બહારની પરિસ્થિતિ અને પર્યાવરણની અસરને ઘટાડવા માટે અંદરથી મજબૂત બનવું પડે છે. જે રીતે ઘરની દીવાલ મજબૂત હોય તો બહાર આવેલા વાવાઝોડાથી બચી શકાય, તેવી જ રીતે, અંદરથી મન મજબૂત હોય તો બહાર આવેલા સામાજિક અને આર્થિક વંટોળોથી બચી શકાય છે. અનેક યુદ્ધો ચાલી રહ્યા હોય, વેપારમાં મંદી આવતી હોય, રાજકીય હોબાળાઓ સમાચારપત્રોના પાના ભરી રહ્યા હોય, તેવા સમયે કોઈપણ વ્યક્તિ ડગમગે, વિચલિત થાય, પોતાની શાંતિ ગુમાવે તે સ્વાભાવિક છે. પરંતુ આવી માનસિક ગડમથલથી કેવી રીતે બચવું તે જાણવું પણ જરૂરી છે.

ભારતમાં સદીઓથી અધ્યાત્મ, ધ્યાન અને યોગની પરંપરા ચાલી આવે છે. આ ત્રણેય પદ્ધતિઓ એકબીજા સાથે સંકળાયેલી છે પરંતુ સ્વતંત્ર રીતે પણ કાર્ય કરે છે. તેનો લાભ આજે વિશ્વભરના લોકો લઇ રહ્યા છે. તેમના માટે આ પધ્ધતિઓ આંતરિક રીતે મજબૂત બનવાના ઉપાયો છે. બહાર પ્રવર્તમાન ખલેલ પહોંચાડનારી પરિસ્થિતિનો સામનો કરવા, તેની સામે તટસ્થ રીતે ટકી રહેવા માટે લોકો ધ્યાન કરે છે, યોગ કરે છે અને અધ્યાત્મ તરફ વળે છે. આ રીતે પોતાની જાતને અંદરથી મજબૂત બનાવે છે.

પોતાની વિવશતા માટે, નબળાઈઓ માટે, નિષ્ફળતાઓ માટે બહારની સ્થિતિને દોષ દેવો આસાન છે. દુનિયાભરમાં મંદી ચાલી રહી હોય તો મારા ધંધામાં નુકસાન જ જાયને? તેવું કહીને પોતાની પરિસ્થિતિનુ બચાવ કરવો આસાન છે. પરંતુ તેના બદલે પોતાને અંદરથી મજબૂત બનાવીને શા માટે પોતાના ધંધામાં નુકસાન થયું તેની વિશ્લેષણ કરીને તેને સુધારવાનો પ્રયત્ન કરવો વધારે ફાયદાકારક છે. આ હિમ્મત, આવી શક્તિ માત્ર તેવા લોકોમાં હોય છે જેઓ આંતરિક રીતે મજબૂત હોય. યાદ રાખો કે સમાજમાં ચાલી રહેલી સમસ્યાઓ તો બધા માટે સરખી જ છે. સૌને તે સમાન રીતે જ અસર કરે છે. પરંતુ કેટલાક લોકો તેને પોતાની નિષ્ફળતા માટે એક કારણ તરીકે ઉપયોગ કરીને પોતાની નબળાઈઓ છુપાવે છે જયારે પોતાની જાતને અંદરથી મજબૂત કરનારા લોકો બહારની સ્થિતિને માત્ર એક પરિબળ માને છે અને તેનાથી નાસીપાસ થયા વિના પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.

તમે પોતાની આસપાસ એવા લોકો જોયા હશે જેઓને કોઈપણ કામ કરવું યોગ્ય લાગતું નથી. દરેક કામ માટે તેમની પાસે અનેક બહાના હોય છે. આ બહાના સામાન્યરીતે બાહ્ય પરિસ્થિતિમાંથી આવતા હોય છે. આજે વરસાદ છે, કાલે ઠંડી હશે, ત્યાં જવા માટે રસ્તો નથી, દિલ્હીમાં ધુમ્મસ બહુ છે, વગેરે જેવા ક્ષુલ્લક કારણો આપીને લોકો પોતાના લક્ષ્યને દૂર ધકેલ્યા કરે છે. તેમની અંદરથી આત્મવિશ્વાસની કમી હોવાને કારણે તેઓ કોઈ કામ શરુ કરી શકતા નથી. તેઓ નિષ્ફળતાથી ડરતા હોય છે. પરંતુ જો તેમનો આંતરિક વિશ્વાસ મજબૂત બને તો આવા કોઈ જ કારણો તેમને પોતાના લક્ષ્ય માટે પ્રયત્ન કરવાથી અટકાવે નહિ. તેઓ કહે કે: જે હશે જે જોયું જશે. શરૂઆત તો કરીએ.આવી આંતરિક શક્તિ અને પોતાના લક્ષ્ય ભણી આગળ વધવાનો આત્મવિશ્વાસ વિકસાવવા માટે વ્યક્તિએ બહાર નહિ, અંદર જોવું પડે છે. સારા અને પ્રેરણાત્મક પુસ્તકોના વાંચનથી વ્યક્તિ પ્રોત્સાહિત થાય છે. મહાન વ્યક્તિઓના જીવનન ચરિત્ર વાંચવાથી તેને પ્રેરણા મળે છે. ધ્યાન કરવાથી મનની સ્થિરતા વધે છે અને નાની નાની વાતોમાં વિચલિત થતું નથી. યોગ ધીરજ વધારે છે અને અધ્યાત્મ સાચી દિશા સૂચવે છે. સારા લોકોની સંગતથી વ્યક્તિ પોતાની જાતને હંમેશા સારા વાતાવરણમાં રાખે છે. નાસીપાસ કરનારા લોકોથી દૂર રહેવું અને પ્રેરણા આપે, સહકાર આપે તેવા લોકોની સંગત કરવી પણ પોતાની પ્રગતિ માટે ખુબ આવશ્યક છે એ બાબત સમજનાર વ્યક્તિ પોતાના પર ઘણો મોટો ઉપકાર કરતો હોય છે.

તમારે પણ જો પોતાની માનસિક વિચલિતતા ઘટાડવી હોય, રોજ સવારે છાપું વાંચીને તેમાં આવતા વિશ્વના કોઈ ખૂણામાં ફેલાયેલા રોગ વિષે જાણીને ભયભીત ન થવું હોય તો પોતાની જાતને અંદરથી મજબૂત બનાવો. પોતાના અંતરને પોષો. સારું વાંચન આપો. સારી સંગત આપો. સારી માહિતી આપો. પ્રેરણાસ્પદ વિચારો આપો. ટૂંકમાં બહારના વાવાઝોડાથી બચવા પોતાની આંતરિક દીવાલોને મજબૂત બનાવો.