‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન’ સાંભળ્યું છે? જયારે કોઈને પહેલીવાર મળીએ ત્યારે તેઓ સામાન્યરીતે આપણા પહેરવેશને જોઈને આપણા વિષે પ્રથમ પ્રતિભાવ – ફર્સ્ટ ઇમ્પ્રેશન – બનાવે છે. આ ઇમ્પ્રેશન સારી રહે એટલા માટે આપણા માટે આપણું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ? એક વ્યક્તિએ કહ્યું હતું કે ડ્રેસિંગ એવી રીતે કરો કે તમે બેન્કના મલિક હોય, એવું નહિ કે તમે બેંકમાં લોન લેવા જતા હોય. એટલે કે આપણા પહેરવેશથી આપણે સમૃદ્ધ અને સજ્જન લાગવા જોઈએ.

પહેરવેશ દ્વારા લોકોને એટલી છાપ તો જરૂર પડે છે કે આપણો સ્વભાવ કેવો હશે. જેમ કે ડગલો અને ચોરણી પહેરનારને જોઈએ લોકો પહેલો વિચાર એવો જ કરે કે જાણે એ વ્યક્તિ ખેડૂત હોવો જોઈએ. ધોતી, ઝભ્ભો અને ગાળામાં રુદ્રાક્ષની માળા પહેરનારને જોઈને તે પંડિત લાગે. નવી ફેશનના જીન્સ અને ટોપ પહેરેલી યુવતીની અને સાડી પહેરેલી યુવતીઓની પણ અલગ અલગ ઇમ્પ્રેશન પડે છે. કપડાં ઉપરાંત પહેરવેશની બીજી એસેસરીઝ પણ આપણી પર્શનાલીટી અને ઇમ્પ્રેશન નક્કી કરે છે. આ ફર્સ્ટ ઇમ્પ્રેશન આખરી ઇમ્પ્રેશન હોય કે ન હોય પરંતુ તેને કારણે એક છાપ તો બીજાના મનમાં ઉભી થાય જ છે.

મોંઘા પોશાક હોય કે સસ્તા પરંતુ તે પહેરનાર તેને કેવી રીતે શોભાવે છે તે પણ મહત્ત્વનું છે. કપડાંની બાબતે જ તો યુવાનોને તેમના માતા-પિતા ટોકતા હોય છે. ‘આવા કપડાં પહેરાય?’ ‘શરમ છે કે નહિ?’ ‘આજકાલના છોકરાઓ તો ખબર નહિ કેવા કપડાં પહેરીને ફરે છે?’ આવા અનેક વાક્યો આપણે ઘરમાં સાંભળીએ છીએ. કોઈના કપડાને કારણે તેમના ચરિત્રને અંગે મંતવ્ય બનાવવું યોગ્ય નથી અને તેને કારણે મનમાં કોઈ પ્રકારનો પૂર્વગ્રહ રાખવો પણ અયોગ્ય છે. પરંતુ કપડાંનું કામ આપણને લોકો સામે રજુ કરવાનું છે. જે રીતે આપણે પોતાની જાતને પ્રસ્તુત કરીએ તેવી જ રીતે સામેની વ્યક્તિ આપણને જોવા પ્રેરાય તેમાં નવાઈ નહિ.

આગ્રહ કે પૂર્વગ્રહ વિના આપણે પોતાની પર્સાનિલીટી અને ઇમ્પ્રેશન જાળવવા કેવી રીતે પહેરવેશ પસંદ કરવો તે નક્કી કરવું જોઈએ. આ બાબતમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. કેટલાય લોકો એવું માને છે કે મોંઘા અને અલગ અલગ કપડાં પહેરવાથી આપણી છાપ સારી પડે છે. જયારે કેટલાક વર્ગના લોકો એક જ રંગ અને સ્ટાઇલના કપડાં હંમેશા પહેરતા હોય છે. કોઈ વ્યક્તિ ગરીબીને કારણે કે કોઈ વ્યક્તિ સ્ટાઇલને કારણે એક-બે જોડી કપડાથી ચલાવે છે. આ બધું જ વ્યક્તિગત છે અને તેનો સંબંધ વ્યક્તિના પોતાના પ્રભાવ પર છે. મોંઘા કપડાંમાં લાખો રૂપિયા ખર્ચનાર લોકો પણ છે અને સાદાઈથી ચલાવી લેનાર લોકો પણ છે.

કપડાંની ડિઝાઇન અંગેનું ટેક્સટાઇલ ડિઝાઇન, ફેશન નક્કી કરવા ફેશન ડિઝાઇનિંગ અને હવે તો કપડાં મેચિંગ અને શોપિંગ કરવા માટે પણ એક્સપર્ટ હોય છે. સેલિબ્રિટી શોપિંગ ગાઇડ્સનો નવો ટ્રેન્ડ એટલે જ તો શરુ થયો છે ને કે લોકો પોતાના કપડાં, તેમની સ્ટાઇલ, કલર, મટેરીઅલ અને મેચિંગ અંગે ખુબ નિસ્બત હોય છે. પહેરવેશ અને વેશભૂષા અંગે થોડું વિચારીને પોતાની ઇમ્પ્રેશન કેવી રાખવી છે તે નક્કી કરી શકાય.