તમે રોજ કેટલા કલાક કામ કરો છો? તમે ધંધાદારી વ્યક્તિ હોય કે નોકરિયાત, તમારા કામના કાલાક નિશ્ચિત છે? જો હા, તો તમે રોજ કેટલા કલાક કામ કરો છો? આપણા દેશમાં નવા પ્રવર્તમાન કાયદાઓ અનુસાર વ્યક્તિ પાસેથી એક દિવસમાં ૧૨ કલાક અને સપ્તાહમાં ૪૮ કલાક કામ લઇ શકાય. ભારતમાં સામાન્ય રીતે રોજના આઠ કલાક અને સપ્તાહના છ દિવસની ગણતરીએ ૪૮ કલાક સુધી લોકો કામ કરે છે. કેન્દ્ર સરકારમાં રોજના આઠ અને સપ્તાહના પાંચ દિવસના હિસાબે ૪૦ કલાક કામ કરવાનો નિયમ છે. જો કે વાસ્તવમાં મોટાભાગના લોકો આપણા દેશમાં નિયત કલાકો કરતા ઘણો વધારે સમય ઓફિસમાં વિતાવે છે. જો ખાનગી ક્ષેત્રની વાત કરવામાં આવે તો ત્યાં પણ સ્થિતિ એવી જ છે. લોકોએ કામના કલાકોનો કોઈ હિસાબ હોતો નથી. પોતાનો ધંધો કરનારા લોકો તો રોજના બાર બાર કલાક દુકાને બેસતાં હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આપણે સૌ કામ કર્યે જઈએ છીએ અને એવું માનીએ છીએ કે આપણી કારકિર્દી એ જ આપણી ઓળખ છે. તેનાથી જ સમાજમાં આપણું સ્થાન અને પ્રતિષ્ઠા સ્થાપિત થાય છે. પરંતુ તે મોટો ભ્રમ છે.

યુરોપના મોટા ભાગના દેશોમાં પણ આ રીતે ચાલીસ કલાકનો નિયમ છે પરંતુ ત્યાં સરેરાશ સપ્તાહના ૩૭ કલાક જેટલું કામ લોકો કરે છે. ૩૪.૭ કલાક પ્રતિ સપ્તાહના દરે જર્મની યુરોપમાં સૌથી ઓછા કામના કલાકો ધરાવતો દેશ છે. યુકેમાં ચાલીસ કલાક પ્રતિ સપ્તાહ કામનો નિયમ છે પરંતુ શુક્રવારે બપોરપછીના સમયમાં લોકો પોતાનું કામ સમેટી લે છે અને પબ પર જઈને મિત્રો કે સહકર્મચારીઓ સાથે બીઅર પીતા જોવા મળે છે. ક્યાંક ક્યાંક તો હવે ગુરુવારે પણ જલ્દી ઓફિસ બંધ થઇ જાય છે. ફ્રાન્સમાં પણ કામના કલાકો ઘટતાં જાય છે. કેટલાય યુરોપીય દેશો પોતાના કર્મચારીઓને કામના કલાકોમાં પણ ફ્લેક્સિબિલિટી આપે છે.

પરંતુ પ્રશ્ન એ છે કે શું વધારે કામ કરવાથી લોકો વધારે ખુશ કે સુખી થાય છે? શું તેમના ધંધામાં વધારે નફો થાય છે? શું તેમની કંપની વધારે કામની કરે છે? લોકોને રોજના કેટલા દિવસ અને સપ્તાહમાં કેટલા દિવસ કામ કરવું જોઈએ તેના અંગે સમયે સમયે અલગ અલગ મંતવ્યો પ્રવર્તમાન હોય છે. ઔદ્યોગિક યુગની શરૂઆત થઇ ત્યારે કારખાનાના માલિકો કામદારો પાસે રોજના ૧૦-૧૨ કલાક કામ કરાવતા અને સપ્તાહમાં એક રજા પણ મુશ્કેલીથી આપતા. આજે પણ તે સ્થિતિમાં કઈ વધારે સુધારો થયો નથી. સપ્તાહમાં એક દિવસની રજા અને રોજના ૮-૯ કલાકનું કામ આપણા દેશમાં સામાન્ય બાબત છે. પરંતુ કેન્દ્ર સરકારે સપ્તાહમાં ૨ દિવસની રજાનો નિયમ રાખ્યો છે. ખાનગી કંપનીઓ પણ હવે શનિવારની રજા આપતી થઇ છે. કેટલીક ઓફિસ અને કંપનીઓમાં બીજો અને ચોથો શનિવાર રજા મળે છે.

ફોર ડે વીક ગ્લોબલ નામની ન્યુઝીલેન્ડ સ્થિત સંસ્થાએ તેના ૪ દિવસના કાર્ય સપ્તાહ અંગે છેલ્લા એક વર્ષથી પાઇલોટ પ્રોજેક્ટ હાથમાં લીધો છે જેમાં યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુકે વગેરે દેશોમાંથી કેટલીય કંપનીઓએ ભાગ લીધો. આ કંપનીઓએ કર્મચારીઓ માટે ૪ દિવસનું કાર્ય સપ્તાહ કરી નાખ્યું છે. આ પ્રારંભિક પરિયોજનાના કેટલાક પરિણામો સામે આવ્યા છે જે આપણા સૌ માટે વિચાર કરવા જેવા છે. અહીં એવું સામે આવ્યું છે કે જે લોકોએ ૪ દિવસના કાર્ય સપ્તાહમાં ભાગ લીધો હતો તેઓ વધારે ખુશ અને કાર્યક્ષમ જણાયા હતા જેનો તેમની કંપનીઓને પણ ફાયદો મળ્યો હતો – તેમની આવકમાં ૧૫% જેટલો વધારો થયાનું નોંધાયું હતું. જે લોકોએ ૪ દિવસ કામ કર્યું તેમના વ્યક્તિગત જીવન અને કાર્યભાર વચ્ચેનું સંતુલન તો સુધર્યું જ હતું પરંતુ સાથે સાથે તેઓ પોતાના કાર્યમાં પણ વધારે રસ લેતા થયા હતા. આજે જયારે લોકો ચાર-પાંચ વર્ષમાં નોકરી બદલી નાખે છે ત્યારે ૪ દિવસ કામ કરનારા કર્મચારીઓ પોતાની નોકરી છોડે તેની શક્યતાઓ ઓછી છે તેવું પણ સામે આવ્યું છે.

અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિ માર્ક ટકાનો તો આ પ્રારંભિક પરિણામોથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ કાયદા દ્વારા કાર્ય સપ્તાહ ૪ દિવસનું કરી દેવા માંગે છે. તેમણે અમેરિકામાં ૩૨ કલાક પ્રતિ સપ્તાહ કાર્ય માટે ખરડો રજુ કર્યો છે. આ ખરડો ક્યારે કાયદો બનશે તેની તો ખબર નથી પરંતુ હવે વધારેને વધારે લોકો ચાર દિવસના કાર્ય સપ્તાહ અંગે વિચાર કરતા થયા છે એ સારી વાત છે. ઘણી કંપનીઓ પણ કર્મચારીઓને ઓછા કલાક કામ કરાવવા અંગે નિર્ણય કરી રહી છે.

આજે જયારે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે લગભગ દરેક કાર્ય પહેલા કરતા ઘણા ઝડપથી થવા લાગ્યા છે તો પછી શા માટે આપણે પણ કામના કલાક ઓછા ન કરી શકીએ? ઉપરાંત, પહેલાની અને આજની કામ કરવાની સ્ટાઈલમાં ઘણો તફાવત છે. હવેનું કામ વધારે તણાવભર્યુ છે. લોકોમાં સ્ટ્રેસ વધી રહ્યો છે અને તેની અસર તેમના આરોગ્ય અને પરિવાર પર પણ પડે છે. કેટલાય લોકો કારકિર્દી અને પ્રતિસ્થા પાછળ ઘેલા થઈને પોતાની જાતને કામમાં એટલા પરોવી દે છે કે તેના પરિણામે તેમના પરિવાર પણ તૂટી જતા હોય છે. તેઓ પૈસા અને પદ તો હાંસલ કરી લે છે પરંતુ તેમના સ્વાસ્થ્યને હંમેશને માટે ગુમાવી દે છે. આવી સ્થિતિ અટકાવવા, સમાજમાંથી તણાવ ઓછો કરવા આવી નીતિ બનાવવી મદદરૂપ બની શકે. તેનાથી લોકોના પારિવારિક જીવન આનંદમય બનશે, તેઓ બાળકો માટે સમય ફાળવી શકશે, પોતાના શોખ અને આનંદપ્રમોદની પ્રવૃતિઓ માટે નવરાશ મેળવી શકશે. જેનો ફાયદો અમાપ અને અપ્રમાણ મળવાનો છે તેમાં કોઈ શક નથી. આખરે આપણે વિકસતી ટેક્નોલોજી અને સક્ષમ સંશાધનોનો ઉપયોગ કરીને પોતાનું જીવન સરળ અને આનંદમય બનાવવાનું છે, નહિ કે તેમના ગુલામ બનીને વધારેને વધારે વ્યસ્ત. ગધ્ધામજૂરી કરીને પોતાની કમર તોડી નાખવા માટે આપણે નથી જીવતા એ વાત સમજી લઈએ ત્યારે જ આ ચાર દિવસના સપ્તાહની સંકલ્પના અંગે ગંભીરતાથી વિચારતા થઈશું.