આપણે ફિલ્મોમાં, સમાજમાં, રમત ગમતમાં અને ઉદ્યોગના ક્ષેત્રમાં કેટલાય હીરોને જાણીએ છીએ. દરેક ફિલ્મમાં એક હીરો હોય છે. દરેક નવલકથામાં પણ એક નાયક હોય છે. ઇતિહાસમાં કેટલાય મોટા હીરો થઈ ગયા અને ભવિષ્યમાં પણ થશે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય જેને હીરો બનવાની લાલસા ન હોય. પ્રશ્ન એ છે કે હીરો બનવા માટે શું કરવું પડે? કેવી રીતે હીરો બની શકાય? અલગ અલગ લોકોનાં આ બાબતે અલગ અલગ મંતવ્યો હોઈ શકે.

એક કારણ એ હોઈ શકે કે કોઈ જન્મે જ એવી જગ્યાએ કે તેને આપોઆપ જ હીરો તરીકે સ્થાન મળી જાય. રાજાના ઘરે જન્મનાર રાજકુંવર અને રાજકુંવરી આવો દરજ્જો મેળવી લે છે. મોટા ઉદ્યોગપતિઓના ઘરે જન્મનાર બાળક પણ આ રીતે જ હીરો બની જાય છે. મોભાદાર સ્થાન ધરાવનાર કુટુંબમાં જન્મ લેનારને આવો ફાયદો તો જરૂર થાય જ છે. પરંતુ દરેક વ્યક્તિ તો રાજાના ઘરે કે ઉદ્યોગપતિનાં કુટુંબમાં જન્મતો નથી. છતાંય તેમના માટે પણ હીરો બનવું સંભવ છે.

ક્યારેક હીરો બહુ સામાન્ય સ્થિતિમાંથી પણ ઊભરી આવતા હોય છે. જેમ કે સામાન્ય મજૂરી કરતી વ્યક્તિને અચાનક લોટરી લાગી જાય તો પોતાના વર્તુળમાં હીરો બની જાય છે. કેટલાક લોકો પોતાની કળા અને આવડતને કારણે પણ હીરો બની જતા હોય છે. જેમ કે ભારતમાં ક્રિકેટરને આવું સ્થાન મળે છે. શાળાના દરેક ક્લાસમાં પણ એક કે બે વિદ્યાર્થીઓ એવા હોય છે જે સૌથી આગળ રહે છે અને હીરો ગણાય છે. તેઓ પોતાની મહેનતને કારણે અથવા તો તેમની આવડતને કારણે હીરો બની જતા હોય છે. તેઓ વધારે ધ્યાન આપીને અભ્યાસ કરતા હોય, નવી કલા શીખતા હોય કે આવડત કેળવતા હોય તેને કારણે હીરો ગણાતા હોય તેવું બને છે. કેટલાક લોકો પોતાના દેખાવને કારણે પણ હીરો ગણાય છે.

પરંતુ આ સૌથી અલગ, અને પ્રેરણાદાયી હોય છે ઝીરોમાંથી હીરો બનવાની સફર. તે સૌને પ્રભાવિત કરે છે અને તે છે સાચા હીરોની જર્ની. ગરીબ ઘરમાં જન્મીને, અભાવ છતાંય પ્રયત્નો થકી આગળ વધીને, પોતાની જ નહીં પરંતુ બીજાની ઝીંદગી સુધારનાર, લોકોનું ભલું કરનાર એક હીરો તરીકે ઊભરી આવે છે. લોકોને પ્રભાવિત કરી જાય છે. સમાજનું ભલું કરી જાય છે. શેરીમાં ક્રિકેટ રમીને દેશની કપ્તાની કરનાર કે છેવાડાના ગામડામાં જન્મેલ – રોજ ચાર કિલોમીટર ચાલીને શાળાએ જનાર બાળક દેશનો નોંધપાત્ર વૈજ્ઞાનિક બને ત્યારે સોનું હૈયું ગર્વથી હરખાય છે. તે સૌને માટે હીરો હોય છે.

ધીરુભાઈ અંબાણી જેવા ઉદ્યોગપતિ હોય, એલન મસ્ક જેવો સાહસવીર હોય કે જે દુનિયાએ વિચાર્યું ન હોય તેવું પગલું ભરે અને લોકોની નજરની મર્યાદાથી બહાર જઈને કંઈક નવું સ્થાપિત કરે તો તે પોતાના ક્ષેત્રનો હીરો કહેવાય. પરંતુ હીરો બનવા માટે કાંઈ આટલા મોટા ગજાના કામ કરવા કે મોટા પ્રમાણમાં પ્રખ્યાત થવું જરૂરી નથી. કેટલાય લોકો વગર પ્રચલિત થયે પણ હીરો જેવું કામ કરી જતા હોય છે. સૌરાષ્ટ્રની રસધાર વાંચો તો ગામે ગામે આવા હીરો મળી આવશે. તેઓ પોતાના સાહસથી કે વીરતાથી હીરો બની જાય છે.

જે માણસ પોતાની અંગત ખામીઓથી ઉપર ઉઠીને, સ્વાર્થથી પરે જઈને, સમાજ માટે, માનવજાત માટે, સૃષ્ટિ માટે કલ્યાણની ભાવના કેળવે તે વાસ્તવિક હીરો ગણાય. હીરો માત્ર પોતાના માટે નહીં, એવા લોકો માટે પણ લડે છે જેઓ કમજોર છે. જેઓને મદદની આવશ્યકતા છે તેમને મદદ કરે છે. તે પોતાની જાતને ખતરામાં મૂકીને પણ બીજાને બચાવે છે. અન્યાય સામે અવાજ ઉઠાવે છે. અને આ બધું કરવા માટે તેને શરીરથી મજબૂત હોવું, પહેલવાન હોવું જરૂરી નથી. તેનું મનોબળ મજબૂત હોવું જોઈએ. આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાત્મા ગાંધી. તેઓએ સુકલકડી શરીરથી, વગર હથિયારે પણ સ્વતંત્રતાની લડાઈ ચલાવી અને અંગ્રેજોને ભગાડ્યા. આવા હીરો સામાન્ય માન્યતાથી પરે હોય છે પરંતુ તેઓ જ સૌને માટે જીવતા હોય છે, સૌને માટે મરતા હોય છે.

હીરો બનવાની સફર આમ તો કોઈપણ ફિલ્મ જોઈને શીખી શકાય છે પરંતુ તેના કેટલાક મહત્ત્વના પગથિયાં જાણવાથી તમે પણ પોતાની આ મુસાફરી શરૂ કરી શકશો. પ્રથમ પગથિયું છે તમારી કમજોરી ઓળખો. બીજું પગથિયું છે પોતાની મંજિલ નક્કી કરો. ત્યાર બાદ માર્ગ નિર્ધારિત કરો. તે માર્ગે ચાલવા માટે આવશ્યક આવડત અને સંશાધનો જાણો. તેમને એકઠા કરો. પોતાનો નિશ્ચય દૃઢ કરીને ચાલી પડો તે સફરે. ચાલતા ચાલતા જે પ્રલોભનો આવે તેમને જીતતા જાઓ, તેમને તાબે થયા વિના સાચા માર્ગે ચાલ્યા કરો. થાકી જવાય, સફર મુશ્કેલ બને, તો પણ નિશ્ચય નબળો ન પડવા દેવો. પોતાનો અંગત સ્વાર્થ આ મુસાફરીમાં બાધા ન બને તેની કાળજી રાખો. જુઓ કેવી રીતે તમારી આ સફર તમને હીરો બનાવી દે છે. ક્ષેત્ર કોઇપણ હોય, હીરો માટે સ્થાન હોય જ છે.