તમે એકલા કેટલું ચાલી શકો છો?

જો બીજું કોઈ સાથ દેવાવાળું ન હોય તો તમે કેટલું કામ કરી શકો? કેટલી ધીરજ રાખી શકો અને કેટલા પ્રમાણમાં નિર્ધારિત કરેલા લક્ષ્ય તરફ પ્રયત્ન રત રહી શકો છો? સામાન્ય રીતે વ્યક્તિ કોઈનો સાથ ઝંખતી હોય છે. પોતે જે કંઈ કરે તેના માટે કોઈનો સહકાર, કોઈનો અભિપ્રાય અને કોઈના તરફથી પ્રોત્સાહન તેને કાર્યરત રાખવા માટે ઈંધણની જેમ આવશ્યક બની રહે છે. પરંતુ ઘણીવાર જીવનમાં એવું બને કે આપણી આસપાસ કોઈ જ ન હોય. આપણે જે કંઈ કરી રહ્યા હોય તેના વિશે કોઈની સાથે ચર્ચા ન કરી શકીએ. કોઈને કહી પણ ન શકીએ. ત્યારે આપણે પોતાની પ્રવૃત્તિ અંગે, પોતાના લક્ષ્ય અંગે, જાતે જ મૂલ્યાંકન કરવું પડે છે. જાતે જ પોતાને પ્રોત્સાહિત કરવા પડે છે. સ્વંય જ પોતાની પ્રવૃત્તિને નિર્ધારિત દિશામાં ચલાવતા રહેવા માટે પ્રત્નરત રહેવું પડે છે. દિશાદર્શન પણ જાતે કરવાનું અને પ્રોત્સાહિત પણ થવાનું સરળ હોતું નથી.

પરંતુ એક વાત અગત્યની છે કે વિશ્વમાં જે કોઈ મોટી ઘટનાઓ બને છે તે બધી જ કોઈ વ્યક્તિના અંગત અને એકાંકી પ્રયત્નોને પરિણામ હોય છે. જ્યારે જ્યારે વ્યક્તિએ એકલા કાર્ય કર્યું છે, પોતાની દિશા નિર્ધારિત કરી અને તેના પર પ્રયત્ન કર્યા છે, ત્યારે પરિણામ હંમેશા ધાર્યા કરતાં ઘણું વધારે સારું મળ્યું છે.

રવિન્દ્રનાથ ટાગોરની કવિતા છે:

“જોડી તોર ડાક સુને કેઉ ના આશે,તોબે એકલા ચોલો, એકલા ચોલો, એકલા ચોલો રે, એકલા ચોલો રે,”

તેનો અર્થ એવો થાય છે કે: “કોઈ તમારી પુકાર ન સાંભળે, પ્રત્યુતર ન આપે, તો એકલા ચાલો, એકલા ચાલો એકલા ચાલો રે”

રવિન્દ્રનાથ ટાગોરની આ કવિતા આપણને ડર્યા વિના અને કોઈની અપેક્ષા રાખ્યા વગર એકલા ચાલતા રહેવાની અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. અમિતાભ બચ્ચન આ કવિતા ને પોતાની સૌથી પ્રિય કવિતાઓ પૈકીની એક ગણાવે છે. ટાગોરની કવિતા એ વાતની પૂરક છે કે જે લોકો એકલા ચાલીને પોતાના માર્ગ નિર્ધારિત કરી શકે છે તે લોકો જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. તેઓ એવા સરસ પરિણામો લાવી શકે છે કે જે કોઈએ ધાર્યા પણ ન હોય.

આપણા જીવનમાં કેટલું બધું એવું હોય છે કે જેના માટે આપણે જાતે જ પ્રયત્ન કરવાનો હોય છે. આપણે જાતે જ નિર્ણય લેવાનો હોય છે. આપણી ઘણી અંગત બાબતોમાં કોઈનો સાથ મળતો હોતો નથી. કેટલાક લક્ષ્ય આપણા એવા હોય છે કે જેના માટે આપણે કોઈની સાથે ચર્ચા પણ કરી શકતા નથી. ઘણીવાર જાણતા હોવા છતાં પણ લોકો કોઈ કાર્ય માટે સાથ દેવા તૈયાર થતા નથી. કપરા નિર્ણયો કરતી વખતે અને તેનો અમલ કરતી વખતે આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવે જ છે. જે લોકો ભીડને અનુસરીને ચાલતા હોય તેની આસપાસ તો ઘણા લોકો ટોળે વળી રહે. પરંતુ જે પોતાનો ચીલો અલગ ચીતરવા માંગતા હોય તેની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. તેમણે તો એકલા જ ચાલવું પડે છે.

તમે પણ કોઈ મહત્ત્વના કાર્યપથ પર આગળ વધવા ઇચ્છતા હોય તો એકલા ચાલવાની આદત પાડો. સામાન્ય રીતે માણસ કોઈ અજાણ્યા સાથે પણ રહી શકે છે પરંતુ તે પોતાની જાત સાથે રહેતા ડરે છે. સૌને પોતાનો જ ડર લાગે છે એ વાત હકીકત છે. તેના માટે કેટલાય કારણો જવાબદાર હોય શકે પરંતુ તેની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે મહત્વનું એ છે કે તમે એકાંતનો ડર છોડીને પોતાની જાત સાથે સમય વિતાવતા શીખો અને તાદાત્મ્ય સાધો. એકાંત ખૂબ પ્રભાવશાળી સાબિત થાય છે. પોતાનાથી વધારે કોઈનો સાથ કાર્યક્ષમ ન હોય શકે તે બાબતનો સ્વીકાર કરીને આગળ વધો. પોતાની સક્રિયતાને વધાવો આજે તેને પોષણ આપો. આ પોષણ અને પ્રોત્સાહન માટે કોઈના પણ આધાર રાખવા કરતા સ્વયં આધારિત બનો. સ્વનિર્ભર બનો.