આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આખું વર્ષ જ તહેવારોથી છલોછલ ભરેલું હોય છે પરંતુ શ્રાવણ મહિનો બેસતાં જ મુખ્ય તહેવારોની શરૂઆત થઇ જાય છે. આ વર્ષના તહેવારોની પણ શુભ શરૂઆત થઇ ગઈ છે. હમણાં જ રક્ષાબંધન ગયું. જન્માષ્ટમી ગઈ. જૈનોના પર્યુષણ પુરા થયા. હવે નવરાત્રી આવી રહી છે. દુર્ગા પૂજા આવશે. દશેરા અને દિવાળી આવશે. નવું વર્ષ અને ભાઈબીજ આવશે. એટલે કે અત્યારથી લઈને નવેમ્બરની શરૂઆત સુધીનો સમય તહેવારોનો સમય છે. લોકો એકબીજાને મળવા જશે, ઘરમાં સજાવટ કરશે. પૂજા-પાઠ થશે. સામુદાયિક કાર્યક્રમો યોજાશે અને ધીમે ધીમે આપણી સામાન્ય જીવનશૈલી પાછી આવશે.

આ બધામાં તમારો સૌથી પ્રિય તહેવાય કયો છે? તેની તૈયારી તમે કેવી રીતે કરવાના છે? આ વર્ષ માટે કોઈ ખાસ તૈયારી કરી છે? એક વાતની નોંધ તમે લીધી કે પહેલા આપણે તહેવાર માટે જેટલી તૈયારીઓ કરતા, જે રીતે તેની રાહ જોતા અને પહેલાથી આયોજન કરતા તે હવે થતું નથી. તહેવાર આવે તે દિવસે જ આપણે તેને ઉજવવા થોડો સમય કાઢીએ છીએ. જીવન પ્રગતિશીલ થવાની સાથે સાથે પ્રવેગમય અને ગતિશીલ પણ બન્યું છે અને તેને કારણે આપણને ઉત્સાહ અને આતુરતા અનુભવાતાં નથી. ક્યારેક ક્યારેક તો તહેવારના દિવસે પણ ભાગ્યે જ પૂરતો સમય મળે છે.

તો શું આ વખતે આપણે માનસિક રીતે કોઈ એક તહેવારની આતુરતાપૂર્વક રાહ જોઈએ, તેના માટે અત્યારથી તૈયારી શરુ કરીએ એવું બની શકે? કેટલાક લોકોનો ફેવરિટ તહેવાર નવરાત્રી હશે તો કેટલાકનો દિવાળી. બીજા કોઈને અન્ય કોઈ તહેવાર વધારે ગમતો હોય તેવું પણ બને. જે કોઈ પણ તહેવાર તમારો પ્રિય હોય તેની તૈયારી કરવાનો, રાહ જોવાનો અને પછી ઉજવવાનો જે રોમાંચ હોય છે તે ફરીથી અનુભવવાની કોશિશ કરીએ.

મારો પ્રિય તહેવાર દિવાળી છે. સામાન્ય રીતે આપણે દિવાળી અને નવા વર્ષ પર એકબીજાના ઘરે જઈને મળતાં, મીઠાઈ આપતા અને શુભેચ્છા પાઠવતા. જે લોકો દૂર રહેતા તેમને આપણે પોતાના હાથે કાર્ડ લખતા અને ક્યારેક ભેંટ પણ મોકલતા. પરંતુ જ્યારથી સોશ્યિલ મીડિયા આવ્યું ત્યારથી આપણે લોકોને એક મેસેજ કે ઇમેજ ફોરવર્ડ કરીએ છીએ અને તેમાં જાણે બધું આવી ગયું અને આપણી ફરજ પુરી થઇ ગઈ તેમ પરવારી જઈએ છીએ. એ વાત સાચી કે આજે આપણા કોન્ટેક્ટ પહેલા કરતા ઘણા વધારે છે પરંતુ આ કોન્ટેક્ટને કારણે શું તે લોકોને પણ અવગણી દેવાના જેઓ વર્ષભર આપણું ધ્યાન રાખતા હોય, આપણને ખુબ મદદરૂપ બનતા હોય, આપણને ખુબ કામ આવતા હોય? તેવા લોકોને આ વખતે એક મેસેજ કે કોલથી નહિ પતાવીએ. જે લોકોને રૂબરૂ મળવા જવાનું બનતું હોય તેમને જાતે મળવા પણ જઈશું અને વ્યાજબી હોય તે પ્રમાણે કાર્ડ કે ગિફ્ટ મોકલીશું તેવું કરી શકાય? જો અત્યારથી આયોજન કરીશું તો આ કામ વધારે અઘરું નહિ પડે. તહેવાર આવતા સુધીમાં આપણે જે કઈ નક્કી કર્યું હશે તેને પૂર્ણ કરી શકીશું પરંતુ તેના માટે આપણા મનમાં ઉત્સાહ હોવો જરૂરી છે. ‘તહેવારો તો આવે ને જાય, નકામો સમય અને નાણાં શા માટે વેડફવા?’ એવું વિચારતા હોઈએ તો પછી કોઈ પ્રશ્ન જ નથી.

નક્કી કરી જુઓ કે તમારો ફેવરિટ તહેવાર કયો છે અને તેને આ વખતે પરંપરાગત રીતે ઉજવવો છે કે કેમ? જો જવાબ હા હોય તો તૈયારી શરુ કરી દો.

Don’t miss new articles