જયારે કોઈ લાગણી તમારા કાબુ બહાર જતી રહે ત્યારે તેને કેવી રીતે નિયંત્રણમાં લાવો છો? ક્યારેક તમારી સાથે એવું થતું હશે કે તમને નાહકનો ગુસ્સો આવતો હશે, કોઈના માટે પ્રેમ આવતો હશે કે પછી કોઈ કારણ વગર કંટાળો આવતો હશે. આવા સમયે તમે પોતાની લાગણી ઉપર, ઈમોશન્સ ઉપર કેવી રીતે કંટ્રોલ કરો છો? કે પછી જે તે સમયે મનમાં ઉભરાતા સંવેદનો સાથે વહી જાઓ છો? ક્યારેક અચાનક ઉભરાતા લાગણીના ઉમળકા આપણને ઈચ્છા વિરુદ્ધ કોઈ દિશામાં ખેંચી જતા હોય છે અને તેને કારણે આપણા જીવનના કેટલાય નવા પ્રકરણો લખાઈ જાય તેવું બનતું હોય છે. તમારી સાથે પણ ક્યારેક એવું થયું જ હશે અથવા તો હજુ પણ થતું હશે. આવા બિનઆયોજિત બનાવોને અટકાવવાનો ઉપાય કોઈ છે? હા, આવા લાગણીઓના આવેશ સામે પણ રક્ષણ મેળવવું શક્ય છે અને તેના માટે કેટલાક વિચારપૂર્ણ કદમ ઉઠાવવા જરૂરી છે.

પહેલા તો એ યાદ રાખવું જોઈએ કે એક ક્ષણ અટકાવાની યુક્તિ સૌથી શ્રેષ્ઠ છે. જે માણસ પોતાના આવેગને એક ક્ષણ માટે રોકી શકે, તેનો પ્રતિભાવ વિચારી શકે અને જરૂર હોય તો બદલી શકે તે ભાગ્યે જ ક્યારેય વનવિચાર્યાં કાર્યનો શિકાર બને છે. તમે પણ જો મનમાં ઉઠી રહેલા, તમને મજબૂરી તરફ ધકેલી રહેલા લાગણીના પ્રવાહમાં તણાવને બદલે એક પળ માટે થોભી જાઓ, તેનું પરિણામ શું આવી શકે તે વિચારી શકો, તેને ન કરવાનો કોઈ ઉપાય શોધી શકો તો બધી જ સમસ્યા હલ થઇ જાય. જેમ ન રહેગા  બાંસ, ઓર ન બજેગી બાંસુરી, તેમ જ એ ઈમોશન્સ પણ ન રહે અને તેને કારણે ઉભી થવાની બધી સમસ્યાઓ પણ જળમૂળથી નાબૂદ થઇ જાય.

બીજો ઉપાય એ છે કે તમે હૃદયપ્રધાન વર્તન કરવાને બદલે માનસપ્રધાન વર્તન કરો. જયારે લાગણીનો ધોધ અંદરથી તમને કોઈ દિશામાં ધકેલી રહ્યો હોય ત્યારે તમારા વર્તનને મગજથી નિર્દેશિત કરો. તમારા હૃદયને કહો કે અત્યારે તમે માત્ર અને માત્ર મગજનું જ સાંભળશો. અત્યારે  લાગણી નહિ, વિચારને પ્રાધાન્ય આપશો. આવું કરવાથી તમારું તત્કાલીન વર્તન લાગણીના એ ઉમળકાથી ભીંજાતું નથી અને તમે તે ક્ષણને સાચવી લો છો. આગળ જતા જયારે પણ સમય આવે ત્યારે ફરીથી માત્ર વિચારયુક્ત વર્તન કરવાનો આગ્રહ રાખીને ધીમે ધીમે તમે પોતાની જાતને એવી તાલીમ આપી શકો કે કોઈ જ પગલું વનવિચાર્યું ન ઉઠાવાય. આ રીતે તટસ્થ રહીને, લાગણીના વરસાદમાં પલળ્યા વિના જે વ્યક્તિ માત્ર નિર્ધારિત અને વિચાર્યું વર્તન કરતા શીખી જાય તે આવા આકસ્મિક લાગણીના પ્રહારોથી બચી શકે છે અને પરિણામે ખુબ સમજદારીપૂર્ણ વ્યવહાર આચરી શકે છે. આ એક પ્રકારની તાલીમ છે જે ઘણો સંયમ માંગી લે છે પરંતુ તે શીખવું જરૂરી છે, મદદરૂપ છે. ખાસ કરીને જે લોકો ઊંચા હોદા પર હોય, મોટી જવાબદારીઓ સંભાળતા હોય અને તેમના વર્તનથી ઘણા લોકોને અસર થતી હોય તેઓએ આ પ્રકારે વર્તવું આવશ્યક છે.

આ રીતે, લાગણીના ઉભરાથી ડગી જવાનો વખત આવે ત્યારે આ બે પૈકી એક વિકલ્પ અપનાવી શકાય. પ્રથમ વિકલ્પ તો માત્ર ક્ષણિક છે, એક વખત તમને થોડો સમય આપે છે કે તમે તત્કાલીન અસરથી બચી શકો. શક્ય છે આ રીતે મેળવેલી એક ક્ષણ તમને વિચારવાની, પોતાના વર્તનને સાચી દિશામાં વાળવાની સદબુદ્ધિ આપે. પરંતુ બીજો વિકલ્પ તો એક પ્રકારની તાલીમ જ છે જે નિશ્ચિત રીતે તમને ભવિષ્યમમાં પણ આવા કોઈ આક્રમણ સામે રક્ષણ આપી શકે. પરંતુ તરત જ વ્યક્તિ આટલો સજ્જ ન થઇ શકે તે વાત પણ સમજી શકાય તેવી છે. એટલા માટે પ્રથમ વિકલ્પને અપનાવીને, તેનો વારેવારે અભ્યાસ કરીને પછી આપણે બીજા વિકલ્પ તરફ પ્રયાણ કરીએ, પોતાની જાતને વધારે મજબૂત રીતે કિલ્લેબંદ્ધ કરીએ તો હંમેશા માટે આવા અવેશોથી અસરગ્રસ્ત થતા બચી શકાય.

Don’t miss new articles