કેન્યામાં વિકલાંગ લોકો માટે કૃત્રિમ અંગદાન કેમ્પ

કેન્યામાં ભારતીય મૂળના લોકો દાનધર્મના કામોમાં ખૂબ આગળ પડતાં છે. કુદરતે તેમને ધનસંપત્તિ સાથે ઉદારતાથી પણ નવાજ્યા છે. અહી કેટલાય લોકો રોજ શાળાના હજારો બાળકોને જમાડે છે તો કોઈ ગરીબ પરિવારોને રાશન આપે છે, જેમકે મુકેશ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું જાયન્ટ ગ્રુપ ટ્વીગા અંતરિયાળ વિસ્તારોમાં જઈને ગરીબોને સેંકડોની સંખ્યામાં રાશનની કીટ આપે છે. કોઈ કોઈ સંસ્થાઓ તો પોતાની શાળા પણ ચલાવે છે અને તેમાં આવતા બાળકોને નિશુલ્ક શિક્ષણ અને ભોજન પૂરું પાડે છે.

આવા અનેક દાનપુણ્યના કામો વચ્ચે એક ઊગી નીકળે તેવું અનેરું કામ છે વિકલાંગ લોકોને પ્રોસ્થેટીક લીંબ એટલે કે કૃત્રિમ હાથ-પગ બેસાડવાનું. શ્રી નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર દ્વારા બનાવવામાં આવતા કૃત્રિમ હાથ પગ જેવા અંગોને વિકલાંગના શરીર પર બંધ બેસાડીને તેમને નવું જીવન તેમજ આત્મવિશ્વાસ પ્રદાન કરવાનું પ્રસંશનીય કાર્ય ઘણા સમયથી થઈ રહ્યું છે.કેન્યામાંથી શ્રી સૂર્યકાંત ચલ્લા દ્વારા આ કામની આગેવાની લેવાઇ છે. તેઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને શ્રી નારાયણ સેવા સંસ્થાનના ડોક્ટરોને કેન્યામાં તેડાવે છે અને અહીં વિકલાંગ લોકોના માપ લઈને તેમના હાથ કે પગ તૈયાર કરાવડાવે છે. આ અંગો ભારતમાં તૈયાર થઈ જાય પછી ફરીથી એક કેમ્પનું આયોજન થાય છે જેમાં વિકલાંગ લોકોને તેમના માટે તૈયાર થયેલા કૃત્રિમ હાથ કે પગ આપવામાં આવે છે. આપને જાણ હશે કે પ્રોસ્ટેટિક લીંબ કોઈપણ પ્રકારની સર્જરી વિના, વાઢકાપ વિના, શરીર પર બેસાડી શકાય છે. તેનો સહારો લઈને વ્યક્તિ લગભગ સાચા હાથ કે પગ જેટલું નહીં તો તેનાથી ૭૦-૮૦% જેટલું કામ તો ચલાવી જ લે છે. સૌથી મોટી વાત એ છે કે કેન્યાના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આ સેવાકાર્યનો લાભ મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

તાજેતરમાં શ્રી મુકેશ દેસાઈના જાયંટ ગ્રુપ ટ્વીગા દ્વારા શ્રી નારાયણ સેવા સંસ્થાનના કેમ્પની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શ્રી સૂર્યકાન્ત ચલ્લા તો સાથે હતા જ. ઉદયપુરથી સંસ્થાના પ્રતિનિધિ અને ડોક્ટર આવેલા. સ્થાનિક સ્વયંસેવી લોકોએ ખુબ પ્રતિબદ્ધતા સાથે કામમાં સાથ દીધો. નૈરોબીના સનાતન સેવા ધર્મ સંસ્થાના મંદિરના પ્રાંગણમાં આ કેમ્પ ચાલ્યો. ૨૬૦ લોકોને અંગ પ્રદાન કરવામાં આવ્યા અને તેનાથી ન માત્ર તેમના ચેહરા પર ખુશી અને આત્મવિશ્વાસની લાગણી છલકાઈ પરંતુ તેમનું ભવિષ્ય વધારે ગતિશીલ અને આત્મનિર્ભર બન્યું. તેમની કામ કરવાની ક્ષમતા વધી. તેઓ કમાણી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે સક્ષમ બન્યા.આ કેમ્પ કરવાનું શ્રેય જાયંટ ગ્રુપ ટ્વીગા, લોર્ડ મહાવીર સ્વામી ફોલોવર્સ અને નારાયણ સેવા સંસ્થાને આપવું રહ્યું. લેખકને પરિવાર સાથે આ કેમ્પની મુલાકાત લેવા આમંત્રણ મળેલું અને તે ખુબ આનંદદાયક અનુભવ રહ્યો. ૨૬૦ પૈકી મોટાભાગના લોકોને એક હાથ કે એક પગ અને કેટલાક લોકોને બે હાથ કે બે પગ પણ આપવામાં આવ્યા હતા. લાભ લેનારામાં ૬ વર્ષના બાળકથી માંડીને ૮૩ વર્ષના વૃદ્ધ પણ હતા. ઉપરાંત આ કેમ્પમાં ૨૦૦ નવા લોકોના અંગો માટે માપ લેવામાં આવ્યું જેમના માટે ભારતમાં પ્રોસ્થેટિક લીંબ તૈયાર કરવામાં આવશે અને ફરીથી જયારે જાન્યુઆરી ૨૦૨૪માં કેમ્પ થશે ત્યારે તેમને અંગ પ્રદાન કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકોને કૃત્રિમ અંગોનું દાન શ્રી સૂર્યકાન્ત ચલ્લાની સક્રિય ભાગીદારીથી થયું છે.સ્ટેટસ રિપોર્ટ ઓન ડિસેબિલિટી ઈન કેન્યા, ૨૦૨૧ અનુસાર વર્ષ ૨૦૧૯ના સેંસેસ પ્રમાણે કેન્યાની કુલ વસ્તીના લગભગ ૨.૨% લોકો એટલે કે ૯ લાખ લોકો કોઈ પ્રકારની વિકલાંગતા સાથે જીવે છે. તેમાંના કેટલાય લોકો હાથ કે પગની વિકલાંગતા ધરાવતા હોઇ, આ પ્રકારના કૃત્રિમ અંગપ્રદાન કેમ્પની ખુબ જરૂરિયાત રહે છે.

અહીં પોલિયો વર્ષ ૨૦૧૪માં નાબૂદ થયેલો જાહેર કરાયેલો પરંતુ આજે પણ ઘણા પોલિયોના કેસ થતા જોવા મળે છે. (ભારતથી કેન્યા મુસાફરી માટે યલ્લો ફીવર અને પોલિયોની રશી લેવી ફરજિયાત છે.) વળી, પહેલા જે લોકોને પોલિયો થયેલો તે પૈકીના ઘણા લોકોને હજુ સુધી કૃત્રિમ અંગ પ્રાપ્ત થયા ન હોવાથી ઘણીવાર બાળકથી માંડીને વૃદ્ધ લોકો આવી ખામી સાથે જીવન જીવતા જોવા મળે છે. તેમના માટે શ્રી નારાયણ સેવા સંસ્થા દ્વારા બનાવવામાં આવતા કૃત્રિમ અંગો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા અનુદાન આશીર્વાદરૂપ બની રહે છે. આવા દાતાઓને અને સમાજસેવી લોકોને વધારે શક્તિ, ક્ષમતા અને ઉદારતા મળી રહે તો કેટલાય લોકોના જીવન બદલાઈ જાય.