ક્યારેક પીચ સારી ન હોય, બોલર ખતરનાક હોય ત્યારે બેટ્સમેને શું કરવું જોઈએ? ક્રિકેટના શોખીન લોકો જાણે છે કે આવા સમયે બેટ્સમેન વિકેટ ટકાવી રાખવાની કોશિશ કરે છે. જો બેટિંગ કરતી ટીમની વિકેટ ટકી જાય તો રન પણ બને છે. સાંજનો સમય હોય, પીચ ધીમી થઇ ગઈ હોય ત્યારે બેટ્સમેન વિકેટ ટકાવી રાખવાની કોશિશ કરે જેથી બીજે દિવસે રન બનાવી શકાય. ટેસ્ટ મેચમાં ઘણીવાર એવું થાય છે.

આ સમયે સુનિલ ગાવસ્કરની વાત યાદ આવે છે. તેઓ કહેતા કે હું જયારે પીચ પર જાવ ત્યારે એવો નિર્ણય કરું છું કે મારે બે દિવસ સુધી બેટિંગ કરવું છે. રન તો વિકેટ ટકાવી રાખો એટલે બનવાના જ. બ્રાઇન લારાનો ૨૦૦૪નો ઇંગ્લેન્ડ સામેનો એ મેચ યાદ છે જેમાં તેણે નોટ આઉટ રહીને ૪૦૦ રન બનાવેલા? તેણે ત્રણ દિવસ સુધી બેટિંગ કરેલું. આરામથી પોતાની વિકેટ ટકાવી રાખી અને ઉતાવળ કર્યા વિના, જયારે જયારે તક મળી ત્યારે રન બનાવ્યા કર્યા. આ રીતે ધીરજથી, આ વર્ષને પસાર થવા દો. વિકેટ ટકાવી રાખો.

૨૦૨૦નું વર્ષ આપણા સૌના માટે એવું જ છે. વિકેટ ટકાવી રાખજો, રન તો ૨૦૨૧માં પણ બની જશે. ગયા વર્ષના ડિસેમ્બરથી શરુ થયેલ કોરોનાનો ફેલાવો અત્યારે યુકેમાં તો ઘટી રહ્યો છે પરંતુ અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારતમાં હજી ખુબ ફેલાયેલો છે. યુકે કે અન્ય દેશો પણ સુરક્ષિત થયા ન કહેવાય કેમ કે કોઈની પાસે તેને અટકાવવા માટે વેક્સીન નથી. માટે કોરોના કોઈને પણ થઇ શકે છે, હજુ પણ.

ભારતમાં તો આ વર્ષે અનેક સમસ્યાઓ એકસામટી આવી પડી. શરૂઆત કોરોનાથી થઇ. ૩૦મી જાન્યુઆરીએ પહેલો કેસ સામે આવ્યો. ૩૦મેં મે સુધીમાં, એટલે કે ચાર મહિનામાં બે લાખ કેસ અને પછી દસ દિવસમાં એક લાખ કેસ થઇ ગયા. ઉપરાંત વાવાઝોડું આવ્યું. ભૂકંપ આવ્યો. તીડનું જૂથ આવ્યું અને એવી નાનીમોટી કેટલીય મુશ્કેલીઓ આ વર્ષમાં આવી. છેલ્લી ત્રિમાહી નબળી હોવા છતાં ગયા વર્ષે તો ૪.૨% જેટલો આર્થિક વિકાસદર ટકી રહ્યો પરંતુ આ વર્ષે શરૂઆત ખુબ નબળી થઇ છે. લોકોની નોકરીઓ જાય છે અને ધંધા બંધ થઇ રહ્યા છે.

તેવું જ બીજા દેશોનું પણ છે. યુકેની વાત કરીએ તો કેટલાય હજાર લોકોની નોકરીઓ ગઈ છે. કેટલાયના બિઝનેસ બંધ થઇ ગયા છે. ટેક્ષી ચલાવનારા, નાના રેસ્ટોરન્ટ વાળા, છૂટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવનારા લોકોને ખુબ તકલીફ વેઠવી પડી છે. અમુક સરકારી મદદ તો મળી રહે પરંતુ બધાય તો તેને લાયક ન હોય. આવા લોકોની પાસે કોઈ જ રોજગારની તક ન રહી.

કેટલાય લોકોના ઘરના કમાઉ વ્યક્તિએ જીવ ગુમાવ્યો. કોરોના થઈને જેમના જીવ ગયા તેમના પરિવારને પણ કેટલી તકલીફ. અને તેમાંય જો તે એકમાત્ર કમાઉ વ્યક્તિ હોય તો તો હવે પછી પરિવારની હાલત શું થશે તેની તો કલ્પના કરવી પણ દુઃખદ છે. સરેરાશ જોઈએ તો આ વર્ષ બધા લોકો માટે ખુબ ખરાબ રહ્યું છે. પીચ સારી નથી. વાતાવરણ સારું નથી. એક પછી ખેલાડી ક્લીન બોલ્ડ થઇ રહ્યા છે. રમતમાં ટકી રહેવું મુશ્કેલ છે, રન બનાવવાની તો વાત જ શું કરવી. સક્સેસ અને ગ્રોથ તો આવતા વર્ષે પણ થઇ શકશે. આ સમય જ ‘સર્વાઇવલ’નો છે, ‘ગ્રોથ’ નહિ.

ગુજરાત સમાચાર, યુકે , 20 જુન 2020, Pg 25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *