યુકે ડાયરીનો આ છેલ્લો લેખ કેમ કે હવે યુકેનું પોસ્ટિંગ પૂરું કરીને ટ્રેઇનિંગ અને રજાઓ માટે ભારત આવી ગયો છું. ત્રણ વર્ષ અને એક મહિનાનું યુકે પોસ્ટિંગ અનેક રીતે સમૃદ્ધ અનુભવ બની રહ્યું. આ પોસ્ટિંગ દરમિયાન આપણે યુકેની કેટલીય રસપ્રદ વાતો જાણી અને ચર્ચી. આ પૈકી કોવિડમાં પણ ઘણો સમય વીત્યો અને આપણે પાન્ડેમિક સંબંધિત યુકે અને ભારતની સ્થિતિ તથા પ્રતિક્રિયા અંગે પણ ચર્ચા થઇ. આ દરમિયાન આપણે બ્રેક્ઝિટ જેવી રસપ્રદ ઘટનાના સાક્ષી બન્યા, પ્રધાનમંત્રી થેરેસા મે સત્તા વિસ્થાપિત થઇ અને બોરિસ જોહન્સન નવા પ્રધાનમંત્રી બન્યા તે પણ જોયું. રાજકીય ફેરફારો અને આર્થિક નીતિઓમાં ફેરફાર થતા પણ જોયા. ભારતીય મૂળના ત્રણ મંત્રીઓ સરકારમાં શામેલ થયા એ વાતનું ગૌરવ પણ કર્યું.
અમુક સમય પહેલા મેગ્ક્ષિટ – મેગન મર્કેલની રોયલ ફેમિલીનો ત્યાગ કરીને અમેરિકા જવાની ઘટના પણ બ્રિટનમાં ખુબ સમાચારમાં રહેલી. પ્રિન્સ હેરી સાથે લગ્ન થયા ત્યારથી જ મેગન માર્કેલ ન્યુઝમાં રહેલી અને અમુક સમય પછી તેણે પરિવાર સાથે બ્રિટન છોડવાનો નિર્ણય કરી લીધો.
થોડા સમય પહેલા પ્રધાનમંત્રી બોરિસ જોહન્સનની ભારત યાત્રા અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત પ્રવાસ – જેસીબીના કારખાનાનું ઉદ્ઘાટન – વગેરે રસપ્રદ બની રહ્યું. તે પહેલા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોપ ૨૬ માટે નવેમ્બર ૨૦૨૧માં ગ્લાસગોની મુલાકાત લીધી. બંને દેશોએ રોડમેપ ૨૦૩૦ પણ જાહેર કર્યો અને પછી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો પણ આરંભી. કોવિડના પ્રથમ વેવ દરમિયાન ભારતીય લોકો યુકેમાં ફસાયેલા રહ્યા તેમને સલામત ઘરે પાછા પહોંચાડવા માટે વંદે ભારત મિશન શરુ થયું અને બીજા વેવ દરમિયાન જયારે ભારતમાં ઓક્સિજન સંબંધિત ઉપકરણોની આવશ્યકતા હતી ત્યારે યુકેમાંથી ખુબ સારા પ્રમાણમાં સહાય પણ મોકલી.
યુકેની કેટલીક રસપ્રદ વાતો જાણીને આશ્ચર્ય પણ થયું જેમ કે ટાવર ઓફ લંડનમાં કાગડાના મરવાથી અપશુકન થાય તેવી બ્રિટનની માન્યતા! યુકેમાં હવે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધતો જાય છે અને સરકાર સાઇકલનો ઉપયોગ વધારવાને પ્રોત્સાહન આપી રહી છે. યુકેએ નેટ ઝીરો માટે સરકારી નીતિ પણ બનાવી લીધી છે અને તેને ખુબ સારી રીતે અમલી બનાવી રહી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, ઉદ્યોગો અને ઉપકરણોને એન્વિરોન્મેન્ટ ફ્રેન્ડલી બનાવવા વગેરે પણ સરકારની પ્રોત્સાહક નીતિઓમાં શામેલ છે.
આ સમય દરમિયાન યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન સામે ઈન્કવાયરી પણ બેઠી હતી. કોવિડના સમયમાં સરકારે પ્રતિબંધો લગાડેલા ત્યારે પ્રધાનમંત્રી નિવાસમાં – ન. 10 – માં પાર્ટી થઇ રહી હતી તે વાત સામે આવી. આ ઈન્કવાયરી બાદ તો તાજેતરમાં પ્રધાનમંત્રી બોરિસ જોહન્સન સામે નો કોન્ફિડન્સ મોશન પણ લાવવામાં આવી હતી. જો કે તેમાં પ્રધાનમંત્રીની તરફેણમાં મત પડ્યા હતા અને તેની સરકારને નુકશાન થયું નહોતું. અત્યારે યુકેમાં રાણીની પ્લેટિનમ જ્યુબિલી મનાવવામાં આવી રહી છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય પ્રથમ શાસક છે જેણે ૭૦ વર્ષનું શાષન પૂરું કર્યું છે. તેણીએ 6 ફેબ્રુઆરી ૧૯૫૨થી સત્તાગ્રહણ કરેલી અને હજુ તે સત્તાધિન છે. તે કોમન્વેલ્થના દેશોની રાણી છે તેથી આ પ્લેટિનમ જ્યુબિલી ઓછાવત્તા અંશે બધા જ કોમનવેલ્થ દેશોમાં ઉજવાઈ છે. તેણીનો ૯૫મો જન્મદિવસ પણ તાજેતરમાં ઉજવાયેલો હતો અને વિશ્વભરમાંથી શુભેચ્છા સંદેશ મળેલા.
યુકે ભારતના સંબંધો મજબૂત છે અને તેમાં ભારતીય મૂળના લોકો, ભારતથી યુકે ભણવા ગયેલા વિદ્યાર્થીઓ અને કામ કરવા ગયેલા પ્રોફેશનલ લોકોનો ખુબ મોટો ફાળો છે. આપણે ભારતના લગભગ બે સદી સુધી ચાલેલા બ્રિટિશ રૂલને કારણે તેમની રહેણીકરણી અને ઇતિહાસ, ભૂગોળ તથા રાજવ્યવસ્થાથી પરિચિત છીએ જ. આ સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. ભારતના લોકો યુકે જવાનું, ત્યાં ભણવાનું અને કામ કરવાનું પસંદ કરે છે. આ જ કારણ હતું કે આપણે યુકે ડાયરી દ્વારા મહદંશે નિયમિત રીતે યુકેમાં બનતી ઘટનાઓ અને ત્યાંની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી તેમાં વાંચકોને રસ પડતો રહ્યો.