સામાન્ય રીતે ગુજરાતીઓ શેરમાર્કેટમાં સક્રિય રસ ધરાવતા હોય છે અને તેના ચડાવ ઉતાર અંગે ચર્ચા કરતા રહેતા હોય છે. સમયે સમયે શેરમાર્કેટમાં તેજી અને મંદી તો આવ્યા કરે છે પરંતુ પરિપક્વતા ધરાવતો નિવેશક તેનાથી ઉતેજીત થતો નથી જયારે ટૂંક સમય માટે નિવેશ કર્યો હોય અથવા ભાવના તફાવતના આધારે નફો કમાવા મથતા નિવેશકોને મંદી આવતા જ પરસેવો છૂટી જાય છે. તેવું જ સમાજમાં અને આપણા જીવનમાં પણ થતું જોવા મળે છે. જે લોકો પોતાના મકસદમાં ઊંડાણથી ઉતરેલા હોય તેઓ જીવનમાં આવતી નાની મોટી સફળતા કે નિસ્ફળતાઓથી બહુ વિચલિત થતા નથી અને લાંબાગાળે શું પરિણામ જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત રાખે છે. તેની સામે ટૂંક સમયમાં ફાયદો મેળવીને આગળ વધી જવાની ઈચ્છા રાખનારા લોકો પોતાની સામે આવનારી અડચણોનો સામનો કરી શકતા નથી અને દુઃખી થઇ જાય છે.
શેરમાર્કેટમાં જે લોકોએ વ્યવસ્થિત રિસર્ચ કરીને, લાંબાગાળાનું લક્ષ્ય રાખીને નિવેશ કર્યો હોય તેને માર્કેટ એક-બે મહિના મંદીમાં ચાલે તો પણ કોઈ ચિંતા કરવા જેવું હોતું નથી કેમ કે તેઓએ જે સ્ક્રીપટમાં ઈન્વેસ્ટ કર્યું હોય છે તેનું લાંબાગાળાનું વળતર સારું જ હોય છે. તેવી જ રીતે માણસ પણ જે ક્ષેત્રમાં પોતાના જીવનની સફળતાનાં દાવ લગાવીને બેઠો હોય તેની લાંબાગાળાની પ્રસ્તુતતા અંગે ચિંતા કરવા જેવું હોતું નથી. જો કે આ બંનેમાં આવશ્યક એ છે કે વ્યક્તિએ પોતાની રિસર્ચ સારી રીતે કરી હોય, નહિ કે કોઈના તરફથી મળતી ટીપના આધારે શેરમાર્કેટમાં રોકાણ કર્યું હોય કે પછી કોઈની સલાહ કે દબાણને કારણે જીવનમાં કોઈ ક્ષેત્રની પસંદગી કરી હોય.
માણસે પોતાની કારકિર્દી કે નિવેશ માટે જ નહિ પરંતુ સુખ-દુઃખ અને આધ્યાત્મિકતા અંગે પણ આવો જ અભિગમ કેળવવો જોઈએ. ક્ષુલ્લક સફળતાઓથી છકી જવું કે પછી નાની અડચણોને કારણે નાસીપાસ થઇ જવું એ પરિપક્વ વ્યક્તિને છાજતું નથી. શેરમાર્કેટમાં જયારે અચાનક જ કોઈ શેરનો ભાવ ઊછળવા લાગે ત્યારે તેમાં બાયર્સ સર્કિટ લાગી જાય છે અને જયારે ભાવ તૂટવા લાગે ત્યારે સેલર્સ સર્કિટ લાગે છે જેથી કરીને એ શેરમાં વધારે ખરીદ કે વેચાણ ન થાય. તેનો હેતુ એ હોય છે કે શેરની આવી અચાનક હિલચાલને નિયંત્રણમાં રાખવામાં આવે. તેવી જ રીતે જો વ્યક્તિ અચાનક સફળતાથી આસમાનમાં ઉડવા લાગે કે પછી દુઃખમાં ગરકાવ થઈને હતોત્સાહ થવા લાગે ત્યારે પણ સર્કિટ જેવી નિયંત્રણ વ્યવસ્થા હોય તો કેટલું સારું? જો આવું થાય તો લોકો સફળતાનાં મદમાં આવીને કોઈનું નુકશાન કરતા બચી જાય તથા નિષ્ફળતામાં આત્મહત્યા ન કરે.
ઉપરાંત, જેમ શેરમાર્કેટમાં પણ કેટલાક બ્લુચીપ શેર હોય છે જેનું ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોવાને કારણે તેમાં નુકશાન થવાની શક્યતા નહિવત હોય છે, અને લાંબાગાળે તે ફાયદો જ કરાવે છે. એવી જ રીતે જીવનમાં કારકિર્દીમાં પણ કેટલાક એવરગ્રીન ક્ષેત્ર છે જેમાં માણસ મહેનત કરે તો સફળતા મેળવી જ લે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી આપણે પોતાની મૂડી કોઈ ફંડ મેનેજરને તેના વિવેક પ્રમાણે માર્કેટમાં રોકવા માટે આપીએ છીએ અને તેમાં નુક્શાનની શક્યતા ઓછી છે તેવું માનીએ છીએ. આવું જ કારકિર્દીની બાબતમાં નોકરી વિષે કહી શકાય કે જેઓ મોટી કંપનીમાં કે સરકારી નોકરી કરતા હોય તેઓ મ્યુચ્યુઅલ ફંડ જેવો નિવેશ કરે છે. તેમની આવડત અને મહેનત તેઓ કંપની કે સરકારને આપે છે અને પોતે પગાર મેળવીને ખુશ રહે છે તથા પોતાના માટે આવકની સલામતી અનુભવે છે.
સ્પષ્ટ છે કે આ આર્ટિકલ વાંચનારા ગુજરાતી જ હોવાના એટલે તેઓને શેરમાર્કેટ સાથેની આ સરખામણી થોડી રમુજી પણ લાગશે અને સમજમાં પણ આવી જશે!