ગઈકાલે યુકેની બે રેલ સેવા આપનારી કંપનીઓ તરફથી ઇમેલ આવ્યા. બન્નેમાં એક જ વાત. વાંચીને ઘણું જ આશ્ચર્ય થયું, શોક પણ લાગ્યો, અને સાથે સાથે એક વિચાર પણ મગજમાં આવ્યો. બન્ને રેલ સેવા આપનારી કંપનીઓએ લખેલું કે 18 અને 19 જુલાઈના દિવસોમાં અતિ-ઉચ્ચ તાપમાન નોંધાવાનું હોવાથી તેમની ટ્રેન સેવાઓમાં વિલંબ થઈ શકે. યાત્રીઓને મુસાફરી અગાઉથી આયોજિત કરવાની સલાહ આપી હતી. આપણે જાણીએ છીએ કે જ્યારે ગરમી વધે ત્યારે રેલ્વનાં પાટાનું વિસ્તરણ થાય છે એટલા માટે જ પાટાનાં સાંધાઓમાં થોડી જગ્યા છોડવામાં આવે છે. જે તે દેશમાં અનુમાનિત ગરમી અને ઠંડીના પ્રમાણમાં રેલવે લાઈન અને બીજી બધી સુવિધાઓનું પ્લાનિંગ કરવામાં આવ્યું હોય છે. યુકેમાં પણ રેલવે લાઇનમાં સાંધાઓ વચ્ચે જગ્યા તો છોડવામાં આવી જ છે પરંતુ 18 – 19 જુલાઈનાં દિવસોમાં જે હવામાનની આગાહી છે તે તાપમાનનાં રેકોર્ડ્સ કરતા ઘણી ઊંચી હોવાથી કદાચ રેલવે લાઇન્સ પર તેની અસર વધારે થાય અને એટલા માટે ટ્રેન અટકાવવી પડે, કે ધીમી કરવી પડે.

યુરોપના દેશોમાં પણ આ રીતે ગરમીનો ત્રાસ વધી રહ્યો છે અને તેનાથી ન માત્ર અગવડ અને વ્યક્તિગત પરેશાની ઊભી થઈ રહી છે પરંતુ સાથે સાથે બધી જ માળખાગત સુવિધાઓને લગતી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. આ દેશોમાં સામાન્ય રીતે ઘરમાં પંખા કે AC હોતા નથી. ત્યાં માત્ર હિટિંગ સિસ્ટમ રાખવામાં આવતી હોય છે કેમકે વર્ષના મોટાભાગનો સમય તો ઠંડી જ રહે છે. પરંતુ હવે ધીમે ધીમે ત્યાં પણ એટલી ગરમી તો રહે જ છે કે લોકોએ પંખા રાખવા પડે. આશ્ચર્ય તો એ વાતનું છે કે નવી બનતી ઇમારતોમાં લોકો AC પણ ફીટ કરી રહ્યા છે. વર્ષમાં ભલે થોડા જ દિવસોની વાત હોય પરંતુ જે રીતની ગરમી પડવા લાગી છે તે સહેવાય તેવી નથી. ઉપરાંત ત્યાં સૂર્યથી અંતર ઓછું હોવાને કારણે સૂર્યપ્રકાશ બહુ જ તીક્ષ્ણ છે અને તેમાંથી આવતા અલ્ટ્રા વાયોલેટ કિરણો ઘણા નુકસાનકારક હોય છે. ત્યાં લોકો ને સ્ક્રીન લોશન વધારે લગાડવું પડે છે અને તે દેશોમાં ત્વચાનું કેન્સર થવાના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે.


યુરોપ જેવા દેશોમાં આ એક નવી સમસ્યા છે. ત્યાં સામાન્ય રીતે તો ઠંડીની સમસ્યા રહેતી અને ઉનાળો તેમના માટે ખૂબ આહલાદક અને આરામદાયક રહેતો. એટલા માટે જ તો બ્રિટિશ સમરને સૌ વધાવતા, પરંતુ હવે તે એન્જોય કરવો પણ આસાન રહ્યો નથી. તેવું જ ધીમે ધીમે બીજા દેશોમાં પણ થઈ રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ડેથ વેલીમાં ફર્નેશ ક્રિક રાંચ નામની જગ્યા છે જ્યાં વિશ્વનું સૌથી વધારે તાપમાન નોંધાય છે. વર્ષ 1913માં ત્યાં 56.7 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયેલું અને અત્યારના આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ગયા વર્ષે ત્યાં 54.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને તેને વિશ્વનું સૌથી ઊંચું વિશ્વસનીય રીતે મપાયેલું તાપમાન ગણવામાં આવે છે. આ વર્ષે ચીનમાં પણ કેટલાય સ્થળોએ હિટ વોર્નિંગ આપવામાં આવી છે. તેવું જ બીજા દેશોમાં પણ બની રહ્યું છે. લન્ડનમાંથી પ્રસિદ્ધ થતા ગાર્ડિયન ન્યૂઝપેપરનાં એક આર્ટિકલમાં લખેલું કે કોવિડને કારણે વિશ્વભરમાં મુસાફરી ઘટી હોવાથી વાતાવરણમાં કાર્બનનુ પ્રમાણ ઘટવા છતાં તાપમાનમાં વિક્રમી વધારો નોંધાયો છે જે ચિંતાનું કારણ છે.

આપણે બધા એ વાત તો જાણીએ જ છીએ કે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવાકીય પરિવર્તનને કારણે વિશ્વમાં ગરમી વધી રહી છે અને પૃથ્વીનું સરેરાશ તાપમાન ઊંચું જઈ રહ્યું છે પરંતુ તેની જે અસરો સામે આવી રહી છે તે આપણે કલ્પી નહોતી. પહેલા તે માત્ર પુસ્તકીયું જ્ઞાન હતું જેના અંગે આપણે ચર્ચા કરતા અને AC વધારે ઠંડુ સેટ કરીને બેસી રહેતા. પરંતુ હવે તેની અસરો આપણા રોજબરોજના જીવનમાં પણ પ્રતિકૂળતાઓ ઉભી કરી રહી છે. જેમ કે ટ્રેનની સેવાઓમાં વિલંબ થવો અથવા તો અટકાયત થવી. એ વાત યાદ રાખવા જેવી છે કે જો હજી ગરમી વધશે તો ટ્રેનની માફક અન્ય ક્ષેત્રોમાં પણ તેની અસરો થશે. પાણીની પાઇપ, પેટ્રોલ પંપ, વાહનોની સુરક્ષા, ઘરના ઉપકરણો, દવાઓ, ખાદ્ય પદાર્થો વગેરે નિયત ટેમ્પરેચરમાં વધારે સારું કામ આપી શકે પરંતુ જો તાપમાન ઘણું વધી જાય તો તેના જ ગુણધર્મો બદલાઈ જાય અને પરિણામ આપણે વિચાર્યું પણ ન હોય તેવું આવી શકે. ટુંકમાં આપણી બધી જ વ્યવસ્થા ખોરવાઈ શકે. આ વિષય પર આપણે ગરમ પાણીનાં દેડકા જેવી વૃત્તિ કેળવી લીધી છે અને તે ચિંતાજનક છે.

Don’t miss new articles