કેન્યાએ નૈરોબીમાં પ્રથમ આફ્રિકા ક્લાઈમેટ સમિટ ૨૦૨૩ યોજી. ૪-૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ સમિટના યજમાન કેન્યા અને આફ્રિકન યુનિયન હતા. ઇજિપ્તના શર્મ અલ શેખમાં COP ૨૭ દરમિયાન પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કહેલું કે તેઓ પ્રથમ આફ્રિકા ક્લાઈમેટ સમિટ કેન્યામાં આયોજિત કરશે. તે વચનને નિભાવતા રુટોએ બધા જ આફ્રિકાના દેશો ઉપરાંત કેટલાય બીજા પર્યાવરણ ક્ષેત્રે સક્રિય દેશોને નિમંત્રિત કરીને આ સમિટ યોજી જેમાં આફ્રિકાના દેશોમાંથી કેટલાય રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીઓ આવેલા. અનેક દેશોના પર્યાવરણ મંત્રી કે વિદેશ મંત્રી પણ હાજર હતા. ભારતથી વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આવેલા અને ચીનના અર્થવ્યવસ્થાના મંત્રી આવેલા. બ્રાઝીલ, નેધરલેન્ડ્સ, યુકે, જર્મની, ફ્રાન્સ, યુએસએ વગેરે અનેક દેશોમાંથી પણ ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિત્વ હતું.
આ સમિટ દરમિયાન આબોહવા પરિવર્તન સંબંધિત અનેક બાબતોની ચર્ચા થઇ અને તેને અટકાવવા, તેની માઠી અસરો સામે લડવા કેવી રીતે પગલાં લેવા તેના અંગે અલગ અલગ દેશના મંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે વિશેષ દૂતોએ પોતાના સંદેશ આપ્યા. આફ્રિકાએ ૧૮૫૦થી ૨૦૧૯ સુધીમાં વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં માત્ર ૭% જ ઉમેરો કર્યો છે પરંતુ અત્યારે જે આબોહવા પરિવર્તન થઇ રહ્યું છે તેની માઠી અસરોનો તે સૌથી મોટો શિકાર છે. ગરીબ દેશો પાસે તકનીકી તેમજ આર્થિક ક્ષમતા ન હોવાથી આબોહવા પરિવર્તનની માઠી અસરોથી બચવા કે તેનો સામનો કરવા માટે પૂરતા સંશાધનો પણ હોતા નથી.
આ સમિટ – શિખર મંત્રણા દરમિયાન અનેક દેશોએ આફ્રિકા માટે કેટલીય સહાય અને નાણાકીય જોગવાઈની જાહેરાત કરી છે. જેમાં સૌથી આગળ પડતું છે યુનાઇટેડ આરબ એમિરાત જેણે ૪.૫ બિલિયન ડોલરનું ભંડોળ આફ્રિકામાં આબોહવા પરિવર્તનની પરિસ્થિતિ સામે લડવા તકનીકી વિકાસ, હરિત ઉદ્યોગ વગેરે માટે જાહેર કર્યું છે. જર્મનીએ કેન્યાને ૨૦૦ મિલિયન યુરોનું દેવું બદલ કરી આપવાનું વચન આપ્યું જેથી કરીને આ ભંડોળ નવી ટેક્નોલોજી અને ઉદ્યોગવિકાસમાં વાપરી શકાય. યુકેએ પણ ૪૯ મિલિયન પાઉન્ડનું ભંડોળ આફ્રિકાના ૧૫ દેશોમાં હરિત ઉદ્યોગોના વિકાસ માટે, પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતોનાં વિકાસ માટે આપવાની જાહેરાત કરી. અમેરિકાએ પોતાના તરફથી મોટું ભંડોળ આ કાજ માટે અલગ કાઢ્યું હોવાનું જણાવ્યું. આફ્રિકા ડેવલપમેન્ટ બેન્ક અને ગ્લોબલ સેન્ટર ઓફ એડેપ્ટેશન દ્વારા યુવાનોના સ્ટાર્ટ અપ અને બિઝનેસને સપોર્ટ કરવા ૧ બિલિયન ડોલરનું ફંડ જાહેર કરવામાં આવ્યું. યુરોપિયન યુનિયન દ્વારા કેન્યાને ૧.૯ બિલિયન યુરોની ગ્રાન્ટ આપવામાં આવી જેનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન ઇન્ડસ્ટ્રી વિકસાવવા માટે કરવાનો રહેશે. એક અંદાજ અનુસાર આફ્રિકાને આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૬૦ થી ૩૪૦ બિલિયન ડોલરની આવશ્યકતા છે પરંતુ અત્યારે તેને દર વર્ષે માત્ર ૧૬ બિલિયન ડોલર જેટલું જ ભંડોળ ઉપલબ્ધ થઇ રહ્યું છે.
આ સમિટમાં પ્રેસિડેન્ટ રુટોએ કાર્બન ટેક્સ અને ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાદીને તેમાંથી એકઠા થતા ભંડોળને આબોહવા પરિવર્તનની સામે રક્ષણ મેળવવા, પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રીના વધારાની મર્યાદામાં જાળવવા અને શુદ્ધ ઉર્જા સ્ત્રોતોના વિકાસ માટે વાપરવાની અપીલ કરી. નોંધપાત્ર છે કે ૧૯મી સદીના મધ્ય ભાગ સુધીના (કે જયારે અશ્મિ ઇંધણના ઉપયોગની શરૂઆત નહોતી થઇ ત્યારના) તાપમાનથી ૧.૫ ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે ન થાય તેવું લક્ષ્ય ૨૦૧૫માં પેરિસ એગ્રીમેન્ટ દરમિયાન વિશ્વના બધા દેશોએ નક્કી કર્યું હતું. આ તાપમાનનું લક્ષ્ય હાંસલ કરવા, તેનાથી વધારે તાપમાન ન વધે તેવું નિયંત્રણ રાખવા માટે જે નવી ટેક્નોલોજીનો વિકાસ કરવો પડશે, નવા પુનઃ પ્રાપ્ય અને શુદ્ધ ઉર્જા સ્ત્રોતો વિકસાવવા પડશે તેના માટે મોટા પ્રમાણમાં આર્થિક ભંડોળની આવશ્યકતા રહેશે. આ ભંડોળ વિશ્વના વિકસિત રાષ્ટ્રો મળીને ઉભું કરે તે જરૂરી છે. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે વિકાસશીલ રાષ્ટ્રોનું કહેવું છે કે જે દેશોએ પહેલા ઔદ્યોગિકરણ કરીને પર્યાવરણને નુકશાન પહોંચાડ્યું છે તેમની ફરજ બને છે કે તેઓ વધારે યોગદાન આપે. તેઓ આર્થિક ભંડોળ અને ટેક્નોલોજી દ્વારા વિકાસશીલ અને ગરીબ રાષ્ટ્રોને મદદ કરે કારણકે ઔદ્યોગિકરણની સમૃદ્ધિ પણ તેમને જ પ્રાપ્ત થઇ છે. હવે જયારે ગરીબ અને વિકાસશીલ રાષ્ટ્રોનો વિકસવાનો વારો આવ્યો છે ત્યારે આબોહવા પરિવર્તનનો ખતરો આવી ઉભો છે એટલા માટે તેમને તો વિકસવાનો ચાન્સ જ ન મળ્યો. આવી સ્થિતિમાં સૌને સમાન તક ઉપલબ્ધ થાય એટલા માટે નવી ઔદ્યોગિક ટેક્નોલોજી વિકસિત દેશો દ્વારા અન્ય દેશો સાથે પણ સાજા કરવામાં આવે તે આવશ્યક છે.