ડે લાઈટ સેવિંગ ટાઈમ

ડે લાઈટ સેવિંગ ટાઈમ એવો કન્સેપટ છે જેમાં ઉનાળામાં ઘડિયાળ પાછળ કરવામાં આવે છે અને શિયાળામાં આગળ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદેશ્ય શિયાળામાં સુરજ મોડો ઉગતો હોય ત્યારે સમય પાછળ કરી દેવાથી એક કલાક દિવસ મોડો શરુ થાય જેથી કરીને સન લાઈટ મળી રહે. ઉદાહરણ તરીકે યુકેમાં ઓક્ટોબરના છેલ્લા રવિવારે રાત્રે બે વાગ્યે ઘડિયાળ એક કલાક પાછળ કરીને એક વગાડી દેવામાં આવે છે. જેથી જયારે સવારે આઠ વાગવાના હોય ત્યારે સાત વાગે છે. લોકોને થોડા મોડા પોતાની રોજિંદી પ્રવૃતિઓ શરુ કરવી પડે અને ત્યાં સુધીમાં સુરજ નીકળી આવે.

તેવી જ રીતે ઉનાળામાં ઘડિયાળને એટલી જ આગળ કરવામાં આવે છે. કારણ કે ત્યારે સુરજ વહેલો નીકળતો હોવાથી શિયાળામાં જે ટાઈમ પાછળ કરાયો હોય તેને ફરીથી એડજસ્ટ કરવા સમય પાછળ લઇ જવો પડે છે. તેની અસર એ થાય છે કે સવારે સુરજ જલ્દી નીકળતો હોવાથી જયારે આઠ વાગ્યા હોય ત્યારે સાત વાગે છે. યુકેમાં માર્ચના છેલ્લા રવિવારે સવારે એક વાગ્યે ઘડિયાળ એક કલાક આગળ કરીને બે વગાડી દેવામાં આવે છે. જેથી સૂરજના સોનેરી પ્રકાશમાં દિવસ શરુ થાય.

આ સંકલ્પના જયોર્જ હડસને ઈ.સ. ૧૮૯૫માં પ્રસ્તાવિત કરેલી અને જર્મની તથા ઓસ્ટ્રિયાએ ૧૯૧૬માં રાષ્ટ્રભરમાં પ્રથમવાર અમલમાં મુકેલી. ત્યાર બાદ ઘણા દેશોએ સમયે સમયે આ સંકલ્પનાનો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને ૧૯૭૦ના દશકાની ઉર્જા કટોકટી બાદ તેનો ઉપયોગ બહોળો બન્યો છે.

સામાન્ય રીતે વિષુવવૃતથી દૂરના દેશોમાં શિયાળા અને ઉનાળામાં સુરજ નીકળવાના સમયમાં ખુબ અંતર હોવાથી ત્યાં આ કન્સેપટ યોગ્ય રીતે લાગુ પડે છે. વિષુવવૃતનાં દેશોમાં સુરજના સમયમાં વર્ષભરમાં ખાસ પરિવર્તન આવતું ન હોવાથી અને બારેમાસ સૂર્યપ્રકાશ ભરપૂર માત્રામાં રહેતો હોવાથી આવી રીતે ડે લાઈટ સેવિંગ ટાઈમની જરૂર હોતી નથી.

કેટલાક દેશોમાં પરમેનન્ટ ડે લાઈટ સેવિંગ ટાઇમનો નવો કન્સેપટ અમલમાં આવ્યો છે. તેના અનુસાર આખું વર્ષ ઉનાળાના સમય અનુસાર ચાલવામાં આવે છે અને શિયાળામાં પણ તેને બદલવામાં આવતો નથી. તેમાં સરેરાશ દિવસનો સમય નોંધીને ઘડિયાળ સેટ કરવામાં આવી હોવાથી વર્ષમાં બે વખત સમય બદલવાની ઝંઝટ થતી નથી અને તેમ છતાં વીજળીની બચત સમાન જ થાય છે તેવું કેટલાક નિષ્ણાતોનું કહેવું છે.