દરેક વખતે વધારે પ્રયત્નથી વધારે સારું પરિણામ મળે તેવું બનતું નથી. કોઈ વ્યક્તિ બાર કલાક મહેનત કરીને એટલું જ પરિણામ મેળવે છે જેટલું બીજી વ્યક્તિ આઠ કલાકમાં મેળવી લે છે. મહેનત કરવાથી પરિણામ મળે તે વાત તો સાચી જ છે પરંતુ કેટલી મહેનતથી કેટલું પરિણામ મળે તે સમજવું પણ આવશ્યક છે. જેમ કે કોઈ તેલના કુવામાં ખજાનો ખૂટવા આવ્યો હોય તો તેમાં વધારે ને વધારે પૈસા, ટેક્નોલોજી વગેરે ખર્ચ કરવાથી પણ એટલું જ વધારાનું તેલ નીકળી શકે જેટલું ત્યાં હાજર હોય. તેના કરવા વધારે સારું વળતર મેળવવા માટે આટલું રોકાણ અને ટેક્નોલોજી બીજા કુવામાં વાપરવાથી મળી શકે. કારણ કે અમુક મર્યાદા બાદ વધારાના પ્રયત્નોનું પરિણામ ઓછું મળે છે. તેને લો ઓફ ડિમિનિશીંગ રિટર્ન એટલે કે ઘટતા વળતરનો સિદ્ધાંત કહેવાય છે.
એક ખેતરમાં થોડું ખાતર નાખીએ તો ઉત્પાદન વધે. થોડું વધારે ઉમેરીએ તો ઉત્પાદનમાં પણ વધારે થાય. પરંતુ અમુક સમય પછી વધારે ખાતર નાખવાથી પણ ઉત્પાદનમાં થતો વધારે નહિવત જેટલો જ રહે છે. કારણ કે ઉત્પાદન માત્ર ખાતર પર આધાર રાખતું નથી. તેવી જ રીતે કોઈ કારખાનામાં એકાદ કામદાર વધારો તો ઉત્પાદનમાં જેટલો વધારે થાય તે પચીસમો કામદાર વધે ત્યારે પણ થાય તેવું બનતું નથી. કેમ કે દરેક એકમ દીઠ પરિણામ જેટલું મળતું હોય તે સંખ્યા વધતા ઘટતું જાય છે. આ સિદ્ધાંતને તમે જીવનમાં પણ લાગુ કરી શકો છો. દરેક જગ્યાએ. મહેનત કરીને તમે પૈસા કમાવા ઇચ્છતા હોય. દુકાન રોજ છ વાગ્યે બંધ કરવાને બદલે સાત વાગ્યા સુધી ચાલુ રાખો તો એક કલાક વધારાના કામને કારણે તમારી આવકમાં વધારો થાય. હજુ એક કલાક વધારો તો આઠ વાગ્યા સુધીમાં થોડા વધારે ગ્રાહક આવે. પરંતુ ત્યાર બાદ દરેક કલાક વધારતા જવાથી એક સરખો વેપાર વધે તેવું બનતું નથી. અમુક સમય બાદ સમય વધારવા છતાંય ધંધામાં નહિવત જેટલો જ વધારો થાય છે.
કોઈ સંબંધને મજબૂત બનાવવા માટે વધારે સમય આપીએ, પ્રયત્ન કરીએ તો તેમાં સુધારો જરૂર થાય. પરંતુ વધારે પડતા પાછળ પડી જઈએ તો તેમાં કોઈ જ વધારે પરિવર્તન ન આવે. નાહકનો આપનો સમય વેડફાય અને આપણી ઈજ્જત ઘટે. જ્યાં જેટલો સમય આપવો જોઈતો હોય તેટલો જ એવો જોઈએ. જ્યાં જેટલા પ્રયત્ન આવશ્યક હોય તેટલા જ કરવા જોઈએ. તેનાથી વધારે સમય, પૈસા અને પ્રયત્ન તમારા માટે કોઈ જ વધારાનું પરિણામ લાવી શકતા નથી. વધારાની મહેનતથી હંમેશા સમપ્રમાણ પરિણામ સુધરતું નથી. કારણ કે દરેક જગ્યાએ ઘટતા વળતરનો નિયમ કામ કરે છે. દરેક વધારાના એકમનું પરિણામ ધીમે ધીમે ઘટતું જાય છે.
જો તમારે પ્રયત્ન, પૈસા અને સમયનું યોગ્ય અને ઉચ્ચતમ પરિણામ મેળવવું હોય તો એ સમજવું જોઈએ કે કેટલો પ્રયત્ન ક્યાં કરવો. એક જ જગ્યાએ વધારે ને વધારે પ્રયત્ન કરવાથી વળતર પ્રમાણમાં ઓછું મળે છે. એક જ જગ્યાએ પૈસા કે સમય વાપરવાથી પણ એવું જ થાય છે. ઘણીવાર એવું થાય કે વિસ ટકા મહેનતમાં એંસી ટકા પરિણામ મળે પરંતુ બાકીનું વિસ ટકા પરિણામ મેળવવા એંસી ટકા મહેનત કરવી પડે. તો તેના કરતા તો ફરી એવું કોઈ ક્ષેત્ર શોધવું જોઈએ જ્યાં વિસ ટકા મહેનતે એંસી ટકા પરિણામ મળી રહે. સામાન્ય જીવનમાં આ રીતે આપણી મહેનત કરતા, પૈસા કરતા અને સમય કરતા અનેકગણું વધારે પરિણામ મળતું હોય ત્યાં તેમનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. જો કે તમારે કોઈ એક જ ક્ષેત્રમાં સંપૂર્ણ મહારત હાંસલ કરવી હોય તો વાત અલગ છે. ત્યાં આવી ગણતરી કામમાં લગતી નથી.
જેમ કે મૂર્તિકાર ઢાંચો તો જલ્દી જલ્દી બનાવી લે છે પરંતુ ત્યારબાદ નાની નાની વિગતની કોતરણીમાં વધારે સમય અને મહેનત પડે છે. કલાકારો માટે, પર્ફેક્શનની આવશ્યકતા હોય તેવા ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે તે આવશ્યક હોય પરંતુ આપણા રોજિંદા જીવનમાં તો આપણા પૈસા, સમય અને પ્રયત્નનું પ્રમાણમાં વળતર જ્યાં વધારે મળે ત્યાં તેમનો ઉપયોગ કરવો વધારે લાભકારક કહેવાય. ૧૦૦% પ્રયત્ન કરીને ૭૦% પરિણામ મળે તેના કરતા ૫૦% મહેનત કરીને ૪૦% પરિણામ મળે તો તે વધારે ફાયદાકારક કહેવાય.