વર્ષ પૂરું થવામાં છે. આવનારા વર્ષ માટે લોકો કેટલાય સંકલ્પ લેશે. કેટલાય મોટા મોટા સંકલ્પોને કારણે આવનારા વર્ષની શરૂઆત ખુબ ઉત્સાહથી થશે પરંતુ દર વર્ષની જેમ આવનારા વર્ષે પણ ધીમે ધીમે ઉત્સાહ, આળશ અને કાર્યભારની વચ્ચે આ સંકલ્પો પૈકી મોટા ભાગના નિષ્ફળ જવાના તેની આપણને સૌને ખાતરી છે. શા માટે આપણા મોટા ભાગના રિઝોલ્યુશન્સ ફેઈલ થઇ જાય છે તેના અંગે વિચાર કર્યો છે? દરેક વ્યક્તિના અંગત કારણો હોઈ શકે પરંતુ સામાન્યરીતે જે કારણો સામે આવે છે તેમાં સૌથી મહત્ત્વનું કારણ એ છે કે સૌ નવા વર્ષના સંકલ્પ એટલા આદર્શવાદી અને મહત્ત્વાકાંક્ષી બનાવી દે છે કે તેને સામાન્ય જીવનમાં અમલી બનાવવા મુશ્કેલ થઇ પડે છે. જેમ કે કોઈ એવો નિયમ લે કે રોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને વ્યાયામ કરવો, યોગ કરવા કે ધ્યાન કરવું. પરંતુ તે કેટલું વાસ્તવિક છે તે આ વર્ષ દરમિયાન કેટલીવાર આ પૈકી એકેય પ્રવૃત્તિ આપણે કરી શક્યા છીએ તેના પણ આધાર રાખે છે. જો તમે આ વર્ષે એકેયવાર આટલી જલ્દી ઉઠીને યોગ કે વ્યાયામ કે ધ્યાન ન કર્યું હોય તો આવનારા વર્ષે રોજ એવું કરી શકશો તે થોડી મુશ્કેલ વાત છે. બીજું કારણ એ છે કે આપણે શારીરિક, આર્થિક અને સમયની મર્યાદાઓને ધ્યાનમાં લીધા વિના રોઝોલ્યુશન બનાવી લેતા હોઈએ છીએ. તેને કારણે આપણા રિઝોલ્યુશન વાસ્તવિકતાથી પરે હોય છે અને પ્રેક્ટિકલ હોતા નથી.
જો આવનારા વર્ષમાં કોઈ રિઝોલ્યુશન સફળ બનાવવું હોય તો કેટલીક સરળ સલાહ આપી છે તેના પર જરૂર અમલ કરજો.
૧. માત્ર પાંચ જ સંકલ્પ લો: ઘણીવાર આપણે વર્ષ દરમિયાન અમલમાં મુકવા માટે અનેક નિયમો કે પ્રતિજ્ઞાઓ લઇ લેતા હોઈએ છીએ. તેમાં કઈ વાંધો નથી પરંતુ જે રીતે જીવન વ્યસ્ત બનતું જાય છે તેને જોતા આટલા બધા રિઝોલ્યુશન પર ધ્યાન આપી શકાય તેમ નથી. એટલા માટે જો વર્ષ દરમિયાન હાંસલ કરવાની માત્ર પાંચ સૌથી મહત્ત્વની બાબત પર ધ્યાન આપવામાં આવે તો તેમની સફળતાનાં ચાન્સ વધારે છે.
૨. રિઝોલ્યુશનમાં નાની નાની વિગતોનો સમાવેશ ન કરો: મોટી બાબત પર ધ્યાન આપો. નાની નાની વિગતો સમયાનુસાર એડજસ્ટ કરી શકાય તેવી ફ્લેક્સિબિલિટી રાખો. જેમ કે રોજ પાંચ વાગ્યે ઉઠીને વ્યાયામ કરવો છે તેવા નિયમ કરતા રોજ વ્યાયામ કરવાનો નિયમ વધારે સરળતાથી પાળી શકાશે. તેનાથી પણ વધારે સરળ અને ફાયદાકારક નિયમ એ હોઈ શકે કે સપ્તાહ દરમિયાન ઓછામાં ઓછો ત્રણ વખત વ્યાયામ માટે સમય ફાળવવો. તેનાથી તમને ઘણી સ્વતંત્રતા રહેશે અને ટાર્ગેટ પણ એચિવ થઇ જશે.
૩. દેખા દેખીમાં ન પડશો: બીજું કોઈ ચેસ શીખવાનો સંકલ્પ કરી રહ્યું હોય એટલે તમારે પણ એવો સંકલ્પ કરવાની દેખાદેખી ન કરવી જોઈએ. આવી દેખાદેખીને કારણે પોતાને લાભકારી ન હોય, સંબંધિત ન હોય અને ઇન્ટરસ્ટ પણ ન હોય તેવા નિયમો લઈને બેસી જઈએ તો તેમનું નિષ્ફળ જવું નિશ્ચિત જ છે. પોતાને માટે અત્યારે આવશ્યક હોય, સંલગ્ન – રીલિવન્ટ – હોય તેવા સંકલ્પોમાં જ પોતાનો સમય અને એનર્જી ખર્ચવા.
૪. શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ગોલ્સને મિક્સ કરીને સંકલ્પનું લિસ્ટ બનાવવું: અત્યારે જે અર્જન્ટ હોય અને લાંબાગાળે જે ઉપયોગી હોય તેવા બંને પ્રકારના બે-ત્રણ બે-ત્રણ સંકલ્પો આવનારા વર્ષની યાદીમાં શામેલ કરવા. માત્ર શોર્ટ ટર્મ ગોલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો આગળ જતા મુશ્કેલી પડશે. માત્ર લોન્ગ ટર્મ ગોલ પર પુરી એનર્જી લગાવી દીધી તો અત્યારે જે જરૂરિયાત છે તે પુરી નહિ થાય.
૫. રિઝોલ્યુશન્સ વિના પણ વર્ષ સફળ થઇ શકે છે: જે લોકો રિઝોલ્યુશનનું લાબું લિસ્ટ બનાવે તેમને જ વર્ષ દરમિયાન સફળતા મળે તેવું નથી. કેટલાય લોકો આવા રિઝોલ્યુશનના લફડામાં પડ્યા વિના જ જીવતા હોય છે અને તેઓ પોતાનામાં રહેલા શિસ્ત અને અનુશાષનને કારણે હંમેશા સફળતા મેળવતા રહે છે. તમારામાં પણ સફળ થવા માટે ધગસ, શિસ્ત અને અનુશાસન હોવા જરૂરી છે. પોતાનાં ભવિષ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા હોવી આવશ્યક છે. તે નહિ હોય તો રિઝોલ્યુશન માત્ર ડાયરીના પાના પર લખેલા સપના બનીને રહી જશે.
આવનારા વર્ષમાં આપ સૌ ધારી સફળતા મેળવો તેવી શુભેચ્છા સાથે – મેરી ક્રિસ્મસ અને હેપી ન્યુ યર.