદ્ધિ માત્ર અને માત્ર તેમના મહેનતુ સ્વભાવ, પ્રમાણિકપણા, વ્યાપારસૂઝ અને ઝોખમ ઉઠાવવાની વૃત્તિને આભારી છે. 

ગુજરાતીઓ ઓગણીસમી સદીની શરૂઆતથી ઢોવ/ધોવ લઈને અખાતના દેશોમાં અને ત્યાંથી પણ આગળ પૂર્વ આફ્રિકાના દેશોમાં સફર કરતા. 1850-60 ના દાયકામાં વહાણોમાં બેસીને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના પશ્ચિમ કિનારેથી સફર ખેડીને પૂર્વ આફ્રિકામાં વસવાટ કર્યો. આફ્રિકાના દેશોમાંથી જયારે ૧૯૭૦ના દાયકામાં પ્રસ્થાપન કરવું પડ્યું અને તેઓ યુકેમાં આવીને વસ્યા ત્યારથી અત્યાર સુધીમાં અહીં ફરીથી તેઓ સ્થાપિત થઈને માત્ર સેટલ જ નહિ પરંતુ સમૃદ્ધ બન્યા છે. શઢવાળા વહાણની સમુદ્રી સફર જેવી આ ગાથા વિશાળ સમુદ્રમાં પવનની દિશા સાથે હિલોળા લેતી લેતી આજે કિનારાની બુલંદીઓ સુધી પહોંચી છે. તે ન માત્ર અહીં વસતા ગુજરાતીઓ પરંતુ ભારત અને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. 


યુકેમાં લગભગ ૭-૮ લાખ ગુજરાતીઓ હોઈ શકે. શક્ય છે વધારે પણ હોય. તેમના અનેક સંગઠનો છે અને તેઓ પોતપોતાની ક્ષમતા પ્રમાણે સમુદાયનો અને સંસ્થાનો વિકાસ કરવાના પ્રયત્નો કરે છે. કેટલાક માત્ર સાંસ્કૃતિક કાર્યો કરે છે જયારે કેટલાક આર્થિક અને રાજકીય રીતે પણ સક્રિય છે. આ બધા સંગઠનો પોતપોતાના સભ્યો અને તેના યુવાન સંતાનો સુધી ગુજરાતીપણું પહોંચાડે અને વિકસાવે તે જરૂરી છે. બધાએ સાથે મળીને કામ કરવું અને એક ઉદ્દેશ્ય સાથે આગળ વધવું જરૂરી છે. નેતાગીરીની હોડમાં અલગ અલગ સંગઠનો ઉભા કરીને પોતપોતાના વૃંદમાં રચ્યા રહેવું આખરે ગુજરાતીઓની ગરિમાને નુકશાન જ પહોંચાડશે. જો ભાષા, સંસ્કૃતિ, ધર્મ અને અને ઇતિહાસથકી જોડાયેલા આ ગુજરાતીઓ એકતાનો મહિમા નહિ સમજે અને લાકડીઓના ભારા માફક સાથે નહિ રહે તો જેમ છુટ્ટી લાકડીઓને તોડવી સરળ છે તેમ સંગઠનશક્તિના અભાવે તેઓને તોડવા અને શોષિત કરવા આસાન થઇ પડશે. ખાસ કરીને વિદેશી ધરતીને પોતાની બનાવી વસેલા ગુજરાતી ભાઈઓ અને બહેનો આ વાતને સમજે એ જરૂરી છે. મહત્ત્વની વાત તો એ છે કે આજે ભારતનું સશક્ત નૈતૃત્વ પણ એક ગુજરાતીના હાથમાં છે અને દેશભરમાં એકતા સ્થપાઈ રહી છે ત્યારે આ સંદેશ વિશ્વભરના ગજરાતીઓ માટે મહત્ત્વ ધરાવે છે.


ગુજરાતીઓના લગભગ ૧૦૫ સંગઠનો યુકેમાં છે અને તેમને બધાને સાથે લઈને વિકાસયાત્રા શરુ કરવાની જરૂર છે તેવું આ સંગઠનના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી વિમલજી ઓડેદરાએ કહ્યું. સંગઠનના પેટ્રન શ્રી સી.બી. પટેલે મંત્રી મહોદયને વિશ્વાસ અપાવ્યો કે તેમના શબ્દો ફળદ્રુપ જમીન પર વેરેલા બીજની જેમ ઝીલાય છે અને તેના એક એક દાણામાંથી સેંકડો દાણા નીકળે તેમ આ સંદેશનો પ્રચાર, પ્રસાર જ નહિ પરંતુ દ્રઢ પણે અમલ પણ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી કૃષ્ણ પૂજારાએ ખુબ સરસ રીતે સાંભળેલું. લોકોએ બધા વક્તાના વક્તવ્યો ખુબ આનંદથી સાંભળ્યા. 

Don’t miss new articles