દિવાળી એટલે ગુજરાતીઓ માટે નવું વર્ષ. જ્યારે પણ કંઈક નવું શરૂ થાય ત્યારે આપણે માનસિક રીતે પોતાના જીવનના કોમ્પ્યુટરને રી-બુટ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. એટલા માટે જ આપણો દિવાળી પર ચોપડા પૂજન કરીને નવા ખાતા ખોલીએ છીએ અને આવનારા વર્ષ માટે નવા લક્ષ્યો નિર્ધારિત કરીએ છીએ. આમ તો ગુજરાતીઓ માટે બે વખત નવું વર્ષ આવ્યું કહેવાય. એક તો દિવાળી પછીના દિવસે આવતું નવું વર્ષ. બીજું વૈશ્વિક આધુનિક પરંપરા અનુસાર આપણે પણ હવે પેલી જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ કરતા થયા છીએ. ભલે પહેલી જાન્યુઆરી પર આપણું પણ કેલેન્ડર બદલાય પરંતુ પેલું ડટ્ટા વાળું તારીખ્યું અને પંચાંગ તો હજુ પણ દિવાળીએ જ પ્રકાશિત થાય છે. માટે ગુજરાતીઓ માટે દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ આગવું મહત્વ ધરાવે છે.
સામાન્યરીતે આપણે નવા વર્ષે નવા લક્ષ્યો નિર્ધારિત કરીએ છીએ. આ પરંપરા અનુસાર નવા વર્ષમાં તમે શું નવા સંકલ્પો કરવા માંગો છો તે નક્કી કર્યું છે? ભલે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે મોટાભાગના લક્ષ્યો આર્થિક, કારકિર્દી, પરિવાર વગેરે અંગે નિર્ધારિત કરો પરંતુ એક એવો સંકલ્પ આ વર્ષે જરૂર કરજો જેનાથી તમારા સંબંધો અને માનસિક શાંતિ આવનારા વર્ષમાં સુધારે. સમાજમાં લોકોની પ્રતિભાવ આપવાની ક્ષમતા ઘટી રહી છે. લોકો અંગત સંબંધોમાં, પરિવારમાં, કાર્યસ્થળે, સામાજિક વર્તુળોમાં અને સોશ્યિલ મીડિયામાં વધારેને વધારે આક્રમક બનતા જાય છે. તેમના પ્રતિભાવ હવે સામાન્યરીતે પ્રતિકારરૂપે જ આવે છે. વગર વિચાર્યે પોતાના વિચારોને પ્રતિકાર તરીકે રજૂ કરવાની આ આદત એટલી તો મજબૂત બની છે કે તે વ્યક્તિના નિયંત્રણ બહાર જતી રહી છે.
શું તમે પણ આવી સ્થિતિનો સામનો કર્યો છે? તમે કોઈની વાત સાંભળ્યા બાદ તરત જ તેને નકારવા માટે મોઢું ખોલો છો કે પછી તેને બરાબર સાંભળીને, તેના અંગે પોતાના વિચારોને ક્રમબદ્ધ કરીને તેમને પ્રતિભાવ આપો છો? પ્રતિકારમાં અને પ્રતિભાવમાં તફાવત એટલો છે કે પ્રતિકારમાં ભૂલથી ગરમ લોઢું પકડી લીધું હોય ત્યારે જે રીતે વર્તન કરીએ છીએ તેવું વર્તન હોય છે જયારે પ્રતિભાવ વધારે સમજી વિચારીને આપવામાં આવતો હોય છે. જે રીતે બજારમાં કોઈ વસ્તુ ખરીદતી વખતે તેને હાથમાં લઈને બરાબર તપાસીએ છીએ અને પછી આપણું મંતવ્ય આપીએ છીએ તેને પ્રતિભાવ આપ્યો કહેવાય. પ્રતિકારમાં અવિચારી જવાબ હોય છે જયારે પ્રતિભાવમાં મગજ દોડાવ્યું હોય છે. આ રીતે જ જીવનમાં પણ આપણે કોઈની સાથેના સંવાદમાં, સંબંધમાં પણ પ્રતિકાર આપવાને બદલે તેમની વાત, તેમનું વર્તન, તેમની પ્રાથમિકતાઓ અંગે પ્રતિભાવ આપીએ તો ઘણો ફાયદો થાય.
પ્રતિભાવ અપાતી વખતે આપણે સામેવાળી વ્યક્તિને સમજવાની કોશિશ કરીએ છીએ. તેમના વિચારો અને વાતને આપણે અવગણતા નથી, પરંતુ સ્વીકારીએ છીએ. તેમના અંગે પોતાનો કોઈ અભિપ્રાય બાંધવાને બદલે તેમને જેવા હોય તેવા આવકારીએ છીએ પરંતુ તેમના અંગે પોતાનો નીસ્પક્ષ વિચાર પણ મૂકીએ છીએ. ભલે આપણે તેમની સાથે સહમત થઈએ કે ન થઈએ, પરંતુ આપણે તેમને નકારી કાઢતા નથી. આપણી વાત સાથે તેમના વિચારો મેળ ન ખાતા હોય તો તે ખોટા છે તેવું માનવાને બદલે તેઓ પોતાની જગ્યાએ સાચા હોઈ શકે તેવી શક્યતાને આદર સાથે અપાનવીએ છીએ. આ પ્રકારનું વર્તન આપણા સંબંધોને વધારે સારા બનાવવામાં અને લોકો સાથેના સંવાદને વધારે અર્થપૂર્ણ બનાવવામાં મદદરૂપ બનશે.
પ્રતિકારને બદલે પ્રતિભાવ આપવાથી આપણે ગુસ્સાને બદલે સંયમથી વર્તીએ છીએ. તેનાથી બે વ્યક્તિ કે જૂથ વચ્ચે સહિષ્ણુતા બની રહે છે. આપણે કોઈને તિરસ્કારવાને બદલે સ્વીકારવા તરફ આગળ વધીએ છીએ. સામાજિક સહિષ્ણુતા જાળવવા અને શાંતિ તેમજ સહજીવન માટે આ પ્રાથમિક આવશ્યકતા છે તેનું ભાન આપણે સજાગપણે રાખતા થઈએ છીએ. માટે, આ દિવાળી પર એવો સંકલ્પ કરીશું કે આપણા જીવનમાંથી પ્રતિકારને બદલે પ્રતિભાવનો ઉપયોગ કરતા થઈશું તો આવનારું વર્ષ ઘણું વધારે સરળ, સફળ અને શાંતિમય બનશે તેની ખાતરી આપી શકાય.