નાતાલ અને નવું વર્ષ નજીક આવી રહ્યા છે. આખા વિશ્વમાં અત્યારે રજાનો માહોલ છે. યુરોપિયન અને બીજા ખ્રિસ્તી દેશોમાં તો મોટાભાગની ઓફિસ બંધ થઇ ગઈ છે. લોકો નાના-મોટા વેકેશનની તૈયારી કરી રહ્યા હશે. શું તમે પણ આ રજાઓને કેવી રીતે વિતાવવી તેનું કોઈ આયોજન કર્યું છે?

આમ તો આપણે બાળપણમાં કહેતા કે ‘રજા એટલે મજા’ પરંતુ શું તે વાત આજે પણ આપણા સૌને માટે સાચી છે? ક્યારેય તમે એવું અનુભવ્યું છે કે રજાઓનો પણ પોતાનો આગવો સ્ટ્રેસ હોય છે, તે એક પ્રકારનો તણાવ ઉભો કરે છે. નવાઈ લાગે છે? વિચારી જુઓ કેટલીયવાર રજાઓમાં શું કરવું? ક્યાં જવું? કેવી રીતે સમય પસાર કરવો? કેવી રીતે પરિવાર ખુશ થાય તેવું આયોજન કરવું? વગેરે પ્રશ્નો તમને પરેશાન કરતા હશે. આવા રજાઓના તણાવને કારણે કેટલાક લોકો મનમાં એવું પણ વિચારતા હોય છે કે આના કરતા તો રજાઓ ન આવે તે જ સારું. કેટલાક લોકો માટે રજા એટલે એવો ખર્ચાળ સમય જયારે તેમની થોડી ઘણી બચત હોય તે પણ બાળકો, પરિવાર અને મિત્રોમાં ખર્ચાઈ જતી હોય છે. વળી અમુક લોકોને તો રજાઓ પછી જે કામ એકઠું થઇ જાય, ફરીથી કામ શરુ કરવામાં જે આળસ આવે તે પણ પજવતી હોય છે.

રજાઓનો આ માહોલ તમારા માટે પણ શું કોઈ પ્રકારનો તણાવ લઈને આવ્યો છે? હોઈ શકે પરંતુ જો તમે ઘરમાં કોઈને કહો કે તમને રજાનો સ્ટ્રેસ થઇ રહ્યો છે તો ઝગડો થાય તે પાક્કું જ. ‘શું અમારી સાથે રહેવું ગમતું નથી?’ આવા આક્ષેપ સાથે તરત જ ઘરના લોકો તમારી માથે ચડી બેસે. સૌ હસતું મોઢું રાખીને રજા છે, રજા છે તેવું બોલ્યા કરતા હોય ખરા પરંતુ ઘરમાં એકાદ વ્યક્તિ તો જરૂર હોય જેને આપણે આ પ્રકારનો તણાવ આપતા હોઈએ છીએ. જો આપણે સૌ રજાને સારી રીતે માણવા ઇચ્છતા હોઈએ અને પરિવારના કોઈ વ્યક્તિ પર આવી અણકહી વ્યગ્રતા ઉભી કરવી ન હોય તો રજાના સમયનું આયોજન કરવામાં સૌએ સાથે બેસવું જોઈએ અને વાતચીત કરીને સૌની સહમતી હોય તેવો પ્લાન બનાવવો જોઈએ. માત્ર બાળકોને ગમે તેવું કે પત્નીને પસંદ હોય કે વૃદ્ધ માતા-પિતાને છાજે તેવું કે પછી પરિવારના પુરુષોની મરજીમાં આવે તેવું આયોજન કરવાથી કોઈના મનમાં તો અણગમો થાય જ.

વળી, જયારે રજાઓ અંગે આયોજન કરીએ ત્યારે ઘરની આર્થિક સ્થિતિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એ વાત તો સૌ જાણીએ જ છીએ કે રજાના દિવસોમાં હોટેલ, ફ્લાઇટ કે ટ્રેનની ટિકિટ વગેરે ખુબ મોંઘા થઇ જાય છે, તેથી જો પોસાય તેમ ન હોય અને બચતમાં મોટો ખાડો પડે તેમ હોય તો આ સમયે બહાર ફરવા જવાનું ટાળી શકાય. અથવા તો પહેલાથી જ બધું બુકીંગ કરી લેવાય જેથી કરીને બે-ત્રણ ગણી કિંમત ચૂકવવી ન પડે. મોટાભાગના લોકો રજાના દિવસોમાં ફરવા જાય એટલે દેખાદેખી કરીને પોતાની આર્થિક પરિસ્થિતિ કરતા વધારે ખર્ચ કરનાર પરિવાર કોઈ જ રીતે ફાયદામાં રહેતો નથી.

બીજી ધ્યાન આપવા જેવી બાબત એ પણ છે કે ઘણીવાર રજાઓમાં આપણે એટલો વ્યસ્ત કાર્યક્રમ બનાવી લેતા હોઈએ છીએ કે જે સભ્ય કામ કરતો હોય અને રોજની ઓફિસ, કારખાના કે ધંધાની જવાબદારીમાંથી થોડા દિવસ મુક્ત થઈને શાંતિથી રહેવા ઈચ્છતો હોય તેને આરામ મળવાને બદલે દોડધામ થઇ જાય છે. તે વ્યક્તિનો પણ વિચાર કરીને એવું આયોજન કરવું જોઈએ કે તેને થોડોઘણો આરામ મળી રહે અને તેની ઈચ્છાઓ, શોખ વગેરે પણ આ સમયમાં તે પુરા કરી શકે. તેને ફિલ્મ જોવી ન ગમતી હોય અને પરિવારના લોકો પરાણે તેને થિએટરમાં ખેંચી જાય તો એ પણ એક રીતે તો તેના માટે જવાબદારી પુરી કરવા જેવી સ્થિતિ થઇ કહેવાય. તેના પર ફરવા જવાની અને લાબું ડ્રાઇવિંગ કરવાની, સામાનના બિસ્તરા ઉપાડીને હોટેલના રૂમમાં ગોઠવવાની, અને પછી પાણીની બોટલ, નાસ્તાના પેકેટ વગેરે ઉઠાવીને પરિવારના અન્ય લોકોની ઈચ્છા હોય ત્યાં સાથે ફરવાની જવાબદારી નાખીને શું આપણે તેને રજાઓ માણવા દઈએ છીએ કે પછી રજાઓમાં પણ એક કામ સોંપીએ છીએ તેનો વિચાર કરવો જોઈએ. રજા એટલે રેસ્ટ – આરામ કરવાનો સમય. લાંબા સમયથી કામ કરીને વ્યક્તિનું શરીર થાકતું હોય એટલા માટે તેને અઠવાડિયામાં એકાદ દિવસ, વરસમાં એકાદ અઠવાડિયું રજા મળે છે. તે સમયે તે શારીરિક રીતે, માનસિક રીતે અને પારિવારિક તેમજ સામાજિક રીતે પોતાની જાતને ફરીથી તાજીમાજી કરી શકે તેવો ઉદેશ્ય હોય છે. તેને બદલે આપણે હવે સમાજમાં દેખા દેખીને કારણે રજાઓને તણાવયુક્ત બનાવવા લાગ્યા છીએ અને પરિણામે રજાઓ પુરી થતા સુધીમાં તો આપણને આરામ કે તાજગીને બદલે થાક અને સ્ટ્રેસ થઇ જાય છે. તો આ વખતે રજાઓને સરળતાથી, શાંતિથી, આરામદાયક રીતે, કોઈની દેખાદેખીમાં આવ્યા વિના, તમારા પરિવારને માફક આવે તેવી રીતે માણી શકો તેવો પ્રયત્ન કરજો.

Don’t miss new articles