જીવન ચલાવવું હોય તો ચાલવાનું રાખો

પદયાત્રાનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં અનેરું છે. પહેલાના સમયમાં લોકો પગપાળા ચાલીને ચાર ધામની યાત્રા કરતા. આ ચારેય ધામ પણ દેશની ચારેય દેશાઓના છેવાડે આવેલા છે: ઉત્તરે બદ્રીનાથ, દક્ષિણે રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથ પુરી અને પશ્ચિમમાં દ્વારકા. આ રીતે પદયાત્રા કરીને લોકો આખા દેશનું ભ્રમણ કરતા, અલગ અલગ પ્રદેશના લોકોને મળતા અને તેમની ભાષા, ભોજન અને રીતરિવાજ અંગે જાણતા. આ રીતે પદયાત્રા કરવાથી તેઓની માનસિક ક્ષિતિજો વિસ્તરતી. વળી બીજો ફાયદો એ થતો કે આટલી મોટી યાત્રા કોઈ વ્યક્તિ એકલા ન કરી શકે. તેઓ હંમેશા સંઘની સાથે ચાલતા. આ રીતે તેઓ પોતાના ગામ અને પ્રદેશના લોકોની સાથે પણ વધારે સમય વિતાવી શકતા અને એકબીજાને આ લાંબી યાત્રામાં સારી રીતે જાણી શકતા. આ પ્રથાનું ધાર્મિક જ નહિ પરંતુ સામાજિક મહત્ત્વ પણ હતું.

આજે આપણે પદયાત્રા કેટલી કરીએ છીએ? ચાલવાથી વ્યક્તિનું મન પ્રફુલ્લિત થાય છે, તે નિસર્ગ સાથેનો સંસર્ગ મજબૂત બનાવે છે. તેને આરોગ્યને લગતા અનેક ફાયદા થાય છે. ચાલતી વખતે વ્યક્તિના મગજમાં સકારાત્મક અને રચનાત્મક વિચારો આવે છે તે વાત પણ વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા સાબિત થયેલી છે. આજના સમયમાં દર વર્ષે અંગ્રેજી ભાષાના સૌથી વધારે પુસ્તકો પ્રકાશિત કરનાર લેખક જેમ્સ પેટરસન પોતાના આયોજનમાં દિવસમાં ત્રણ વખત ચાલવાનું રાખે છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન લાંબા અંતરની લટાર મારવા નીકળતા. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન પણ ગાલાપાગોસ ટાપુ પર ગયા ત્યારે દિવસમાં ઘણા કલાકો સુધી ચાલીને ટાપુનું પરીક્ષણ કરતા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં પોતાના ઘરની પાછળના જંગલોમાં પણ તે ચાલવા નીકળી જતા અને પોતાના વૈજ્ઞાનિક તારણો અંગે વિચાર કરતા.

ચાલવાના ફાયદા ન જાણતા લોકોએ ગૂગલ કરી લેવું જોઈએ અને સમજવું જોઈએ કે જો તેઓ દિવસમાં અડધોએક કલાક એકલા કે કોઈની સાથે ચાલવાનું રાખે તો કેટલો ફાયદો થઇ શકે. કેટલીક જગ્યાએ તો વોકિંગ મેડિટેશન પણ કરાવવામાં આવે છે. એટલે કે ચાલતા ચાલતા ધ્યાન કરવાનું શીખવવામાં આવે છે. ઓશોના આશ્રમમાં આ પ્રથા ખુબ પ્રચલિત હતી. લોકો ચાલતા ચાલતા સૃષ્ટિનું નિરીક્ષણ કરે, પોતાના મનમાં ચાલતા વિચારોને શાંત કરે અને રચનાત્મક બને. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ પણ મોર્નિંગ વોક કે જોગિંગ માટે આગ્રહ રાખતા. તેઓએ ઘણા આયોજનો પોતાનો મોર્નિંગ વોક દરમિયાન જ કર્યા હતા.

તમારું કોઈ મિત્ર વર્તુળ હોય, અને જ્યાં રહેતા હોય ત્યાં સગવડ હોય તો સવારે કે સાંજે અડધોએક કલાક તેમની સાથે ચાલવા નીકળવાની આદત કેળવી જુઓ. ભલે ધીમે ધીમે ચાલતા ચાલતા વાતોના ગપ્પા મારો, મૂડ હળવો કરો પરંતુ ચાલવાથી જે રીતે મગજ સક્રિય બનશે, પ્રફુલ્લિત બનશે તેનો ફાયદો થોડા દિવસોમાં જ તમને સમજાશે. શક્ય હોય તો થોડો સમય એકાંતમાં પણ ચાલવાનું રાખો. આ સમયે તમારા મગજમાં ચાલતા પ્રશ્નોના એટલા સ્પષ્ટ ઉકેલ મળી શકે કે તે તમને કોઈ નિષ્ણાત પણ ન સૂચવી શકે.

આ વર્ષમાં જો તમારે કોઈ નવી આદત કેળવવી હોય, કોઈ નવો પ્રણ લેવો હોય, તો મારી સલાહ છે કે નિયમિત રીતે ચાલવાનું શરુ કરો. ચાલવાથી કેટલો વ્યાયામ થશે તે નહિ પરંતુ તેનાથી શરીર અને મન બંનેને કેટલો ફાયદો થશે તે વિચારજો. પદયાત્રા કરવાથી બહુ કેલરી તો નહિ બળે, જિમ જેવું પરિણામ તો શરીર પર નહિ દેખાય, પરંતુ તેનાથી શરીર અને મનની તંદુરસ્તીનું જે સંતુલન કેળવાશે તે તમને બીજી કોઈ જ પ્રવૃત્તિથી મળવું મુશ્કેલ છે. ચાલવાની ક્રિયા વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને કલાકારોથી માંડીને રાજનિતિજ્ઞોએ પણ અપનાવી છે અને તેનો ભરપૂર લાભ મેળવ્યો છે. પરંતુ આજના ઝડપી યુગમાં આપણે આ સરળ પદ્ધતિને ભૂલવા લાગ્યા છીએ. લોકોએ ચાલવાનું સદંતર બંધ કરી દીધું છે. ખાસ કરીને ખુલ્લામાં ચાલવાનું.

જો શક્ય હોય તો તમે ખુલ્લામાં, પ્રકૃતિના ખોલે ચાલવાની શરૂઆત કરો અને તેનાથી થનારા શારીરિક અને માનસિક આરોગ્યના લાભને પ્રાપ્ત કરો. એક મહિનામાં જ તમને મોટો ફાયદો થશે તે વાતની ગેરંટી છે.