વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી અને કેવી રીતે મળે તે આપણા રોજબરોજની ચર્ચાનો પ્રશ્ન છે. આ બાબત મોટાભાગે તો આપણે રાજકારણ, કાયદો અને વ્યવસ્થા તથા સામાજિક સંદર્ભમાં ચર્ચતા હોઈએ છીએ પરંતુ તેના સિવાય પણ અનેક રીતે વ્યક્તિ માટે અભિવ્યક્તિ આવશ્યક છે. માત્ર રાજકીય મંતવ્ય જાહેર કરવું, ધાર્મિક કે તાર્કિક વિચાર જાહેર કરવા તે જ અભિવ્યક્તિમાં શામેલ નથી. તેના ઉપરાંત વ્યક્તિ પોતાની લાગણી, પોતાની પ્રાથમિકતા અને પસંદગી, પોતાની કલા અને વ્યક્તિગત માન્યતાઓ પણ અલગ અલગ રીતે વ્યક્તિ કરતી હોય છે. ચિત્રકાર ચિત્ર બનાવીને, બાળક પોતાની કાલીભાષા અને સંકેતો વડે તથા લેખક શબ્દો વડે પોતે અનુભવે તે રજુ કરે છે. સામેની વ્યક્તિ તેને કેટલી સ્પષ્ટ રીતે સમજી શકે છે તે પણ અભિવ્યક્તિ પૂર્ણ થવા માટે આવશ્યક છે.

માનવી ગુફાઓમાં રહેતો ત્યારે પોતાની વાતને કઈ ભાષામાં વ્યક્ત કરતો હશે તે અંગે સંશોધન થયા છે અને કેટલીય જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે સાંકેતિક ભાષા, વિશિષ્ટ ઉચ્ચાર અને ચિત્રલિપિ દ્વારા આ સમયે અભિવ્યક્તિ થતી હોવી જોઈએ. ચિત્રલિપિ કેટલી સમૃદ્ધ હોઈ શકે અને તેનાથી અર્થ કેટલો સચોટ રીતે વ્યક્ત કરી શકાય તે આપણા માટે સમજવું અઘરું છે કેમ કે આપણે તેઓ ઉપયોગ કર્યો નથી. જે રીતે આપણે અત્યારે પ્રચલિત ભાષાનો ઉપયોગ સારી રીતે કરી જાણીએ છીએ તેવી જ રીતે શક્ય છે માનવી તે સમયે ચિત્ર અને સાંકેતિક લિપિનો ઉપયોગ કરીને બધા કામ પાર પડતો હોય. પરંતુ સમય સાથે સંચારના સાધનો અને માધ્યમો વિકસ્યા છે, જેનાથી આપણને ફાયદો જ થયો છે.

ફિલ્મો અને ટેલિવિઝનના માધ્યમથી આપણે કેટલી સરળ રીતે એક સ્થળે બનતી ઘટનાને બીજી સ્થળે જોઈ શકીએ છીએ, કેમેરામાં કેદ કરીને સાચવી શકીએ છીએ અને તેને એડિટ કરીને, તેમાં ફેરફાર પણ કરી શકીએ છીએ, તે અમુક સમય પહેલા તદ્દન ન માની શકાય તેવી વાત હશે. એક સમય એવો હશે કે આવા માધ્યમોની કલ્પના પણ નહિ કરી શકતી હોય. પરંતુ આજે જોઈએ તો આવા નવા ઉપકરણો વધારે ને વધારે પાવરફુલ બનતા જાય છે. આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન એટલું શક્તિશાળી ઉપકરણ છે કે જેટલું એક સમયે સુપર કોમ્પ્યુટર પણ નહોતું. હથેળીમાં આવી જાય તેટલા કદનું એ નાનું ઉપકરણ ખુબ જ અસરકારક અભિવ્યક્તિનું માધ્યમ બની ગયું છે. તેમાં ટેલિફોન, ટીવી, ફિલ્મ-થીએટર, પુસ્તક અને બધું જ સમાઈ ગયું છે, જેનાથી આપણી અભિવ્યક્તિની ક્ષમતા વધી છે.

જો કે આપણે સંસાધનોની સમૃદ્ધિને કારણે બાહ્ય અભિવ્યક્તિ તો ખુબ સરળ રીતે, ઝડપથી અને અસરકારક બનાવી શક્ય છીએ પરંતુ આપણી આંતરિક અનુભૂતિને વ્યક્ત કરવાનું, અનુભવવાનું કદાચ ભૂલી રહ્યા છીએ. જે લોકો આખો દિવસ દોડધામમાં રહેતા હોય, કામમાં વ્યસ્ત રહેતા હોય અને એક પછી એક બીજા પ્રોજેક્ટમાં મંડ્યા રહેતા હોય તેઓ બહારના સંકેતો તો સમજી જાય છે પણ ક્યારેક આંતરિક સૂચનાઓને અનુસરવાનું ચુકી જાય છે અને પરિણામે નર્વસ બ્રેકડાઉન, ઈમોશનલ કોલેપ્સ થવાના કિસ્સાઓ આપણી સામે વધી રહ્યા છે. શું આ સફળ વ્યક્તિઓ, કે જે પોતાના પ્રોફેશનમાં ટોંચ પર પહોંચી ગયા હોય છે તેઓ પોતાની અંદરની ઊંડામાં જરાય નહિ ઉતારી શકતા હોય? જયારે વ્યક્તિનું જીવન ભૌતિકતામાં અટવાય ત્યારે તેની સાત્વિકતા અને સંવેદનશીલતા ઘટી જતી હોય છે? કે પછી તેની અભિવ્યકતી કરવાનું અને સમજવાનું ચુકી જવાય છે? શું આપણી બધી જ સંચારક્ષમતા વ્યક્તિએ પોતાનાથી દૂર કરી રહી છે? જેનાથી ભૌગોલિક અંતર ઘટ્યું છે, વિશ્વ એક ગામડું બન્યું છે, તે સંચારક્ષમતાનો ઉપયોગ આપણે પોતાની જાત સાથે સંવાદ સાધવા નથી કરી શકતા?

આ પ્રશ્ન પર વિચાર કરીએ ત્યારે ફરીથી આપણે શંકામાં પડીએ છીએ કે શું આપણી અભિવ્યક્તિ કેટલી સબળ છે અને શું હવે તે ઉપકરણોની ગુલામીથી સ્વતંત્ર રહી શકી છે ખરી?

Don’t miss new articles