દિવાળીથી નવી દિનચર્યા

દિવાળીનું પર્વ નજીક આવી રહ્યુ છે. આ પાંચ દિવસના પર્વને આપણે ગુજરાતીઓ આગવી પરંપરાથી ઉજવીએ અને માણીએ છીએ. ભારતની સંસ્કૃતિમાં અનેક તહેવારો હોવાથી સમયાંતરે એક પછી એક તહેવાર આવતો રહે છે અને આપણે તેની ઉજવણી પરંપરાનુસાર કરતા રહીએ છીએ. દિવાળીના પર્વની પણ પોતાની પરંપરા છે અને ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીના પાંચ દિવસ ઉજવાય છે. 

દિવાળી સાથે વિવિધ ધાર્મિક અને પારંપરિક કથાઓ પણ સંકળાયેલી છે. ઉતર ભારત ભારતમાં રામ વનવાસથી અયોધ્યા આવ્યા તેને કારણે નગરી શણગારવામાં આવેલી તેનું મહત્ત્વ છે. આપણે ગુજરાતમાં દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા કરીએ છીએ. આ દિવસે લક્ષ્મીનો જન્મ થયેલો અને ત્યારબાદ તે વિષ્ણુ સાથે લગ્ન સંબંધથી પણ જોડાયેલી. એ સંદર્ભમાં લક્ષ્મી પૂજા પણ આપણી પરંપરામાં છે. કુબેર સાથે સંકળાયેલી કથાઓ પણ પ્રચલિત છે. આપણે ગુજરાતમાં દિવાળીના બીજા દિવસને ગોવર્ધન પડવો કે નવું વર્ષ ઉજવીએ છીએ. દિવાળીની રાત આસો મહિનાની અમાસની રાત હોવાથી ત્યાર પછીના દિવસે  નવું વર્ષ શરૂ થાય છે. આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીની રાત સૌથી અંધારી રાત હોય છે એટલા માટે તે રાત્રે દીવા પ્રગટાવવાની પરંપરા છે.


આ રીતે જોઇએ તો ગુજરાતીઓ માટે દિવાળી અને નવું વર્ષ નવા સંકલ્પો કરવાનો અને નવા સાહસ શરૂ કરવાનો ઉત્સવ છે. આ તહેવાર નિમિત્તે આપણે ઘરની સાફ-સફાઈ કરીએ છીએ, નવું ફર્નિચર રાચરચીલું અને કપડાં ખરીદીએ છીએ, સોનાની ખરીદી કરીએ છીએ, અને નવા વર્ષથી તેનો ઉપયોગ શરૂ કરીએ છીએ.
આ વર્ષે દિવાળીની પરંપરાગત ઉજવણી કરતી વખતે નવા નિશ્ચય કરીને તેને યાદગાર દિવાળી બનાવવાની કોશિશ કરીએ. દિવાળીથી નવી દિનચર્યા શરૂ કરીએ. નવી દિનચર્યામાં આપણે પોતાની ખામીઓને સુધારી અને નવા ઉદ્દેશ્યો અને ઈચ્છાઓને પૂરી કરવા માટે જે કંઈ કરવું પડે તે કરીએ. 

વ્યાયામ: નવી દિનચર્યાની વ્યાયામથી થવી જોઈએ. શરીર તંદુરસ્ત રહેશે અને શારીરિક અને માનસિક તાજગી અનુભવાશે તો દવાખાને નહીં જવું પડે, સમય બચશે અને સ્ફૂર્તિ અને શક્તિને કારણે કામમાં વધારે જોશથી મહેનત કરી શકાશે. વર્ષના અંતે નફામાં અને વળતરમાં વધારો કરવા આ વ્યાયામની આદત ખૂબ મદદરૂપ બનશે. આ રીતે લક્ષ્મીજીના આશીર્વાદ લઈને વ્યાયામને દિનચર્યામાં શામેલ કરીને પણ વધારે લક્ષ્મી પ્રાપ્તિ કરવાની શરૂઆત કરી શકાય. 

પુજા, ઉપાસના કે ધ્યાન: દિનચર્યામાં પૂજા-ઉપાસના કે ધ્યાન કરવાનું શામેલ કરવુ. વ્યાયામ કરીને ફ્રેશ થયા બાદ નાહીધોઈને પૂજા ઉપાસના કે ધ્યાન કરવું. પોતાના પરિવારના અને સમાજના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી શકાય. કોઈ વિશેષ કર્મકાંડ કરવાની જરુર નથી, માત્ર પાંચ-દસ મિનિટ સુધી ધ્યાનની સ્થિતિમાં બેસીને મનને એકાગ્ર કરવાથી કે પ્રાર્થના કરવાથી પણ ઘણો ફાયદો થઇ શકે. તેનાથી માનસિક શાંતિ મળે છે, મગજ તેજ બને છે અને વિચારો પર નિયંત્રણ રહે છે. મનને શાંત રાખવા, ગુસ્સાને નિયંત્રણમાં રાખવા, સદવિચારો રાખવા પ્રાથના કે મેડિટેશન ખૂબ ઉપયોગી બની શકે. 

હેલ્ધી બ્રેકફાસ્ટઃ દિનચર્યાનો ત્રીજો પડાવ છે હેલ્ધી બ્રેકફાસ્ટ. વ્યાયામ બાદ, પૂજા કરતા પહેલા કે પૂજા કર્યા પછી, હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાની આદત પાડવી. જો કોઈને સવારે નાસ્તો કરવાની આદત ન હોય તો તેમણે થોડો થોડો ખોરાક લઈને ધીમે-ધીમે આ આદત કેળવી લેવી જોઈએ. તીખું, તળેલું કે તેલ મસાલા અને ખાંડવાળા બ્રેકફાસ્ટને બદલે થોડા ફળ અને ઘરમાં રાંધેલી તાજી વાનગી ખાવાથી વ્યાયામનો ફાયદો વધે છે અને રાતભરના ખાલી પેટને કારણે ખોરાકની જરૂરિયાત પૂરી થાય છે. નાસ્તામાં ફળ સુકો મેવો ખજૂર દૂધ ઘી કે બટર પણ જરૂર શામેલ કરવા.

સમયની નિયમિતતા: દિવાળીથી બનાવાતી નવી દિનચર્યામાં એક બાબત ખાસ ઉમેરવી કે હવેથી ક્યારેય પોતાના કામે મોડું ન પહોંચવું. કામ ધંધામાં રાખેલી નિયમિતતા વ્યક્તિને સફળ બનાવે છે. જે કામ કરવાનું હોય તેને નિયમિત રીતે પૂરી ધગશથી કર્યા કરવું. કામે જવામાં આળસ ન કરવી. એક દિવસ આઠ વાગ્યે અને બીજા દિવસે દસ વાગ્યે દુકાન ખોલવી કે ઓફિસે જવું અનિયમિતતાની નિશાની છે. આવી અનિયમિતતાથી નુકશાન તો કદાચ ન પણ થતું હોય પરંતુ તે લાકડામાં ભરાયેલી ઉધઈની માફક છે જે ધીરે-ધીરે અંદરથી લાકડાને ખોખળું બનાવી દે છે. તેવી જ રીતે અનિયમિતતાની આદત વ્યક્તિના સ્વભાવને આળસુ  અને બિનઉત્પાદક બનાવે છે. 

કામના સમયે માત્ર કામ જ કરવું: આપણે દુકાન કે ઓફિસમાં તો આઠ-દસ કલાક વિતાવતા હોઈએ છીએ પરંતુ તે પૈકીનો ઘણો સમય પોતાનું કામ કરવામાં નહીં પરંતુ અન્ય બાબતોમાં વ્યતીત કરતા હોઈએ છીએ. આપણે ખરેખર કેટલો સમય કામ કરીએ છીએ તેનાથી પોતે તો વાકેફ છીએ જ. બીજા કોઈને બતાવવા માટે નહીં, પરંતુ પોતાની સફળતા અને પોતાની પ્રગતિ માટે જેટલો સમય કામ માટે ફાળવેલો હોય તેટલો સમય સંપૂર્ણપણે પોતાના કામને જ આપવો. વાતોના ગપાટા મારવામાં કે સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં સમય વેડફવો નહીં. કામ પૂરું થઇ જાય ત્યાર પછી જ અન્ય કોઈ બાબતો પર ધ્યાન આપવું. જે વ્યક્તિ પોતાનું સંપૂર્ણ ધ્યાન કામ પર આપે છે તેની પ્રગતિમાં અને અન્ય લોકોની ઉપલબ્ધિમાં જમીન-આસમાનનો તફાવત હોય છે.

દર કલાકે એક નાનો ગ્લાસ પાણી પીવાની આદત પાડવી: સામાન્ય રીતે પુખ્ત વયના વ્યક્તિને દિવસમાં અઢીથી ત્રણ લિટર પાણીની આવશ્યકતા હોય છે. પરંતુ કામમાં આપણે પાણી પીવાનું ભૂલી જતા હોઇએ છીએ અથવા તો ઓછું પાણી પીતા હોઈએ છીએ. પાણી એક રીતે શરીરની શુદ્ધિ માટે આવશ્યક પ્રવાહી છે. ઓછા પાણીને કારણે શરીર શુદ્ધ ન થતું હોવાથી આપણી રોગ પ્રતિકારકતા ઘટતી જાય છે. પૂરતું પાણી પીવાથી અનેક રોગોથી બચી શકાય. એટલા માટે દર કલાકે એક નાનો ગ્લાસ પાણી પીવાની આદત પાડવી. 12 કલાકનો સક્રિય દિવસ ગણીએ અને દર કલાકે એક નાનો ગ્લાસ પાણી પીએ તો તેમાં લગભગ 250 મિલી પાણી આવે, એટલે કુલ અઢી લિટર પાણી દિવસ દરમિયાન પીવામાં આવે. આ ઉપરાંત થોડું ઘણું પ્રવાહી આપણા ખોરાકમાંથી અને ચા-કોફીમાંથી પણ મળી રહેતું હોય છે. 

સમયાંતરે બોડીને રિલેકસ કરો: જો આપનું કામ બેઠાડુ હોય તો તેને કારણે લાંબો સમય સુધી ખુરશી પર બેસી રહેવાને કારણે કમર અને ગરદનના સ્નાયુઓ પણ પકડાઈ જાય છે. જેને કારણે અનેક પ્રકારના સ્નાયુ અને સાંધાનાં દુખાવા થવાની સંભાવના છે. આવું બેઠાડું કામ ધરાવતા વ્યક્તિઓએ અમુક અમુક સમયે પોતાની ગરદન અને કમરને થોડો આરામ મળે એટલા માટે પોતાની જગ્યાએથી ઉભા થઈને મસલ્સને થોડા રિલેક્સ કરવા જોઈએ. કમ્પ્યુટરની સ્ક્રીનમાં લાંબો સમય જોતા રહેવાથી આંખોને થતા નુકસાનથી બચવા અમુક અમુક સમયે આંખોને બંધ કરી તેને આરામ આપવો જોઈએ. જે લોકો શારીરિક શ્રમ કરતા હોય તેમને માટે આ સમસ્યા ઓછી થાય છે પરંતુ તેમણે પણ થોડી થોડી વારે શરીરના સ્નાયુઓને અને હાડકાઓને આરામ મળે એવું રિલેક્સેશન કરવું જોઈએ. આવા સ્ટ્રેચિંગ કે રિલેક્સેશન માટે દર વખતે બે-ત્રણ મિનિટથી વધારે સમયની જરૂર હોતી નથી, માટે તેનાથી કામનો સમય બગડશે તેવો ભય રાખવાની આવશ્યકતા નથી.

દિવસમાં એક કલાક વાંચન માટે આપો: દિવસનો કોઈ એક કલાકનો સમય એવો પસંદ કરો જ્યારે અન્ય બધા જ કામ છોડીને આપણે પોતાના માનસિક વિકાસ માટે સમય ફાળવી શકીએ. રોજ નિયમિત રીતે અમુક નિશ્ચિત કરેલા સમયે મોબાઈલ અને અને ટીવીથી દૂર રહીને પોતાના માટે એક કલાકનો સમય એવો આપો કે જ્યારે પુસ્તક વાંચી શકાય. રોજના એક કલાકના વાંચનથી આપણે વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા ૪૦ થી ૫૦ પુસ્તકો વાંચી શકીએ. આજકાલના લોકોનું વાંચન હવે માત્ર મોબાઇલની સ્ક્રીન પર રહી ગયું છે. તેમાંથી બહાર નીકળીને પુસ્તક વાંચવાનો આ અનુભવ રસપ્રદ નીવડશે. માટે આ દિવાળીથી શરૂ થનારી નવી દિનચર્યામાં રોજ એક કલાક વાંચનને  ફાળવો.

સાંજનો સમય પરિવાર સાથે વિતાવો: દિવસભર કામમાં કે સોશિયલ મીડિયામાં બીઝી રહેતા આપણે લોકો સાંજે પણ મોટાભાગે ઘરે આવીને ફરીથી મોબાઇલમાં કે ટીવીમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગીએ છીએ.  એવાં અનેક દ્રશ્યો જોવા મળે છે જ્યારે પરિવારના ત્રણ લોકો કે મિત્રો સાથે બેઠા હોય પરંતુ પોતપોતાના મોબાઇલમાં બીઝી હોય. રોજ એકાદ કલાક એવો પણ રાખવો કે જ્યારે ટીવી કે મોબાઈલ નહીં પરંતુ એકબીજા સાથે વાતો કરીને કે લુડો કે કેરમ જેવી જૂની રમતો રમીને પોતાનો સમય એકબીજા સાથે વિતાવી શકાય. ફળિયામાં બેસીને એકબીજા સાથે વાતો કરતા પરિવારજનોનું દશ્ય હવે તો બહુ ઓછું જોવા મળે છે. જો એવા દ્રશ્યને પુનર્જીવિત કરી શકાય તો અતિ ઉત્તમ.

ઊંઘવાનો સમય નિશ્ચિત અને નિયમિત રાખો: આજકાલ લોકો મોડીરાત સુધી ટીવી કે મોબાઇલમાં વ્યસ્ત રહે છે અને પરિણામે વગર કામે તેમની ઉંઘને અસર પડે છે. અનેક સંશોધનો દ્વારા એવું સામે આવ્યું છે કે વ્યક્તિએ ઊંઘવાનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ જેથી કરીને તેની જૈવિક ઘડિયાળ યોગ્ય રીતે સેટ થઈને કામ કરી શકે. નિશ્ચિત સમયે અને નિયમિત રીતે ઊંઘવાથી સવારે વ્યક્તિ તાજગી અને સ્ફૂર્તિથી ઊઠે છે કારણકે રાતભર શરીરની અંદર ચાલતી સર્જનાત્મક પ્રવૃત્તિ ઊંઘ દરમ્યાન જ થાય છે. રોજની સાતેક કલાકની ઊંઘ જરૂરી છે માટે નિયમિત રીતે પૂરતી ઊંઘ લેવાની આદત પોતાની દિનચર્યામાં કેળવવી. 


આ દિવાળી અને નવા વર્ષથી પોતાની નવી દિનચર્યાને સેટ કરીને તેનું નિયમિત પાલન અને અનુસરણ કરવાની શરૂઆત કરી દો. દિવાળીથી શરૂ થતી આ નવી દિનચર્યા આપ સૌના નવા વર્ષમાં ખુબ ખુબ સફળતા, સમૃદ્ધિ અને શાંતિ અર્પે તેવી શુભેચ્છા.