દીપા સાંજે તેના સ્ટડી ટેબલ પર બેસીને કંઈ કામ કરી રહી હતી ત્યારે તેની છ વર્ષની દીકરી પૂર્વી હાથમાં એક કાગળ લઈને તેની પાસે દોડતી આવી. તેણે કાગળ દીપાના ચેહરા તરફ ધરતા કહ્યું, ‘મમ્મી, મમ્મી, જો મેં આ ડ્રોઈંગ બનાવ્યું છે. કેવું લાગ્યું? મેં તેને શાળાના પ્રોજેક્ટ માટે બનાવ્યું છે.’

દીપાએ ડ્રોઈંગ તરફ એક નજર નાખી અને કહ્યું, ‘અરે વાહ, ખુબ સુંદર છે.’

‘મમ્મી હું તેને કાલે ટીચરને આપીશ.’ પૂર્વી ઉત્સાહથી બોલી.

‘પછી આપણે તેને મઢાવીને રાખીશું.’ દીપાએ તેની દીકરીને પ્રોત્સાહિત કરવા કહ્યું.

દીપા એટલું બોલી રહી ત્યાં તો પૂર્વી તેની પાસેથી દોડતી સોફા પર બેસેલા તેના પપ્પા પાસે ગઈ અને ફરિયાદ કરવા લાગી, ‘પપ્પા, મમ્મી મારી વાત નથી સાંભળતી.’

‘અરે, મેં સાંભળ્યું તો ખરા. તારા ડ્રોઈંગના વખાણ પણ કર્યા.’ દીપાએ આશ્ચર્યથી કહ્યું.

‘ના, તું મારી વાત નથી સાંભળતી.’ પૂર્વીએ તેની ફરિયાદ ચાલુ રાખી.

શા માટે આવું થયું? દીપાએ તેની દીકરીની વાતનો જવાબ આપ્યો તેમ છતાંય શા માટે છ વર્ષની પૂર્વીએ તેના પપ્પાને ફરિયાદ કરી કે મમ્મી તેની વાત સાંભળતી નથી?

તમે માઇક્રોમેસેજીંગ વિષે સાંભળ્યું છે? દીપાનું માઇક્રોમેસેજીંગ ફેઈલ થઇ ગયું. તેણે શબ્દોથી જે કહ્યું તેના કરતા વધારે તેની બોડી લેન્ગવેજ અને અન્ય સંકેતોનું અર્થઘટન તેની દીકરીએ અલગ રીતે જ કર્યું. આપણે શાબ્દિક રીતે જે વ્યક્તિ કરીએ છીએ, જે સંદેશ આપીએ છીએ તેના કરતા ઘણું વધારે આપણે અશાબ્દિક રીતે કહી દેતા હોઈએ છીએ. તેમાં બોડી લેન્ગવેજ, આંખો અને ચેહરાના હાવભાવ, શારીરિક પ્રતિભાવ તથા અન્ય કેટલાય પ્રકારની અભિવ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ બધું માઇક્રોમેસેજીંગનું કામ કરે છે અને આપણા સંવાદ તથા અભિવ્યક્તિ પર ઘણી મોટી અસર પાડે છે.

તમારું માઇક્રોમેસેજીંગ કેવું છે? શું તમને ખબર છે કે તમે જયારે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે તમારા શબ્દો સિવાય બીજા કેટલાય પ્રકારની અભિવ્યક્તિઓ પોતાનો ભાગ ભજવે છે? અને શું તેના પર તમારું નિયંત્રણ છે? તમને ખ્યાલ છે કે તે તમારી શાબ્દિક અભિવ્યક્તિ સાથે સંલગ્ન છે કે નહિ? શું તમારી બોડી લેન્ગવેજ અને શાબ્દિક લેન્ગવેજ એક જ અર્થ રજુ કરે છે? તમે જે બોલો છો તેવું જ વિચારી રહ્યા છો તેવો સંદેશ સામે વાળી વ્યક્તિને મળી રહ્યો છે કે કેમ?

વ્યક્તિ જયારે ઉચ્ચસ્થાને કામ કરતો હોય, મોટી જવાબદારી નિભાવતો હોય ત્યારે તેણે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે અને તેમાં તેનું માઇક્રોમેસેજીંગ પણ શામેલ છે. જો તેની વાત અને સૂક્ષ્મ હાવભાવ સંલગ્નતા ન ધરાવતા હોય, એકબીજાથી વિરુદ્ધ સંદેશ રજુ કરતા હોય તો તેની વાત પર લોકો વિશ્વાસ કરતા નથી. ઘણીવાર તમે કોઈને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘તેણે ભલે જે કહ્યું તે કહ્યું પણ મને પાક્કો ભરોષો છે કે તે પોતાની વાત પર સાચો નહિ ઠરે.’ તેનું કારણ એ છે કે વ્યક્તિ શબ્દ અને હાવભાવ વચ્ચે વિરોધાભાષ નોંધી શકે છે.

જો તમે માઇક્રોમેસેજીંગ સારી રીતે ન શીખો તો લોકોનો વિશ્વાસ ન જીતી શકો. જેની સાથે વાત કરતા હોય તેને તમારી વિશ્વસનીયતા સાબિત કરતા અને તમારી વાત પર ભરોષો કરાવવા માટે તમારું માઈક્રોમેસેજિંગ યોગ્ય અને અસરકારક હોવું જરૂરી છે. આ કળા છે જે તમારે શીખવી પડશે. ખાસ કરીને જો તમે નિર્ણાયક સ્થાને કામ કરતા હોય તો. તેના સિવાય પણ સામાજિક અને પારિવારિક સંબંધોમાં જો તમે ક્યાંય કાચા પડતા હોય તો ચકાસી લેજો કે તે તમારા માઇક્રોમેસેજીંગને કારણે તો નથી ને?

માઈક્રોમેસેજિંગ આજકાલ લીડરશીપ કોમ્યુનિકેશનનો એક મહત્ત્વપૂર્ણ વિષય બની રહ્યો છે. તેને ટૂંકમાં સમજવો અને સમજાવવો એટલો આસાન નથી પરંતુ એટલું તો જરૂર કહી શકાય કે તમે જે કંઈ બોલો તેને સંપૂર્ણપણે સત્યનિષ્ઠાની બોલો તો આપોઆપ તમારી બિનશાબ્દિક અભિવ્યક્તિઓ પણ તમારા શબ્દોની સાથે તાદાત્મ્યાપૂર્ણ બની જશે. ઉપરાંત, જયારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોય ત્યારે અન્ય કોઈ બાબત પર ધ્યાન ભટકાવવાને બદલે પૂરું ધ્યાન એ વાતચીત પર જ આપો તો વધારે સારું રહે. ફોન કે મેસેજ કે આસપાસ બનતી ઘટનાઓથી ધ્યાનભંગ થઈને વાતચીત કરવાથી માઇક્રોમેસેજીંગ ખોટું થઇ જાય તેવી શક્યતા છે.

Don’t miss new articles