નિર્ણય લેવો એ મહત્ત્વપૂર્ણ કૌશલ છે જે સૌની પાસે હોતું નથી. રાય જેવી નાની નાની બાબતોમાં મહિનાઓ સુધી ચિંતા કરનારા લોકો પણ જોયા હશે અને પહાડ જેટલા મોટા નિર્ણય એક ઝાટકે કરીને રાત્રે શાંતિથી ઊંઘી જનારા લોકો પણ તમારી સામે આવ્યા હશે. કેટલાય લોકોને તો એ વાતની પણ સમજ નથી હોતી કે નિર્ણય લેવો કેવી રીતે. તેઓ બીજાની પાસે સલાહ લેવા જતા રહે છે અને ઘણીવાર ભરમાય પણ જાય છે. કેટલાક લોકો કોઈની દોરવણીમાં આવીને ખોટા નિર્ણય કરે છે અને પોતાના જીવનમાં મોટું નુકશાન કરી બેસે છે.
સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં ઘણી એવી સ્થિતિ આવતી હોય છે જયારે તેને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા પડતા હોય. આ ડિસિઝન લેવા માટે તેની સામે અનેક પરિબળો હોય છે. કેટલીય બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ પોતાનું મન મનાવવું પડતું હોય છે. કેમ કે દરેક નિર્ણયની અસર ન માત્ર પોતાના પર પરંતુ પોતાની સાથે જોડાયેલા અનેક લોકો પર થતી હોય છે. મોટા માણસોના નિર્ણયો તો હજારો કે લાખો લોકોને અસર કરી શકે છે. જેમ કે ભારતના પ્રધાનમંત્રીનો એક નિર્ણય ૧૪૦ કરોડ લોકોને ફાયદો કે નુકસાન કરાવી શકે. કોઈ કંપનીના માલિકનો નિર્ણય તેમાં કામ કરતા દરેક કર્મચારીને પ્રભાવિત કરી શકે છે. એક પરિવારના સભ્યનો નિર્ણય તેની સાથે જોડાયેલા દરેકની લાગણી અને ભવિષ્યને ભારી પડી શકે.
દરેક નિશ્ચય અને નતીજાની પાછળ અનેક વિચારોની શૃંખલા જવાબદાર હોય છે. અનેક ભાવનાત્મક અને સંજોગાત્મક કારણો જવાબદાર હોય છે. તેનું એનાલિસિસ કરવામાં આવે તો સમજાય કે જેને આપણે સામાન્ય નિર્ણય સમજીએ છીએ તેને લેવા માટે અનેક પરિબળોએ મોટો ભાગ ભજવ્યો છે. ઘણીવાર તો એ પણ ન સમજાય કે માણસે એવું તારણ શા માટે કાઢ્યું હશે અને કોઈ નતીજા પર શા માટે પહોંચ્યો હશે. પરંતુ તેની પાછળ જટિલ પ્રક્રિયા અને પદ્ધતિ શામેલ હોય શકે.
સચોટ નિર્ણય લેવા માટે સચોટ તર્ક હોવો આવશ્યક છે. ઉપરાંત, પરિસ્થિતિની સમજ અને પરિણામની અપેક્ષા પણ સ્પષ્ટ હોવા જોઈએ. જે વ્યક્તિને પુરી હકીકત ખબર ન હોય તે તટસ્થ નિર્ણય ન લઇ શકે. જેમ કે ન્યાયધીશ પાસે ચુકાદો આપવા માટે દરેક પક્ષની દલીલો અને પુરાવાઓ હોવા જરૂરી છે. તેની ગેરહાજરીમાં તે કોઈને અન્યાય કરી બેસે છે. સરકાર પાસે પૂરતી માહિતી અને આંકડાઓ ન હોય તો તેની નીતિ બિનઅસરકારક બને છે. આપણે પણ બધા પરિબળોને અને પાસાઓને ધ્યાનમાં લીધા વિના કોઈ ફેંસલો કરીએ તો તેનું પરિણામ ખોટું આવી શકે. વૈજ્ઞાનિકો પણ અનેક પ્રયોગો કરીને, તેના અવલોકનોને આધારે જ કોઈ તારણ પર આવે છે. અવલોકનોમાં ખામી રહી જાય તો તારણ ખોટા પડે છે.
બીજું એક અગત્યનું પરિબળ છે પૂરતો સમય. જો કોઈ બાબતને આવશ્યક સમય સુધી ચકાસ્યા વિના જ કોઈ તારણ પર પહોંચી જઈએ તો બાદમાં પસ્તાવાનો વારો આવી શકે. એટલા માટે જ લોકો લગ્ન કરતા પહેલા સામેની વ્યક્તિને અને પરિવારને સમજવા પ્રયત્ન કરે છે. કોઈને કાયમી નોકરી આપતા પહેલા તેને કંપની પ્રોબેશન રાખે છે. કારણ કે પૂરતો સમય ચકાસ્યા વિના કોઈ વ્યક્તિ કે બાબત અંગે નિર્ણય કરવાથી ઘણા પરિબળો અવગણી દેવાની ક્ષતિ રહી જાય છે. માટે કોઈ નિર્ણય કરતા પહેલા તેને પૂરતો સમય એવો જોઈએ.બીજી એક અગત્યની વાત છે કે જે તે વિષય પર નિર્ણય કરવા માટે તાલીમ કે જ્ઞાન હોવું જોઈએ. જે માણસે અર્થશાસ્ત્ર ભણ્યું ન હોય કે તેમાં કોઈ અનુભવ ન હોય તેની પાસે જો આર્થિક બાબતોના નિર્ણય કરાવવામાં આવે તો તેમાં ક્ષતિ રહી જવાની પુરી સંભાવના હોય છે. જે વ્યક્તિએ ઇજનેરીની તાલીમ ન લીધી હોય તેની પાસે એન્જીનીઅર જેવા કામ ન કરાવી શકાય. એટલા માટે જ માણસે પોતાના ક્ષેત્રમાં જ નિર્ણય લેવા જોઈએ. બીજી બાબતોમાં નિર્ણય લેવા માટે કોઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આ સલાહ આપવા માટે નિષ્ણાતો પૈસા લેતા હોય છે અને તે દર્શાવે છે કે સચોટ નિર્ણય માટે જે તે ક્ષેત્રની તાલીમ આવશ્યક છે.
તમે પણ જીવનમાં જયારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરો ત્યારે આ બધી બાબતો યાદ રાખજો. દરેક પાસાઓ ચકાસીને, પૂરતી માહિતીના આધારે, કોઈની સલાહથી, પોતાના ક્ષેત્રમાં પૂરતો સમય આપ્યા બાદ જ નિર્ણય કરજો.