‘વક્કા વક્કા, ઇટ્સ ટાઈમ ફોર આફ્રિકા’ અને ‘હિપ્સ ડોન્ટ લાઇ’ જેવા સુપરહિટ ગીતો આપનાર વિશ્વની સૌથી પ્રખ્યાત પૉપ ગાયિકા શકીરાના અવાજનું આખા વિશ્વને ઘેલું લાગેલું છે. તેના શરીર પરથી આંખો હટવા ન દે તેવી આ બેલીડાન્સરના વીજળીના કરંટ જેવા ગીતોના ૭૦ મિલિયનથી વધારે આલબમ અને ૧૨૫ મિલિયનથી વધારે રેકોર્ડ વેંચાયા છે. તે સેલિબ્રિટીઓમાં સરતાજ ગણાય છે. દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશની આ લેટિન પોપસ્ટાર માટે સૌથી વધારે પ્રિય શું હોઈ શકે? તેનું વજૂદ, તેની હસ્તી, તેની લોકપ્રિયતા અને તેને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવવા માટે સૌથી વધારે ફાળો આપનાર તેનો અવાજ? તેનો કંઠ, તેનો મનમોહક તાલ અને ગાયિકી જ ને?

જયારે વ્યક્તિ પોતાની કારકિર્દીની ટોંચ પર હોય, દુનિયાના કોઈ પણ દેશમાં જાય ત્યાં લાખોની સંખ્યામાં તેના ચાહનારા હોય, જેની પાછળ યુવાનો પોતાનો જીવ આપવા તૈયાર હોય અને જેના ૧૦૦ મિલિયનથી વધારે ફેસબુક ફોલોવર હોય તેવી પોતાના સમયની સૌથી પ્રખ્યાત હસ્તીને અચાનક એ જાણવા મળે કે જે અવાજને કારણે, જે કંઠને કારણે તેનું આ સ્ટેટસ છે તે અવાજ જતો રહ્યો છે તો? શકીરાનો અવાજ જ બંધ થઇ જાય, તે બોલી ન શકે, તે ગાઈ ન શકે તો તેના પર તો આભ જ તૂટી પાડવાનું ને?

૨૦૧૭માં લગભગ ૪૦ વર્ષની વયે શકીરાને આવા જ દુઃખદ સમાચાર ડોક્ટરે આપેલા. વોકલ કોર્ડના હેમરેજને કારણે એટલે કે સ્વરગ્રંથીમાં આંતરિક રક્તપ્રવાહને કારણે તેના સ્નાયુમાં જખ્મ થયેલું અને તેનાથી ગાવાની વાત તો દૂર રહી પરંતુ તે બોલી પણ નહિ શકે તેવું ડોક્ટરે કહી દીધું. વિશ્વની સૌથી ધનાઢ્ય એવી એક પોપસ્ટારમાં જેની ગણતરી થતી હોય, જેનું નામ ભાગ્યે જ વિશ્વના કોઈ યુવક યુવતીથી અજાણ્યું હોય, જેને જોવા લાખોની મેદની ઉમટતી હોય તેવી ગાયિકાનો અવાજ, તેની ઓળખ, તેના અસ્તિત્વનો આધાર જતો રહે તો તેના માટે તો જાણે જીવન નિરર્થક બની ગયું હોય તેવું લાગે. શકીરાને પણ તેવી જ હતાશા, ડિપ્રેશન થઇ આવેલા.

શકીરા આ સમયે પોતાના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. એક બાળક બે વર્ષનું અને બીજું ચાર વર્ષનું. તેની સાથે વાત કેવી રીતે કરે? તેનો પતિ જેરાર્ડ પીક બાર્સેલોના ટીમમાં ફૂટબોલ પ્લેયર. પુરા પરિવાર માટે આ ઘટના હૃદયદ્રાવક હતી. શકીરાને કેવી રીતે દિલાસો આપવો તે કોઈને સમજાતું ન હતું. આખરે ઘણો સમય હતાશામાં રહ્યા બાદ શકીરાએ જાતે જ પોતાનું મનોબળ મજબૂત કર્યું. થોડા સમય પછી એવું લાગ્યું કે સર્જરી પછી તેનો અવાજ કદાચ પાછો આવી શકશે પરંતુ ગાવાની શક્યતાઓ તો નહિવત જ હતી. પરંતુ આ યુવતીએ હજુયે વધારે આત્મવિશ્વાસ કેળવીને, સકારાત્મકતાથી મેડિટેશન અને હિપ્નોટિસ જેવી પ્રક્રિયાઓ દ્વારા પોતાની સારવાર કરાવવાનું શરુ કર્યું.

પરંતુ જયારે બધું જ જતું રહે, ત્યારે ઈશ્વર શ્રદ્ધા જાગે. બધી તરફથી નિરાશા આવી જાય ત્યારે આંતરિક અધ્યાત્મ ઉજળું બને. જાહોજલાલીમાં રાચતી, પૈસાથી બધું ખરીદતી અને લક્સરીયસ લાઇફસ્ટાઇલ જીવતી શકીરાને પણ જયારે દરેક તરફથી અંધકાર છવાયેલો દેખાયો ત્યારે તેના અંતરના અવાજે એટલી તો હિમ્મત આપી કે તેણે સર્જરી પણ ન કરાવી અને દ્રઢ સંકલ્પ અને વિશ્વાસથી ધ્યાન અને પ્રાર્થનાથી પોતાની બીમારીને ઠીક કરી.

ચમત્કાર કહીએ કે ઈશ્વરની કૃપા, દોઢેક વર્ષમાં શકીરાનો રણકતો અવાજ પાછો આવ્યો. અને હવે ૨૦૧૯માં તો તે પોતાની મ્યુઝિક ટુર કરવા પણ નીકળી પડી છે. ગુમાવેલો અવાજ પામ્યા પછીની શકીરાની આ પહેલી મ્યુઝિક ટુર છે. શકીરા કહે છે કે કોઈ દૈવી શક્તિના હસ્તક્ષેપને કારણે, ડિવાઇન ઇન્ટરવેનશનને કારણે જ તે ઠીક થઇ છે. ખરેખર જ અવાજ ઠીક થવો એ તેના પ્રયત્ન અને અધ્યાત્મનું પરિણામ છે.

જેમ અંગ્રેજી મહાકવિ જ્હોન મિલ્ટનની આંખની રોશની જતી રહી, અંધાપો આવ્યો ત્યારે તેની અંતરની આંખો ખુલી અને તેના ઉજાસમાં પહેલા તો તેણે પેરેડાઇઝ લોસ્ટ નામનું મહાકાવ્ય રચ્યું અને પછી આંતરિક દ્વંદ્વ સાથે સમાધાન થતા પેરેડાઇઝ રીગેઈન લખ્યું તે ઘટના જગતભરમાં જાણીતી છે. શકીરાના અવાજનું જવું અને પાછું આવવું લોકોના ધ્યાનમાં એટલું સારી રીતે આવ્યું નથી. પરંતુ આ ઘટના પણ દૈવી છે, અપ્રતિમ છે અને આજના સમાજમાં આધ્યાત્મ અને સકારાત્મકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે તેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *