કેટલાક લોકો ખુબ સારા હોય છે. ખુબ સારા એટલે એવું કહોને કે તેમનામાં કોઈ અવગુણ હોતો જ નથી. બધા સારા સારા ગુણો તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય અને તે સદ્ગુણોનો લાભ તેમની આસપાસ રહેતા બધા લોકોને વારંવાર થતો હોય. એવા સારા લોકો કે જે ક્યારેય કોઈને ખરાબ લાગે તેવું બોલે જ નહિ. કોઈનું મન દુભાવે જ નહિ. ક્યારેય કોઈની સાથે વાદવિવાદમાં ઉતરે જ નહિ. વાદવિવાદ તો શું ક્યારેય દલીલેય ન કરે અને ક્યારેય મતભેદ પણ ન ધરાવે. જે કોઈ તેમની સાથે હોય તેમને અનુકૂળ સ્વભાવ ધરાવે અને તેમને ગમતી વાતો કરે. તમે આવા સારા લોકો જોયા છે?

આ, આજના જમાનામાં કેટલાય લોકો આવા ‘સારા’ બનીને ફરતા હોય છે. તેમના સારાપણાની કદર કરતા હોવા છતાં એક પ્રશ્ન જરૂર થાય. એવું કેવી રીતે શક્ય છે કે તેમને ક્યારેય કોઈ વાત પર ગુસ્સો ન આવે, ક્યારેય કોઈની સાથે વિચારભેદ ન થાય, મંતવ્યો અલગ ન પડે, કે ક્યારેય કોઈને કોઈ જ કામની ના ન કહે? એવું શક્ય છે ખરું કે કોઈ આટલું સારું હોય? એક મનોવૈજ્ઞાનિકે કરેલા સંશોધન અનુસાર, આવા સારા દેખાતા માણસો ખરેખર એક કવચ પહેરીને ફરતા હોય છે. તેઓ આ સારાપણાના કવચમાં રહે છે અને તેમાં જ તે સુરક્ષિત અનુભવે છે. તેઓ ક્યારેય કોઈને પણ અપ્રિય થવા ઇચ્છતા નથી. એટલે જ ક્યારેય તેઓ ખરાબને પણ ખરાબ કહેતા નથી અને કોઈની ખોટી વાતનો પણ વિરોધ કરતા નથી. બહુ બહુ તો આવા સમયે તેઓ આંખ આડા કાન કરી લે છે.

મનોવૈજ્ઞાનિક વિશ્લેષકનું કહેવું છે કે આવા સારા બનીને રહેતા લોકો વાસ્તવમાં ખરાબ હોતા. પરંતુ તેમની સારા બનીને રહેવાની ઈચ્છા, તેમની હંમેશા સારપ બતાવવાની ઈચ્છા તેમને પોતાના વિચારો, મંતવ્યો અને લાગણીઓને પ્રામાણિક રીતે વ્યક્ત કરવા દેતા નથી. જેમ કે આવા વ્યક્તિ કોઈની લાગણી ન દુભાય એટલે, અથવા તો કોઈની સાથે સંબંધ ન બગડે એટલા માટે થઈને ક્યારેય તેમની ભૂલ બતાવવા કે તેમને સૂચન આપતા અચકાય છે. આવા મિત્રો વાસ્તવમાં આપણું ભલું કરવા માટે થઈને પણ આપણને ન ગમે તેવો અભિપ્રાય આપતા અચકાય છે. સૌ જાણે છે કે રોગને મટાડવા કડવી દવા આપવી પડે, પણ આવા સારા વ્યક્તિઓ કદાચ કડવી દવા ન આપી શકે અને એટલા માટે તેઓ કોઈનો રોગ દૂર ના કરે શકે તેવું બને?

આવા વ્યક્તિઓનું બીજું પાસું એ છે કે તેઓ પોતાના જીવનમાં કેટલાય અધૂરા ખ્વાબ લઈને જીવતા હોય છે. પોતાની ઈચ્છાઓ અને લાગણીઓને તેઓ ક્યારેય વ્યક્ત ન કરી શકતા હોવાથી તેમના માટે કોઈ પ્રયત્ન કરી શકતા નથી. ક્યારેક તો આવા વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પણ ન કરી શકવાને કારણે લાગણીના દરિયામાં પગ પણ મૂકી શકતા નથી. તેમને એક ડર લાગ્યા કરે છે કે જો કોઈને ખોટું લાગશે તો? જો તે ઇન્કાર કરી દેશે તો? શું હું તેમના મનમાંથી ઉતરી જઈશ? શું હું તેમને હંમેશને માટે ગુમાવી દઈશ? આવું વિચારીને તેઓ કોઈને પ્રપોઝ કરતા પણ અચકાય છે.

આ લોકો અંદરથી પોતાની જાતને કમજોર માનતા હોવાથી તેઓ બહારથી કોઈ જ ઘર્ષણ કે વિવાદ કરવા માંગતા ન હોવાને કારણે જ આટલા બધા બચાવથી વર્તન કરતા હોય છે તેવું આ સંશોધન કહે છે. વ્યક્તિની આ કમજોરીનું એક કારણ તેમના ભૂતકાળના અનુભવ હોઈ શકે અને બીજું કારણ સમાજમાં પોતાના નામને, ઈજ્જતને અને લોકપ્રિયતાને ધક્કો ન લાગે તેનો ડર હોઈ શકે. શું કોઈ આવા ડરથી જીવીને, પોતાના વ્યક્તિત્વ પર સારપનું એક કવચ ચડાવીને જીવનભર રહી શકે? શું તેઓ આખું જીવન આમ જ જીવી શકે? આ પ્રશ્ન વધારે અગત્યનો છે. કારણ કે અભ્યાસ દ્વારા એવું પણ જણાયું છે કે ક્યારેક આવા સારા લોકો અંદરથી તૂટી જાય છે અને તેને કારણે ડિપ્રેશનમાં જાય છે. આવી વ્યક્તિઓ પોતાની જાતને એટલા ગાર્ડ કરીને રાખે છે કે કોઈને પોતાની વધારે નજીક તો આવવા દેતી નથી. તેઓ હંમેશા જ તો એક કવચ, મુખોટામાં રહે છે. પોતાની ખામીઓ, ક્ષતિઓ અને કમજોરીઓને કોઈની સામે છતી કરતા અચકાય છે.

આખરે, એટલું તો સ્પષ્ટ છે કે આવા સારા બનીને રહેતા વ્યક્તિઓ હોય તો સારા જ છે. તેઓ કોઈનું નુકશાન કરવા ઇચ્છતા નથી. પરંતુ પોતાની સારપ બનાવી રાખવામાં ઘણીવાર પોતાનું જ નુકશાન કરી બેસે છે.

Don’t miss new articles